(એજન્સી) વફા ન્યુઝ, તા.૧૦
પ્રથમ વખત પેલેસ્ટીની નાગરિકે પેલેસ્ટીની કોર્ટમાં ઈઝરાયેલી વસાહતી સામે કેસ દાખલ કર્યો છે. આ વસાહતીએ એમના ઘરને તોડી પાડ્યું હતું જ્યારે એમાં બાંધકામ થઇ રહ્યું હતું. વફા ન્યુઝ એજન્સીએ સમાચારો આપ્યા હતા.
પેલેસ્ટીની નિવાસી વેસ્ટ બેંકના ઉત્તરીય વિસ્તારના બુરીન ગામમાં રહે છે. એમણે કોર્ટમાં કેસ દાખલ કરી માલ સામાન અને એમને થયેલ માનસિક ત્રાસ માટે પણ નુકસાનના વળતરની માંગણી કરી છે. કાયદા મંત્રી મોહમ્મદ અલ-શાલાલદેહે નોંધ્યું છે કે આ પહેલો કેસ છે જે દેશની કોર્ટમાં ઈઝરાયેલી વસાહતી સામે દાખલ કરાયો છે. એમણે કહ્યું કે કેસ દાખલ કરવાની પ્રક્રિયા આંતરરાષ્ટ્રીય માપદંડો અને કાયદાઓ મુજબ છે. ખાસ કરીને હોગ સમજૂતીના આધારે છે. પેલેસ્ટીની કાયદા મુજબ કોઈ પણ નાગરિક જેમના અધિકારોનો ભંગ થયો હોય એમને સ્થાનિક કોર્ટમાં કેસ દાખલ કરવાનો અધિકાર છે. જોકે ૧૯૯૪થી જ્યારથી પી.એ.ની સ્થાપના થઇ છે ત્યારથી એમની કોર્ટો ઈઝરાયેલી નાગરિકો સામેના કેસો અંગે ધ્યાન રાખે છે પણ આજ સુધી ઇઝરાયેલના એક પણ નાગરિકે આક્ષેપો બદલ પેલેસ્ટીની કોર્ટનો સામનો કર્યો નથી. ન્યાયમંત્રીએ નાગરિકોને જણાવ્યું છે કે જો તેમના અધિકારોનો ભંગ થાય તો તેઓ રાષ્ટ્રીય, ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય કોર્ટોમાં રજૂઆતો કરે. સરકારે એ પણ નિર્ણય લીધો છે કે આ મુદ્દો ફક્ત વસાહતીઓના હુમલા સુધી મર્યાદિત નથી, પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરતી ગેરકાયદેર વસાહતોમાં કામ કરતી વિદેશી કંપનીઓ માટે પણ લાગુ પડે છે.