ઊંઘ વિશે આપણે ત્યાં અનેક કહેવતો અને વાયકાઓ છે. ‘‘ભૂખ ન જુએ ટાઢો ભાત-ઊંઘ ન જુએ તૂટી ખાટ’’થી માંડીને અનેક વાતો નિંદર સાથે સંકળાયેલી છે અને હોય પણ કેમ નહીં કારણ કે આપણે આપણી જિંદગીનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ માત્ર ઊંઘવામાં જ કાઢીએ છીએ. એ વાત અલગ છે કે આ ઊંઘના પ્રકાર અલગ-અલગ હોય છે. કોઈને તૂટેલા ફૂટેલા ખાટલા પર પણ ઊંઘ આવી જાય છે તો કોઈને સવામણ રૂની તળાઈમાં ય ઊંઘ નથી આવતી. કોઈ બેઠા બેઠા કે ઊભા ઊભાય ઊંઘ ખેંચી લે છે તો કોઈ વાતાનુકૂલિત કમરામાં ઘેનની ગોળીઓ ખાધા બાદ પણ ચેનથી ઊંઘી શકતા નથી. અત્રે ઊંઘના વિવિધ પ્રકાર વ્યકત કરતી તસવીર પ્રસિદ્ધ કરી રહ્યા છીએ.
પ્રસ્તુત તસવીર હોળીના તહેવાર વખતે ઉત્તર ભારતમા યુ.પી.ના અલ્હાબાદ ખાતેથી ઝડપવામાં આવી હતી. જ્યાં હોળીનું ભારે મહત્ત્વ છે એવા આ પ્રદેશમાં દિવસભર હોળીનું હુડદંગ ખેલીને ચકનાચુર થઈ ગયેલો એક ખેલૈયો એક બંધ દુકાનના આગળ આ રીતે ઘસઘસાટ સૂઈ ગયો હતો. ન કોઈ પલંગ ન કોઈ પથારી બસ આ રીતે ફક્કડ ગિરધારી બનીને સૂતેલા આ ભૈયાનું માથું એક થડા પર અને પગ બીજા ટેબલ પર અધ્ધર…..જ્યારે તેના માથા પાસે એક કૂતરું પણ ઘસઘસાટ ઊંઘી ગયું હતું. આ ઊંઘને કેવી ઊંઘ કહીશું ??