(એજન્સી) તા.૨૦
અમેરિકામાં અશ્વેત આફ્રિકનની હત્યા વખતે સમગ્ર દેશ ભડકે બળ્યો હતો છતાં પોલીસ અને સરકારે સંયમથી કામ લીધું હતું. લોકોની આડેધડ ધરપકડ કરવામાં આવી ન હતી કે સરકાર વિરૂદ્ધ લોકોના માનસને ભડકાવવાનો આરોપ મૂંકવામાં આવ્યો ન હતો. દરેક જગ્યાએ આતંકી કે કાવતરાખોર જોવા મળ્યાં ન હતાં અને પોલીસે દેખાવકારો પર ગોળીબાર કર્યો ન હતો. ભારતમાં તેનાથી તદ્દન વિરોધાભાસી ચીત્ર જોવા મળે છે. ભારતમાં વિરોધ દેખાવોને ગુનાહિત અને રાષ્ટ્રવિરોધી કૃત્યો ગણાવવામાં આવે છે. સરકારની ટીકા કરવાના અપરાધ બદલ લોકોની ધરપપકડ કરતાં પહેલા પોલીસ બે વખત વિચારતી નથી. વર્તમાન કાયદાઓને વધુ વેધક બનાવવામાં આવ્યાં છે.વધુ આપખુદી સત્તા આપવામાં આવી છે. સીસી ટીવી તો હવે ભૂતકાળની વાત થઇ ગઇ. સ્પેશિયલ રીકોગ્નિશન, એપ્લિકેશન, સોશિયલ રજીસ્ટ્રી, નાગરિકોના ડેટા વગેરેથી પોલીસને સુસજ્જ કરવામાં આવી છે. રાજ્ય અત્યંત વહેમી અને ઉન્માદી દેખાય છે કારણ કે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા હોવાનો દાવો કરે છે. નાગરિકોએ કાયદાની ઝપટે ચડવા હિંસા આચરવાની જરૂર નથી. નાગરિકો વિદ્રોહીઓ કે ક્રાંતિકારીઓ સાથે અનુકંપા વ્યક્ત કરે એવો શક સરકાર કરે એટલું પૂરતું છે. આમ ભારત હવે સતત શક કરતું પોલીસ સ્ટેટ બની ગયું છે અને સર્વત્ર કાવતરાખોરો અને સાઝીશકર્તાઓ જોવા મળે છે. સ્વતંત્રતાને નિયંત્રીત કરવા, પોલીસને વધુ સત્તા આપવા અને એક્ઝિક્યુટીવને ન્યાયિક સત્તાઓ હસ્તગત કરી શકે એ રીતે કાયદાઓ સુધારવામાં આવ્યાં છે. ખટલાની કાર્યવાહી વગર અટકાયત કરવી એ એક નવું ધોરણ બની ગયું છે. નિર્દોષતા પુરવાર કરવાની જવાબદારી આરોપી પર નાખવામાં આવી છે. સરકારનું આ પ્રકારનું વલણ સંસદની અંદર અને સંસદની બહાર અનેક પ્રસંગોએ સ્પષ્ટ જોવા મળ્યું છે. સરકારે ૧૦ એજન્સીઓને નિરીક્ષણ કરવા, જાસૂસી કરવા અને કમ્પ્યુટર, ફોનમાંથી ડેટા પ્રાપ્ત કરવા માટે સત્તા આપી છે તેમાં દિલ્હીના પોલીસ કમિશનર ઉપરાંત સીબીઆઇ, રો, એનઆઇએ, સીબીડીટી, ઇડી એ રેવન્યૂ ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે. આમ ઇમર્જન્સી હોય કે ન હોય ભારતને હવે સત્તાવાર રીતે પોલીસ સ્ટેટનું બિરૂદ આપી શકાય છે.
(સૌ. : નેશનલ હેરાલ્ડ)