
(એજન્સી) તા.૨૫
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગુરુવારે ૨૫,૦૦૦થી વધુ શાળાની નોકરીઓ રદ કરવાના ચુકાદાને “સંપૂર્ણ અન્યાય” ગણાવ્યો હતો અને આરોપ મૂક્યો હતો કે તે નોકરી ગુમાવનારા શિક્ષકોને મતદાન ફરજ માટે તૈનાત થવાથી રોકવાના ભાજપના પ્રયાસનો એક ભાગ છે.
પશ્ચિમ મેદિનીપુર જિલ્લાના મેદિનીપુર લોકસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે આટલા શિક્ષકોને કાઢી મૂક્યા પછી શાળાઓ કેવી રીતે કાર્યરત રહેશે. કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓમાં રાજ્ય-સ્તરીય પસંદગી કસોટી-૨૦૧૬ (SLTS)ની ભરતી પ્રક્રિયાને બિનઅસરકારક જાહેર કરી હતી અને તેના દ્વારા કરવામાં આવેલી તમામ ભરતીઓ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
મમતા બેનરજીએ કહ્યું, ’કોઈની ભૂલ થઈ હોય તો તેને સુધારી શકાય છે, પરંતુ ૨૫,૦૦૦ નોકરીઓ છીનવી લેવી સંપૂર્ણપણે અન્યાય છે. જો આટલા શિક્ષકો નોકરી પર ન હોય તો શાળાઓમાં કેવી રીતે કામ થશે ?
મમતા બેનર્જીએ કહ્યું, આ ભાજપનું ષડયંત્ર છે. હું ન્યાયતંત્રનું સન્માન કરું છું, પરંતુ બેનરજીએ કહ્યું કે, આટલી બધી નોકરીઓ છીનવી લેવામાં આવી છે જેથી કરીને આ લોકો ચૂંટણી દરમિયાન ફરજ પર તૈનાત ન થઈ શકે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને તહેનાત કરવામાં આવી શકે જે ભગવા જૂથના ઈશારે કામ કરી શકે.