
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
વર્તમાન યુગમાં બહુલગ્ન કે બહુવિવાહ પ્રથા ખૂબ જ ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. જુદા જુદા સમાજોમાં આને ફકત માનવાધિકારોનું ઉલ્લંઘન જ નહીં પરંતુ મહિલા અધિકારોનું હનન પણ બતાવવામાં આવ્યું છે. સાથોસાથ આ વિષય, જેની ઉપર માનવ સમાજમાં જુદા જુદા જૂથો તથા મીડિયા દ્વારા ઈસ્લામને ઘેરવા અને નિશાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, આમાં બહુવિવાહ પ્રથા પણ એક છે. પરંતુ જો વાસ્તવિક સ્વરૂપે આ વિષયને સમજવું તથા આ સંબંધમાં વર્ણવવામાં આવેલ ઈસ્લામી શિક્ષાઓનું નિષ્પક્ષ અવલોકન કરવામાં આવે તો આ વાત સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જાય છે કે ઈસ્લામી શિક્ષાઓમાં કોઈપણ વાત એવી નથી જેના કારણે માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય અથવા કોઈના અધિકારોનું હનન થઈ રહ્યું હોય. સાથોસાથ આ પણ જાણવા મળે છે કે આ તમામ શિક્ષાઓ માનવ સામજના હિતની વાત કરે છે. વર્તમાન યુગમાં બહુલગ્ન પ્રથા સંબંધી બે પ્રકારની વિચારધારાઓ માનવ સમાજમાં પ્રચલિત છે. એક જૂથ આને યોગ્ય માને છે. એટલું જ નહીં પરંતુ એવું કહે છે કે આ અલ્લાહનો આદેશ છે જેને મનુષ્યએ ક્રિયાત્મક રૂપ આપવું આવશ્યક છે. આ જ રીતે બીજું જૂથ ફકત આને અયોગ્ય માને છે. એટલું જ નહીં પરંતુ તેઓ આના ઘોર વિરોધી છે અને તેઓ આને માનવાધિકારોનું ઉલ્લંઘન તેમજ મહિલા અધિકારોનું હનન માને છે.
જો આ બંને વિચારધારાઓને નજર સમક્ષ રાખીને ઈસ્લામી શિક્ષાઓનું નિષ્પક્ષ અને યોગ્ય અવલોકન કરવામાં આવે જે કુર્આનમાં વર્ણન થયું છે તે તેનાથી આ જાણવા મળે છે કે આ શિક્ષાઓ જુદી જુદી જોગવાઈઓના સ્વરૂપે અલ્લાહનો સંદેશ છે નહીં કે પૂર્ણ અને સ્પષ્ટ આદેશ કે પ્રત્યેક વ્યક્તિ માટે એક કરતાં વધારે લગ્ન આવશ્યક છે. આ ઈસ્લામી શિક્ષાઓને જો પ્રાકૃતિક પરિપ્રેક્ષ્ય અને આકાંક્ષાઓને અનુરૂપ સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો માલૂમ પડે છે કે માનવ ઈતિહાસમાં કયારેય પણ લિંગીય સરાસરી કે ટકાવારીમાં વધારે અંતર રહ્યું નથી પરંતુ જો કોઈક કારણે પુરૂષ અને સ્ત્રીની સરેરાશ ટકાવારીમાં વધારે ભિન્નતા કે અંતર હોય તો તે સમયે આ ઈસ્લામી શિક્ષાઓની પ્રાસંગિકતા સ્પષ્ટ થઈ જાય છે. વિયેતનામમાં યુદ્ધ પછી જ્યારે લિંગીય ટકાવારીમાં વધારે અંતર કે તફાવત થઈ ગયો તો ત્યાંની સરકાર આ વાત માટે વિવશ થઈ ગઈ કે તે આવી મહિલાઓની આર્થિક અને પ્રાકૃતિક આવશ્યકતાઓની વ્યવસ્થા કરે, જેના માટે નાગરિકોને આ વાત માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા કે તેઓ કરવેરામાં ખાસ પ્રકારની છૂટછાટ મેળવવાને બદલે એક મહિલાની દેખરેખ રાખે. આવી પરિસ્થિતિમાં ઈસ્લામે ફકત દેખરેખ રાખવાની વાત કરી નથી પરંતુ પોતાની બહુલગ્ન પ્રથા દ્વારા એક મહિલાને એ તમામ અધિકાર આપે છે જે ઉચિત છે કે યોગ્ય છે જેથી કરીને તે મહિલાને માનવ સમાજમાં ફકત તેનું વાસ્તવિક સ્થાન પ્રાપ્ત થાય એટલું જ નહીં પરંતુ તેને પારિવારિક નામ પણ મળે. આ જ રીતે જો પત્ની કોઈ સંક્રમક રોગથી ગ્રસ્ત થાય તો ઈસ્લામ પતિના માટે બીજા લગ્ન કરવાની જોગવાઈ કરે છે અને પ્રથમ પત્નીને અલગ કરવાની પરવાનગી આપતો નથી પરંતુ તેના ભરણ-પોષણનું દાયિત્વ પણ પતિ ઉપર મૂકે છે. પરંતુ જો પતિને આ પ્રકારનો રોગ થઈ જાય તો પત્નીને પણ તેનાથી અલગ થવાની અનુમતિ આપવામાં આવી છે. આ રીતે આ પણ સ્પષ્ટ રહેવું જોઈએ કે ઈસ્લામે પોતાની શિક્ષાઓ દ્વારા લગ્ન અને પત્નીની સંખ્યાની સીમાનું પણ નિર્ધારણ કર્યું છે. જ્યારે આની પૂર્વેના માનવ સમાજમાં આ પ્રકારના કોઈ નિયમ ન હતા.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)