પશ્ચિમ બંગાળમાં મિથુન ચક્રવર્તીના મુસ્લિમવિરોધી વિધાનો સામે જબરદસ્ત રોષ અને આક્રોશ

હાવડાના એક કાર્યક્રમમાં ભાજપના નેતા અને અભિનેતાએ મુસ્લિમોને વિદેશી ગણાવતા મુસ્લિમ સમાજ અનેTMCમા થી ઉગ્ર પ્રતિક્રિયા

(એજન્સી) કોલકાતા, તા.૩
છેલ્લા થોડા સમયથી જમણેરી નેતાઓના નફરતભર્યા ભાષણોને કારણે વિશ્વભરમાં એમની ટીકા થઈ રહી છે ત્યાં બોલિવૂડના અભિનેતા અને ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના હાવડાના એક કાર્યક્રમમાં ખૂબ જ નફરત જગાવતા ઉશ્કેરણી જનક ભાષણને કારણે ગંભીર અને ઘેરા પડઘા પડ્યા છે અને મુસ્લિમ સમાજમાં ઉગ્ર રોષ અને આક્રોશની લાગણી પ્રસરી છે. ટીએમસી તરફથી પણ ઉગ્ર પ્રતિક્રિયા આવી છે.ભાજપ દ્વારા તબીબોના સંપર્ક માટે હાવરા મેદાનમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોલમાં કાર્યક્રમ યોજાયો હતો તેમાં બોલતા મિથુન ચક્રવર્તીએ ટીએમસી પર પ્રહારો કર્યા હતા અને એવો આક્ષેપ કર્યો હતો કે, એ પાર્ટી જુઠ્ઠાણાં ફેલાવે છે અને લોકોને ગેરમાર્ગે દોરીને ધાક ધમકીનું રાજકારણ ખેલી રહી છે. આ નિવેદનને હાજર કાર્યકરોએ ગગન ભેદી હર્ષનાદોથી વધાવી લીધું હતું. મિથુન ચક્રવર્તીએ તરત જ પાછળમાં કોમવાદી વાતો શરૂ કરી હતી અને એવો સવાલ કર્યો હતો કે નાગરિકતા સુધારા ધારો એટલે કે સીએએનો ટીએમસી કેમ વિરોધ કરે છે ? ભારતના હિન્દુ અને મુસ્લિમોને મતદાન આપતા અટકાવવામાં આવશે એવું ચૂંટણી પંચે કદી કહ્યું નથી તો પછી ટીએમસીના નેતાઓ શું કામ શેરીઓમાં આવી ગયા છે ? તો તેઓ વિદેશીઓનું રક્ષણ કરવા માંગે છે ?
ભાજપ નેતાએ આગળ કહ્યું હતું કે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિંદુઓને નાગરિકતા આપવી જોઈએ અને મતદાનના અધિકારો આપવા જોઈએ પણ વિદેશી મુસ્લિમોને એવા કોઈ અધિકારો આપવા જોઈએ નહીં. જો હિન્દુઓ બીજા દેશોમાંથી અહીં આવતા હોય તો એ લોકો ધાર્મિક રીતે શરણાર્થીઓ છે અને એમને મત આપવાનો અધિકાર છે પણ વિદેશી નાગરિકોને એવો અધિકાર ન હોય અને આપી ન શકાય.વિરોધ પક્ષના નેતાઓ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાજપ નેતા અને અભિનેતાના વિધાનોની આકરી ટીકા કરી હતી અને માર્કસવાદી પક્ષના જાણીતા નેતા મોહમ્મદ સલીમે કહ્યું હતું કે, મુસ્લિમોને વિદેશીઓ ગણાવી તે ભાજપ નેતાએ લાખો કરોડો ભારતીય નાગરિકોનું અપમાન કર્યું છે. જે પરિવારો બંગાળમાં સદીઓથી વસવાટ કરી રહ્યા છે એમનું અપમાન કર્યું છે અને આવા વિધાનો ધાર્મિક ધોરણે લોકોમાં વિભાજન કરવાનો પ્રયાસ છે, તેનાથી ઓછું કશું નહીં.
