ઊંઘ વિશે આપણે ત્યાં અનેક કહેવતો અને વાયકાઓ છે. ‘‘ભૂખ ન જુએ ટાઢો ભાત-ઊંઘ ન જુએ તૂટી ખાટ’’થી માંડીને અનેક વાતો નિંદર સાથે સંકળાયેલી છે અને હોય પણ કેમ નહીં કારણ કે આપણે આપણી જિંદગીનો ઓછામાં ઓછો ત્રીજો ભાગ માત્ર ઊંઘવામાં જ કાઢીએ છીએ. એ વાત અલગ છે કે આ ઊંઘના પ્રકાર અલગ-અલગ હોય છે. કોઈને તૂટેલા ફૂટેલા ખાટલા પર પણ ઊંઘ આવી જાય છે તો કોઈને સવામણ રૂની તળાઈમાં ય ઊંઘ નથી આવતી. કોઈ બેઠા બેઠા કે ઊભા ઊભાય ઊંઘ ખેંચી લે છે તો કોઈ વાતાનુકૂલિત કમરામાં ઘેનની ગોળીઓ ખાધા બાદ પણ ચેનથી ઊંઘી શકતા નથી. અત્રે ઊંઘના વિવિધ પ્રકાર વ્યકત કરતી તસવીર પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. અહીં આપવામાં આવેલી તસવીર એ એક ઊંઘતા બાળકની છે પણ આ નિંદર સુખની નહીં પણ દુઃખની છે. આમ તો તસવીર જોઈને જ ખ્યાલ આવી જાય કે અનેક અભાવો વચ્ચે જીવતું આ બાળક હારી થાકીને ઊંઘી ગયું છે…! પણ ખરેખર હકીકત એવી છે કે પાકિસ્તાનના રાવલપિંડી શહેરની નજીક એક ઈંટના ભઠ્ઠામાં કામ કરતી નજમા નામની શ્રમજીવી મહિલાનો ૬ વર્ષનો પુત્ર આદિલ શાહિદ તાવથી કણસી રહ્યો હતો પરંતુ મજબૂર નજમા પાસે એટલોય સમય ન હતો કે પોતાના બીમાર પુત્રને ખોળામાં રાખીને સૂવડાવે…..નજમા જેવી લાખો ગરીબ માતાઓની આ લાચારી છે કે તેઓ પોતાના ઘર પરિવાર પર પૂરતું ધ્યાન આપી શકતી નથી કારણ કે પેટનો ખાડો પૂરવા માટે આવી મહિલાઓને કાળી મજૂરી કરવી પડે છે. કાળજા પર પથ્થર મૂકીને નજમા કાળી મજૂરી કરી રહી હતી જ્યારે તેનો ધગધગતા તાવમાં પીડાતો માસુમ પુત્ર આ રીતે ખુલ્લા આકાશ નીચે સૂઈ ગયો હતો….!!!!!