Sports

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એડિલેડમાં બીજી ટેસ્ટટીમ ઇન્ડિયા પિંક બોલ ટેસ્ટ જીતવા ઊતરશે

ભારતીય ટીમમાં બે ફેરફાર જોવા મળશે, કપ્તાન રોહિત શર્મા અને શુભમન ગિલનું પુનરાગમન થશે

એડિલેડ, તા.૫
એડિલેડમાં રમાનારી પિંક બોલ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં એક ફેરફાર જોવા મળશે. જ્યારે ભારતીય ટીમમાં આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે બે ફેરફાર જોવા મળશે. બંને તે ખેલાડીઓને બહાર કરવામાં આવશે, જેમણે પર્થ ટેસ્ટ મેચમાં સારૂં પ્રદર્શન કર્યું નથી. આ ઉપરાંત પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ આ વાતની સ્પષ્ટતા કરી દીધી કે તે ઓપનિંગ કરશે નહીં. ગુરૂવારે નેટ સેશન પહેલા કપ્તાન રોહિત શર્મા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો, તેણે શરૂઆતમાં જ આ વાતનો ખુલાસો કરી દીધો કે એડિલેડમાં યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કોણ કરશે ? તેણે કહ્યું કે, કે.એલ. રાહુલ ઓપનિંગ કરશે અને તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે. આનાથી બે વસ્તુઓ સ્પષ્ટ થાય છે કે, ભારતીય ટીમમાં બે ફેરફાર જોવા મળશે કપ્તાન રોહિત શર્મા ઉપરાંત શુભમન ગિલનું પણ પ્લેઇંગ ઇલેવનમાં પુનરાગમન થશે. શુભમન ગિલ દેવદત્ત પડિક્કલની જગ્યાએ જ્યારે રોહિત ધ્રુવ જુરેલના સ્થાને રમશે. જો કે, સત્તાવાર રીતે રોહિત શર્માએ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી નથી પણ જે પરિસ્થિતિ અને જે રીતની વાતો રોહિત શર્માએ પીસીમાં કહી તેનાથી એવું જ લાગે છે કે, ફક્ત આ બે ફેરફાર એડિલેડમાં જોવા મળશે. બોલિંગમાં કોઈ ફેરફારની સંભાવના નથી. ટીમમાં એકમાત્ર સ્પિનર હશે, વોશિંગ્ટન સુંદર, અશ્વિન અને રવિન્દ્ર જાડેજામાંથી એકની રમવાની સંભાવના છે. જ્યારે પેસ એટેકમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર નીતિશકુમાર રેડ્ડી હશે. પર્થ ટેસ્ટ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો જુસ્સો વધ્યો છે અને તે એડિલેડમાં ટેસ્ટ જીતી સિરીઝમાં ૨-૦ની લીડ મેળવવા મેદાનમાં ઊતરશે.