રાજકીય નિરીક્ષકો માને છે કે પશ્ચિમ બંગાળમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા જમણેરી પરિબળો મતદારોનું ધ્રુવીકરણ કરવા પ્રયાસો કરી રહ્યા છે. કોલકાતા યુનિવર્સિટીના રાજકીય વિશ્લેષક પ્રોફેસર અબ્દુલ કલામ કહે છે કે ભાષણોનો આ પ્રવાહ અને તરાહ કંઈ નવી વસ્તુ નથી. જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે લોકો બેરોજગારી તથા ફુગાવો અને શાસનની નિષ્ફળતાના મુદ્દાઓ ભૂલી જાય એ માટે આવી રીતે કોમવાદી મુદ્દાઓ ચગાવવા માટે ભાજપના તમામ નેતાઓ મંડી પડે છે.મિથુન ચક્રવર્તી એ ભાષણમાં એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ બની રહ્યું છે અને ગેરકાયદે વસાહતીઓને કારણે રાજ્યની આખી ભૌગોલિક પરિસ્થિતિ બદલતી જાય છે કેમ કે, પશ્ચિમ બંગાળ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને આવેલા બાંગ્લાદેશીઓ માટેનું સ્વર્ગ બની ગયું છે. તેઓ આરામથી અહીં રહે છે અને એમને કોઈ કશું કહેતું નથી. રાજ્યમાં થઈ રહેલા આપઘાતના બનાવવા માટે પણ ટીએમસીના ભયના રાજકારણને જવાબદાર ઠરાવતા ભાજપ નેતાએ જણાવ્યું હતું કે, બંગાળમાં શાસક પક્ષ દ્વારા જે ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તેનાથી ડરીને લોકો આપઘાત કરી રહ્યા છે.
શું તમારા પોતાના ભાષણથી અને આવી વાતોથી તણાવ વધી નહીં જાય એવો સવાલ કરતા બચાવની સ્થિતિમાં આવી ગયેલા ચક્રવર્તીએ કહ્યું હતું કે, હું તો માત્ર સાચું બોલી રહ્યો છું કેમ કે, બિન-ભારતીય મુસ્લિમો તરફ ટીએમસીની સહાનુભૂતિ બંગાળને ખતમ કરી રહી છે.ટીએમસી દ્વારા મિથુન ચક્રવર્તીના આક્ષેપોનો ઉગ્ર રીતે જવાબ આપવામાં આવ્યો હતો અને પક્ષના પ્રવક્તા કૃણાલ ઘોષ જણાવે છે કે મિથુન ચક્રવર્તી જેવા ભાજપના નેતાઓ કોમી નફરતનું સર્જન કરવાના પ્રયાસો કરી રહ્યા છે પણ બંગાળની પ્રજા એકતામાં માને છે અને આવી વિભાજનકારી રાજનીતિને તાબે થવાની નથી. પશ્ચિમ બંગાળમાં પણ મિથુનના વિધાનોના ઉગ્ર પડઘા પડ્યા છે. સાજીદ ખાન નામના હાવડા સ્થિત દુકાનદારે કહ્યું હતું કે, જ્યારે મિથુનદા જેવી વ્યક્તિ આવું બોલે ત્યારે જરૂર દિલને ઠેસ પહોંચે છે. અમે વર્ષોથી એમને માન આપતા આવ્યા છીએ અને તેઓ આવી ભાષામાં વાત કરે છે. મુસ્લિમો ભારતમાં જન્મ્યા છે અને અમે વિદેશીઓ નથી.સોશિયલ મીડિયા પર પણ ઉગ્ર પ્રતિક્રિયાઓ આવી છે અને નફરતની વાતો બંધ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. મિથુન ચક્રવર્તીની એક વખત ધર્મનિરપેક્ષ અભિનેતા તરીકેની છબી હતી એ છબીને તેઓ છોડી રહ્યા હોવાનો ઘણા લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને એમના વર્તનથી દુઃખ વ્યક્ત કર્યું હતું.રાજકીય નિરીક્ષકો કહે છે કે ભારતમાં રાજકીય ભાષણબાજી હવે કોમવાદી રંગ વધુ ને વધુ ઉગ્ર રીતે પકડી રહી છે પરંતુ ઘણા બધા નેતાઓ ખૂબ જ ગૌરવ સાથે ગંગા અને જમુની સંસ્કૃતિ અને તહેઝીબનો બચાવ કરવાની પણ વાત કરતા હોય છે. ઘણા બધા નેતાઓ આવી વાત કરતા હોય છે પરંતુ બહુ ઓછા લોકો જાહેરમાં બંગાળની સાંસ્કૃતિક અને કોમી એકતાનું જતન અને બચાવ કરવાની જાહેરમાં હિંમત કરતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts