બીફ બાબતે બેફામ નિવેદનો કરતા પક્ષના નેતાઓથી મોદી નારાજ ?

સતત બકવાસ કરી રહેલા પાંચ નેતાઓને અમિત શાહે દિલ્હી બોલાવી તતડાવ્યાના અહેવાલ

ન્યુઝ પોઈન્ટ
જો ખરેખર ‘અપસેટ’ થયા હોત તો વડાપ્રધાને ઘટનાના છેક ૧ર દિવસ બાદ દાદરી હત્યા અંગે નિવેદન ન કર્યું હોત ! આ તો અમેરિકા, યુકે જેવા અન્ય દેશોની બીક તેમજ આઝમખાને યુનોમાં દાદરી હત્યાની રજૂઆતની વાત કરી અને વિદેશમાં ભારતની ‘ઈમેજ’ બગડતી બચાવવા ઘટનાના ૧પ દિવસ બાદ પ્રેમથી સમજાવવા મીટિંગ ગોઠવી દીધી !!!

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ગૌહત્યા, દાદરી કાંડ અને બીફ મુદ્દે બીજેપી નેતાઓના વિવાદિત નિવેદનો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે છે. કેટલાક મીડિયા રિપોટર્સમાં આ દાવો કરવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, આ મુદ્દે રવિવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, સાંસદ સાક્ષી મહારાજ, મેરઠના સરઘનાના વિધેયકએ સંગીત સોમ, કેન્દ્રીય મંત્રી સંજીવ બાલિયાન અને મહેશ શર્માને બીજેપી હેડકવાર્ટરે બોલાવ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં શાહે તેમને મોદીની નારાજગીથી વાકેફ કરી હવેથી આ પ્રકારની નિવેદનબાજીથી બચવાની ચેતવણી આપી હતી. જો કે, મીટિંગ બાદ સંગીત સોમે જણાવ્યું કે, તેઓ પાર્ટી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અમિત શાહને મળ્યા. વાતચીતના મુદ્દા વિશે તેમણે કોઈ જાણકારી આપી નહીં. સૂત્રો અનુસાર શાહે નેતાઓને જણાવ્યું કે, નેતાઓની આ પ્રકારની નિવેદનબાજીથી મોદી સરકારનો વિકાસનો એજન્ડા પાછળ રહી જશે. શાહે એમ આ પણ જણાવ્યું કે, દાદરીની ઘટના યુપીમાં કાયદા-વ્યવસ્થાની નિષ્ફળતા વ્યક્ત કરે છે અને તેને બીજેપી સાથે કોઈ લેવા-દેવા નથી. શાહ અનુસાર બીજેપી નેતાઓના આ નિવેદનોના કારણે લોકો અને મીડિયાનું ધ્યાન સપા સરકારથી હટીને બીજેપી પર આવી ગયું. ખટ્ટરે અંગ્રેજી વર્તમાન પત્રને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ગાય, ગીતા અને સરસ્વતી દેશના બહુસંખ્યક સમુદાય માટે ધાર્મિક વિશ્વાસનું પ્રતીક છે. ભારતમાં મુસ્લિમો રહી શકે છે પરંતુ તેમણે બીફ છોડવું જ પડશે. જો કે પછીથી મુખ્યમંત્રી પોતાના આ નિવેદનથી ફરી ગયા હતા. બીજી તરફ સાક્ષી મહારાજે પણ જણાવ્યું હતું કે, અમારી માતાનું કોઈ અપમાન કરશે તો અમે મરી જઈશું. સહન કરીશું નહીં. અમે મરી જઈશું અથવા મારી નાખીશું. આપણી ભારત માતા તરફ કોઈ આંગળી ઉઠાવે છે તો આપણે લોકો શહીદ થઈએ છીએ. સામે વાળાને મારીએ પણ છીએ તેવી જ રીતે ગૌમાતા પણ છે. ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે. તેની હત્યા કરનારને ફાંસી આપવી જોઈએ. ભાજપ સાંસદ મહંત આદિત્યનાથે બીફ વિવાદ પર જણાવ્યું હતું કે, જો કોઈ ગૌમાંસ ખાવાની તરફેણ કરે છે તો હું તેને માનસિક બીમાર ગણું છું. તેની સારવાર થવી જોઈએ. યુપી સરકારે દાદરીની ઘટનાનું રાજનીતિકરણ કર્યું છે. તે ઉપરાંત વિવાદોમાં રહેનારા ભાજપ ધારાસભ્ય સંગીત સોમે પણ બીફ મુદ્દે નિવેદન આપ્યું. તેમણે દાદરી ઘટના પર પાછલા દિવસો દરમ્યાન જણાવ્યું કે, યુપીમાં અમે કહેતા આવી રહ્યા છીએ કે, ગૌહત્યા રોકો. પરંતુ સરકાર અહીં કંઈ કરી રહી નથી. યુપી સરકાર ગાયની હત્યા કરનારને વિમાનમાં બેસાડી લખનૌ લઈ જાય છે અને પ૦ લાખ રૂપિયા પણ આપે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts