(એજન્સી) બરેલી શરીફ, તા.પ
બરેલી શરીફમાં “આઇ લવ યુ મોહમ્મદ”બેનર સાથેના આંદોલન દરમિયાન સર્જાયેલી હિંસામાં સંડોવાયેલા મનાતા આરોપી પૈકીના એકની માલિકીનો લગ્ન સમારંભો માટેનો હોલ સત્તાવાળાઓ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. ભારે કડક સુરક્ષા વચ્ચે શનિવારે બરેલી ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ હોલ ઉપર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે મેરેજ હોલ નીતિ નિયમોનો ભંગ કરીને બાંધવામાં આવ્યો હતો.બરેલી શરીફમાં હિંસાના આરોપસર તેમની ધરપકડ કરવામાં આવી છે એવા પ્રખ્યાત આલીમ મૌલાના તોકીર રઝાખાનના નજદીકના સાથીદાર મનાતા ડોક્ટર નફીસ ખાનની માલિકીનો મેરેજ હોલ “રજા પેલેસ” તોડી પાડવામાં આવ્યો છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ડોક્ટર નફીસ ઉપર પણ હિંસામાં સામેલગીરીનો આરોપ મૂકીને એમની ધરપકડ કરીને અત્યારે જેલહવાલે કરવામાં આવ્યા છે.શનિવારે બપોરે ત્રણ બુલડોઝર સ્થળ પર પહોંચી ગયા હતા અને મેરેજ હોલ તોડવાનું શરૂ કર્યું હતું અને લગભગ ત્રણ કલાક ચાલેલી કામગીરી પછી મેરેજ હોલનો ગેરકાયદે ગણાવવામાં આવેલો તમામ ભાગ તોડી પાડવામાં આવ્યો હતો અને એ પછી આખી ઈમારતને સીલ કરી દેવામાં આવી હતી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અવિનાશ સિંગની આગેવાની નીચે અને સુપરવિઝન હેઠળ બુલડોઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે જંગી સંખ્યામાં પોલીસ પણ ગોઠવવામાં આવી હતી અને બરેલી શરીફના એસપી મનુષ પારીખ પણ હાજર રહ્યા હતા અને પીએસીના જવાનોને પણ ગોઠવવામાં આવ્યા હતા અને આખો વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો હતો. સત્તાવાર રીતે એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે બાંધકામના નીતિ નિયમોને અવગણીને હોલનું બાંધકામ કરવામાં આવ્યું હતું એટલે કાનૂની પ્રક્રિયા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી અને કોઈ વ્યક્તિને નિશાન બનાવવામાં આવી નથી.