ઓલ્ટ ન્યુઝના સહસ્થાપક મોહંમદ ઝુબેરે આ ઘટના અંગે ટિ્વટ કરી ગાઝિયાબાદ પોલીસને જાણ કરી
(એજન્સી) તા.૧૩
ગાઝિયાબાદ પોલીસે વીડિયોમાં રેકોર્ડ કરાયેલા એક હેટ ક્રાઈમ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ઓલ્ટ ન્યુઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબેરે તેના ટિ્વટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો જેમાં ગાઝિયાબાદ પોલીસને પણ ટેગ કરવામાં આવી હતી. આ વીડિયોમાં દેખાય છે કે એક હિન્દુ શખ્સ પાણી પીવા માટે મંદિરમાં પ્રવેશતા મુસ્લિમ છોકરાને નિર્દયતાથી ફટકારી રહ્યો છે. આ વીડિયો સૌપ્રથમ @hinduektasangh નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં હુમલાખોર શ્રિંગી યાદવને ટેગ કરવામાં આવ્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં મુસ્લિમ છોકરા વિશે અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો અને શ્રિંગી યાદવની પ્રશંસા કરવામાં આવી હતી. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોર શખ્સ મુસ્લિમ છોકરાને તેનું અને તેના પિતાનું નામ પૂછે છે. છોકરા પાસેથી મુસ્લિમ નામો સાંભળી હુમલાખોર શખ્સ પ્રશ્ન કરે છે કે તે મંદિરમાં શા માટે પ્રવેશ્યો હતો ? મુસ્લિમ છોકરો જવાબ આપે છે કે તે પાણી પીવા માટે મંદિરમાં પ્રવેશ્યો હતો. આટલું સાંભળ્યા પછી તે મુસ્લિમ છોકરાને નિર્દયતાપૂર્વક ફટકારવાનું ચાલુ કરે છે. પીડિત મુસ્લિમ છોકરો વારંવાર કહે છે કે તે ફકત પાણી પીવા માટે મંદિરમાં આવ્યો હતો. આમ છતાં યાદવ તેને મારવાનું ચાલુ રાખે છે. ઘૃણાસ્પદ બાબત તો એ છે કે ઈરાદાપૂર્વક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ ક્રૂર હુમલા બદલ ગાઝિયાબાદ પોલીસે શ્રિંગી યાદવ વિરૂદ્ધ કેસ દાખલ કરતા @hinduektasangh નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અપીલ કરવામાં આવી હતી. યાદવ માટે કેસ લડવા પૈસા એકત્ર કરવા દરેકે દાન આપવું જોઈએ. આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે ‘ઉસ વીડિયો મેં જો શેર હે ઉનપે કેસ હુઆ હે અબ દેખતે હે યોદ્ધા કો કિતને પૈસે મિલતે હૈં.’ ઝુબેરે ટિ્વટર પર આ ઘટનાનો વીડિયો પોસ્ટ કર્યાના કલાક પછી જ ગાઝિયાબાદ પોલીસે ટિ્વટ કરી જણાવ્યું હતું કે શ્રિંગી યાદવની ધરપકડ કરવામાં આવી છે અને કાયદા હેઠળ તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.