(એજન્સી) તા.૧૦
લોકસભામાં સંસદ સત્ર સ્થગિત થયા બાદ અનૌપચારિક ચાય પે ચર્ચા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન કર્યું. આ દરમિયાન બંને નેતાઓએ ગરમજોશીથી નમસ્તે કર્યું. જોકે ઘણા સમય બાદ બંને નેતા એક જ તસવીરમાં સાથે ક્લિક થતાં સોશિયલ મીડિયા પર કૂતુહલ સર્જાયું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહને યુક્રેનની પરિસ્થિતિ વિશે પૂછ્યું, જેના પર રક્ષા મંત્રીએ કહ્યું કે ભારત આ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
લોકસભા સદનની કાર્યવાહી શુક્રવારે અનિશ્ચિત મુદત માટે સ્થગિત કરી દેવામાં આવી છે. ગયા મહિને ૨૨જુલાઈથી શરૂ થયેલા આ સત્રની કાર્યવાહી ૧૨ઓગસ્ટ સુધી ચાલવાની હતી. પરંતુ, તેનું સમાપન શુક્રવારે જ કરી દેવામાં આવ્યું. આ દરમિયાન લોકસભા સ્પીકરે સત્ર દરમિયાન સદનની કાર્યવાહીના સુચારૂ સંચાલનમાં સહયોગ કરવા બદલ વડાપ્રધાન, સંસદીય કાર્ય મંત્રીઓ, વિપક્ષના નેતા, વિવિધ પક્ષોના નેતાઓ અને સાંસદો પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો.
આ દરમિયાન સંસદ સત્ર સ્થગિત થયા બાદ અનૌપચારિક ચા બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા. જેમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, પીયૂષ ગોયલ, સંસદીય કાર્યમંત્રી કિરેન રિજીજુ, લોજપા નેતા ચિરાગ પાસવાન, શિવસેના સાંસદ શ્રીકાંત શિંદે, સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય લોકો હાજર રહ્યા.
સત્ર દરમિયાન, કુલ ૧,૩૪૫ પેપર ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. આ સત્ર દરમિયાન, ૨૨જુલાઈના રોજ ઓલિમ્પિક ગેમ્સ માટે ભારતની તૈયારીઓ અંગે નિયમ ૧૯૩હેઠળ ટૂંકા ગાળાની ચર્ચા કરવામાં આવી હતી. ૩૧જુલાઇના રોજ, દેશના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન અને પૂરને કારણે જાનમાલના નુકસાનના મુદ્દા પર નિયમ ૧૯૭હેઠળ ધ્યાન દોરવાની દરખાસ્ત લેવામાં આવી હતી. સત્ર દરમિયાન ૬૫ખાનગી બિલ રજૂ કરવામાં આવ્યા હતા.
ખાનગી સભ્યોના ઠરાવો વિશે વાત કરતાં, દેશમાં હવાઈ ભાડાંના નિયમન માટે યોગ્ય પગલાં લેવાના વિષય પર ચર્ચાના પ્રસ્તાવને પણ સ્વીકારવામાં આવ્યો હતો. જો કે આ અંગેની ચર્ચા હજુ પૂર્ણ થઈ નથી. સત્ર દરમિયાન, લોકસભાએ ૨૩જુલાઈના રોજ યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના સ્પીકર અને ૈેંઁંના અધ્યક્ષ તુલિયા એક્સનનું સ્વાગત કર્યું. તે જ સમયે, ૧ઓગસ્ટના રોજ ગૃહે જાપાનના સંસદીય પ્રતિનિધિમંડળનું પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.