બલ્લભગઢ : ગામમાં પરત ફરેલા મુસ્લિમોની વ્યથા : અમારું તો બધું જ ખત્મ થઈ ગયું

બલ્લભગઢના અટાલી ગામમાં તોફાન પીડિત મુસ્લિમો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઘરે પરત ફર્યા : પણ કશુંય બચ્યું નથી !!!

એજન્સી) ફરીદાબાદ,તા.૪
ફરીદાબાદના અટાલી ગામના મુસ્લિમ સમુદાયની ઘર વાપસી શરૂ થઈ ગઈ છે. ઘણા દિવસોથી આ લોકો હિંસા બાદ પોતાના ઘર છોડીને બલ્લભગઢ પોલીસ સ્ટેશનમાં શરણ લઈ રહ્યા હતા. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે ભયના ઓથાર હેઠળ જીવી રહેલા લોકોને ગામમાં પરત લવાઈ રહ્યા છે. પોલીસે લોકોને આશ્વાસન આપ્યું છે કે તેમને ગામમાં પૂરી સુરક્ષા આપવામાં આવશે. પોલીસે ગામની સુરક્ષા વધારી દીધી છે. આ દરમ્યાન ઘરે પરત ફરેલા લોકો પોતાના મકાનો જોઈ અવાક રહી ગયા હતા. અભેદ શાંતિ વચ્ચે પરત ફરેલા મુસ્લિમોના ઘરોને લૂંટી લેવાયા છે એટલે સુધી કે તેમના અનાજ અને કપડાને પણ લૂંટી લેવાયા હતા. મહત્ત્વની વાત એ છે કે આટલી હિંસા અને લૂંટફાટ છતાં આ ઘટનામાં એકની પણ ધરપકડ કરાઈ નથી.
બલ્લભગઢના મુસ્લિમો ગામના વહીવટીતંત્ર, પોલીસ અધિકારીઓ અને ગામના અગ્રણીઓની સાથે બેઠક બાદ ગામમાં પરત ફરવા સંમત થયા હતા. પ્રથમ ટુકડી ગામમાં આવતા તેમણે તેમના મકાનો ધ્વસ્ત થઈ ગયા છે. તમામ ઘરવખરી, ફર્નિચર અને કપડા સુદ્ધા લૂંટાઈ ગયા છે. રપમી મેના રોજ તોફાનોમાં ઘાયલ વ્યક્તિની પત્ની નુરે કહ્યું કે ઘણા લોકો પોતાના હાથમાં થોડો સામાન લઈને તોફાનોના દિવસે ભાગ્યા હતા. પરત ફરતી વેળા કેટલાક લોકોના હાથમાં કેળા, પાણી અને અન્ય જરૂરી વસ્તુઓ હતી. જાટ સમુદાયના હુમલામાં જે લોકોના મકાનો નષ્ટ થઈ ગયા હતા અને જે લોકો ઘવાયા હતા તેવા લોકો ગામમાં પરત ફર્યા હતા. બુધવાર સાંજે પીડિતોના પરિવારોને લઈ પ્રથમ બસ આવી હતી. સમગ્ર મુસ્લિમ વિસ્તારને પોલીસ દ્વારા ઘેરી લેવાયું છે. લોકો સુરક્ષા દળોના કવચમાં પોતાના ઘરની વેરવિખેર હાલત જોઈને અચંબામાં પડી ગયા હતા. કોઈપણ જાટ લોકો ગામની બહાર નીકળ્યા ન હતા. ગામના એક વ્યક્તિ શેરસિંહે જણાવ્યું હતું કે અમારી વચ્ચે મસ્જિદ નિર્માણ સિવાય કોઈ વિવાદ નથી અને જો ફરી મસ્જિદ બાંધવાની વાત થાય તો જ તંગદિલી ઊભી થઈ શકે છે. મસ્જિદને થયેલા નુકસાનને જોવા છ સભ્યો મસ્જિદમાં દાખલ થયા હતા. આમાંથી એક રમઝાનઅલીએ કહ્યું છે કે રમઝાન દરમ્યાન મસ્જિદને થયેલા નુકસાનના કામને પૂર્ણ કરાશે. વહીવટીતંત્રે સળગાવીને માર્ગ પર પડેલા વાહનોને બાજુમાં ખસેડી માર્ગ ખુલ્લો કર્યો હતો. આ દરમ્યાન લોકોના વીજ વાયર કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકોએ એવી પણ ફરિયાદ કરી હતી કે તેમની પાસે અનાજ પણ નથી જે હતું બધું જ લુંટાઈ ગયું છે. જિલ્લા કલેકટરે વીજ સુવિધા ફરી શરૂ કરવા વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. ભોજન અને વીજ પુરવઠા અંગે પણ પૂરતું આશ્વાસન આપ્યું છે. આરોપીઓને પકડવા અંગે પણ તેમણે બાંહેધરી આપી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts