પેટાચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો જયજયકાર૧૩માંથી ૧૦ બેઠકો મળી, ભાજપને ૨, અપક્ષને ૧ બેઠક

કોંગ્રેસે ચાર, તૃણમૂલ કોંગ્રેસે બંગાળમાં ચારમાંથી ચાર અને પંજાબમાં આપે એકમાત્ર બેઠક જીતી, જ્યારે તમિલનાડુમાં ડીએમકેના
ધારાસભ્યનો વિજય થયો, બિહારમાં રૂપૌલી બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય, ભાજપને મધ્યપ્રદેશ અને હિમાચલમાં એક-એક બેઠક મળી

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
કેન્દ્રમાં વિપક્ષી ઇન્ડિયા જૂથે લોકસભા ચૂંટણીમાં તેમના મજબૂત પ્રદર્શનને ચાલુ રાખતાં સાત રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓમાં ૧૩માંથી ૧૦ બેઠકો જીતી હતી. ગયા મહિને કેન્દ્રમાં વિક્રમી ત્રીજી મુદત માટે વાપસી કરનાર ભાજપ માત્ર બે બેઠકો પર જીતવામાં સફળ રહ્યો હતો. પંજાબમાં આપના મોહિન્દર ભગતે ૨૩,૦૦૦ મતોથી વધુના માર્જિન સાથે જલંધર પશ્ચિમ મતવિસ્તારમાં નિર્ણાયક વિજય મેળવ્યો હતો. દરમિયાન પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ચૂંટણી લડેલી ચારેય બેઠકો કબજે કરીને પોતાનું વર્ચસ્વ દેખાડી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં મુખ્યપ્રધાન સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુરે દેહરા મતવિસ્તારમાં વિજય મેળવતાં નોંધપાત્ર પદાર્પણ કર્યું હતું. કોંગ્રેસે નાલાગઢ સીટ પર ભવ્ય જીત મેળવીને તેની સ્થિતિ વધુ મજબૂત કરી હતી જ્યારે ભાજપ હમીરપુરમાં જીત મેળવવામાં સફળ રહ્યો હતો. મુખ્ય પ્રધાન સુખુએ જીત પછી કહ્યું કે હિમાચલ પ્રદેશના લોકોએ ‘‘સરકારને તોડવાના કાવતરાં’’ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. સુખુએ કહ્યું કે, ‘‘હિમાચલના લોકોએ અમને ૨૦૨૨માં ૪૦ બેઠકો આપી. ભૂતકાળમાં રાજ્યની રાજનીતિમાં જે પ્રકારની સોદાબાજી થઇ હતી તેનો લોકોએ યોગ્ય જવાબ આપ્યો છે.’’ તેમણે ઉમેર્યું કે, ‘‘આનાથી એવો સંદેશ પણ મળ્યો કે રાજ્યના લોકો જાગૃત અને સજાગ છે અને આવી સોદાબાજી નહીં ચાલે. ત્રણ અપક્ષ ધારાસભ્યો પાસે રાજીનામું આપવાનું કોઈ કારણ ન હતું. તેઓ ફક્ત ભાજપ સાથે જોડાણ કરી શક્યા હોત.’’ તમિલનાડુમાં ડીએમકેના અનીયુર સિવાએ લગભગ ૬૦,૦૦૦ મતોના નોંધપાત્ર માર્જિનથી વિકરાવંડી વિધાનસભા બેઠક જીતી હતી. ઉત્તરાખંડમાં કોંગ્રેસે બંને બેઠકો જીતી હતી જ્યારે મધ્યપ્રદેશની અમરવાર બેઠક પર ભાજપના કમલેશ પ્રતાપ શાહી જીત્યા હતા. અપક્ષ ઉમેદવાર શંકર સિંહે બિહારના પૂર્ણિયામાં રૂપૌલી વિધાનસભા પેટાચૂંટણીમાં જીત મેળવી હતી અને જેડીયુના કલાધર પ્રસાદ મંડલને ૮,૨૪૬ મતોના માર્જિનથી હરાવ્યા હતા. આ પેટાચૂંટણીઓ ૨૦૨૪ લોકસભા ચૂંટણી પછીની પ્રથમ હતી જે લોકસભા ચૂંટણીમાં ભાજપે ૨૪૦ બેઠકો જીતી હતી અને બહુમતીથી ૩૨ ઓછી હતી. એનડીએ જોકે કુલ ૨૯૩ બેઠકો સાથે ૨૭૨ના બહુમતીના આંકડાને પાર કરવામાં સફળ રહી. કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા જૂથને પણ નોંધપાત્ર ૨૩૨ બેઠકો મળી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts