મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલ મહિલા ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે : મનુ ભાકરે ફાઇનલમાં કુલ ૨૨૧.૭ પોઇન્ટ મેળવ્યા હતા
પેરિસ, તા.૨૮
ફક્ત ૨૨ વર્ષની શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો. તે શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી દેશની પ્રથમ મહિલા એથ્લિટ બની ચૂકી છે. ૨૨૧.૭ પોઇન્ટની સાથે તે સિલ્વર મેડલ ખૂબ જ નજીકના અંતરથી ચૂકી ગઈ. ગોલ્ડ અને સિલ્વર મેડલ કોરિયન શૂટર્સને મળ્યો. આ મનુની બીજી ઓલિમ્પિક છે. ટોક્યો ઓલિમ્પિકમાં મનુ ભાકર મેડલની સૌથી મોટી આશા હતી પણ ઇવેન્ટ દરમ્યાન પિસ્ટલ ખરાબ થઈ જવાના કારણે તેની સફર ક્વોલિફિકેશનથી આગળ વધી શકી નહીં. ટોક્યોમાં લગભગ પૂરી ભારતીય શૂટિંગ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પણ ટીકાનો સૌથી વધારે શિકાર ત્યારે ફક્ત ૧૯ વર્ષની મનુ બની હતી. ટોક્યો ઓલિમ્પિકની નિરાશા બાદથી મનુએ માનસિક મજબૂતીથી કામ કર્યું. લાઇમલાઇટથી દૂર રહી અને રમત પર પૂરૂં ફોકસ કર્યું. પરિણામ એ આવ્યું કે તે ના ફક્ત ૨૦ વર્ષમાં ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની પણ મેડલ પણ જીત્યો. તેના પહેલાં આ કમાલ ૨૦૦૪ એથેન્સ ઓલિમ્પિકમાં સુમા શિરૂરે કર્યો હતો. જો કે, તે મેડલ જીતી શકી ન હતી. મનુની આ સફળતામાં તેની માતાનો મોટો હાથ છે. જેમણે પોતાની પુત્રીને પ્રેક્ટિસ કરાવવા માટે પોતાની સ્કૂલ પ્રિન્સિપાલની નોકરી છોડી દીધી હતી.