(એજન્સી) તા.રર
રશિયાના લડાકુ વિમાનોના પીઠબળ હેઠળ સીરિયાની સેના પૂર્વ ઘૌતા પર જોરદાર આક્રમણ કરી રહી છે અને તાજેતરના હુમલામાં બુધવારે સીરિયાની સેનાએ લગભગ ર૭ જેટલા લોકોના જીવ લઈ લીધા હતા. જોકે તેની સાથે જ નાગરિકોનો મૃતાંક ર૭૦ને વટાવી ગયો છે. જેમાં ૬૦ જેટલા બાળકો પણ સામેલ છે. આ હુમલા છેલ્લા ત્રણ દિવસમાં કરાયા છે અને મૃતાંક પણ છેલ્લા ત્રણ દિવસોનો જ છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ઓફ હ્યુમન રાઇટ્સ અને સીરિયન સિવિલ ડિફેન્સ જે વ્હાઇટ હેલમેટ તરીકે ઓળખાય છે તેમના જણાવ્યાનુસાર કફ્ર બતાના શહેર પર કરાયેલા હુમલામાં મોટાભાગે નાગરિકોએ જ જીવ ગુમાવ્યા છે. જોકે આ હુમલામાં ૩૦૦થી વધુ લોકો ઘવાઇ પણ ચૂક્યા છે. જોકે આ આંકડો ર૦૧૩માં કરાયેલા ગેસ અટેકમાં માર્યા ગયેલા ૧૦૦થી પણ વધારે છે. એક સ્થાનિકે જણાવ્યું કે આ સતત બોમ્બમારાને એમનેસ્ટી ઇન્ટરનેશનલ દ્વારા યુદ્ધ ગુનો ગણાવાયો છે અને આ દરમિયાન છ જેટલી હોસ્પિટલો તથા સ્વાસ્થ્ય કેન્દ્રોને નષ્ટ કરી નાખવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને સીરિયન સિવિલ ડિફેન્સના સભ્ય ખાલિદ અબુલવફા કહે છે કે અમને હવે એ જ યાદ રહેતું નથી કે બોમ્બ હવામાંથી આવશે કે પછી જમીન પરથી. તેમણે કહ્યું કે અમે જ્યારે પણ ઘટનાસ્થળે પહોંચીએ છીએ અને લોકોને બચાવવાનો પ્રયાસ કરીએ છીએ કે ત્યાં જ તાત્કાલિક ધોરણે બીજીવાર હવાઇ હુમલા કરી દેવામાં આવે છે અને અમારે પણ બીજા લોકોની જેમ પોતાનો જીવ બચાવવા નાસવું પડે છે. જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા સમયે હુમલા કરવામાં આવી રહ્યાં છે. અમે તમામ સ્થળોએ એકસાથે પહોંચી પણ શકતા નથી. ચાલુ અઠવાડિયાની શરુઆતમાં યુનાઇટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોએ નિરાશા અને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નાગરિકોના જીવ લેવાઇ જવા એ દુઃખદ ઘટના છે. યુએનએ આ મામલે તાત્કાલિક ધોરણે યુદ્ધ અટકાવવા અપીલ કરી હતી. એક સ્થાનિક મહિલા આમીન અબ્દુલરહેમાન જેણે પોતાના બે બાળકો પણ હાલના હુમલામાં જ ગુમાવી દીધા છે તે કહે છે કે હવાઇ હુમલા એટલા ઘાતક હતા કે તેણે આખી દીવાલ ચીરીને પણ મારા બે દીકરા અહેમદ અને આબીરના જીવ લઇ લીધા. આ બંનેની ઉંમર લગભગ ૧૦ વર્ષ પણ પૂરી નહોતી. મારી પાસે એવું કંઇ નહોતું કે હું તેમને બચાવી શકું.. મેં મારા ૧૦ વર્ષના બાળકને દફન કરી દીધો.