Witer-: Mohammed Tahir Hakim, Member AIMPLB,Layer Gujarat High Court
સર્વે અંગે ડી.પી.ઈ.ઓ.નો પત્ર એ શિક્ષણ નિયામકના પત્રથી તદ્દન વિરૂદ્ધ છે
આ સર્વે કવાયત મદ્રેસાઓને બદનામ કરવા અને ત્રાસ આપવા માટે હાથ ધરવામાં આવી
એન.સી.પી.આર. અને શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓ પર કોઈપણ સત્તાનો ઉપયોગ કરવાનો અને માહિતી મેળવવાનો અધિકાર નથી
(૧) થોડાક દિવસો પહેલા, તા.૧૮/૦૫/૨૦૨૪ના રોજ અચાનક દરોડા પાડેલ હોય તેમ રાજ્યભરમાં મદ્રેસાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સર્વેનો પ્રયાસ અને રીત આઘાતજનક, અસલામત અને વેદનાની ઊંડી લાગણી ઉદભવે તેમ હતી. તેથી, સર્વેની કાયદેસરતા અને સર્વેથી થયેલ અસરને ધ્યાનમાં લેવાની જરૂર છે.
(૨) ઉક્ત સર્વે તા.૧૫/૦૫/૨૦૨૪ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ એટલે કે નાયબ સચિવ શિક્ષણ વિભાગ દ્વારા શાળા નિયામક અને કમિશનર તથા પ્રાથમિક શિક્ષણ નિયામકને કરેલ આદેશ અનુસાર કરવામાં આવેલ હોવાનું જાહેર થયેલ છે. નાયબ સચિવનો ઉપરોક્ત આદેશ બાળ અધિકાર સંરક્ષણ આયોગ (ટૂંકમાં એન.સી.પી.સી.આર),જે બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ૨૦૦૫ના કાયદા હેઠળ રચાયેલ છે, તેના દ્વારા રાજ્યના અગ્ર સચિવને સંબોધીને ૦૭/૦૫/૨૦૨૪ના સમન્સના આધારે હોવાનું જણાવેલ છે. નાયબ સચિવના આદેશમાં જણાવેલ છે કે સમન્સ દ્વારા, એન.સી.પી.સી.આર.એ અનુદાનિત અને/અથવા માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓ અને તેમાં અભ્યાસ કરતા બિન-મુસ્લિમ વિદ્યાર્થીઓના સંદર્ભમાં માહિતી માંગેલ છે અને જે મદ્રેસાઓનું મેપિંગ ન થયું હોય તેવા મદ્રેસાઓનુ મેપિંગ કરવાનો આદેશ કરેલ છે. ઉપરોક્ત આદેશમાં વધુમાં જણાવાયું છે કે મદ્રેસાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સામાન્ય શાળામાં પણ શિક્ષણ મેળવવું આવશ્યક છે. તેથી, ટીમોની રચના કરીને, તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ (ટૂંકમાં ડી.ઇ.ઓ.) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ (ટૂંકમાં ડી.પી.ઇ.ઓ.)ને આપેલ સૂચિમાં ઉલ્લેખિત મદ્રેસાઓના સંદર્ભમાં સર્વે કરી માહિતી એકત્ર કરવાની રહેશે અને તેને ગૂગલ શીટમાં અપલોડ કરવાની રહેશે અને તે કાર્યવાહી તાત્કાલિક અને સમયબદ્ધ રીતે કરવાની રહેશે.
(૩) નાયબ સચિવના ઉપરોક્ત આદેશના આધારે, તા.૧૬/૦૫/૨૦૨૪ના રોજ નાયબ નિયામક શિક્ષણ નિયામકે સંબંધિત ડી.ઈ.ઓ. અને ડી.પી.ઈ.ઓ.ને પત્રો લખ્યા હતા, જેમાં સર્વેની કામગીરી હાથ ધરવા માટે જરૂરી અધિકારીઓની યાદી, મદ્રેસાઓની યાદી અને એકત્રિત કરવાની માહિતી માટે ભરવાની પ્રશ્નાવલીનો સમાવેશ કરેલ. નોંધનીય છે અને ઉલ્લેખ કરવો જરૂરી છે કે સદર કામ પૂર્ણ કરવા માટે સાત દિવસનો સમયગાળો આપવામાં આવેલ હતો.
(૪) ઉપરોકત આદેશના આધારે તા.૧૭/૦૫/૨૦૨૪ના રોજ ડી.પી.ઈ.ઓ.એ અધિકારીઓને પત્ર પાઠવી તા.૧૮/૦૫/૨૦૨૪ના રોજ સવારે હાજર રહી માહિતી એકત્ર કરી બપોર સુધી એટલે કે એક (૧) દિવસમાં કામગીરી પૂર્ણ કરવા સુચના આપેલ છે. તેથી, તે જણાવવું અને ઉલ્લેખ કરવો યોગ્ય છે કે સંબંધિત ડી.પી.ઈ.ઓ.ના તા.૧૭/૦૫/૨૦૨૪નો પત્ર, શિક્ષણ નિયામકના તા.૧૬/૦૫/૨૦૨૪ના પત્રથી તદ્દન વિરુધ છે. તદુપરાંત, આપવામાં આવેલી મદ્રેસાઓની સૂચિ મોટે ભાગે અને ફક્ત જે તે વિસ્તારમાં આવેલ મસ્જિદો સાથે જોડાયેલા મકતબોની છે, કે જેમાં બાળકો ફક્ત કુર્આનનુ વાચન કરે છે અને ઇસ્લામનું પ્રાથમિક અને મૂળભૂત જ્ઞાન મેળવે છે.
(૫) ત્યારબાદ તુરંત તા.૧૮/૦૫/૨૦૨૪ના રોજ નિયુકત અધિકારીઓ મદ્રેસાઓ/મકતબોમાં ધસી આવેલ હતા અને વહેલી સવારે દરોડો પાડતા હોય તેમ માહિતી કઢાવવાનું શરૂ કર્યું હતું. આ તબક્કે તે જણાવવું અને ઉલ્લેખ કરવો યોગ્ય છે કે સદર કવાયત ઉનાળાની રજાઓ દરમિયાન અને/અથવા કોઈને પણ જાતની જાણ કર્યા વિના હાથ ધરવામાં આવી હતી. તેથી, મોટાભાગના લોકો અજાણ હતા અને અને સર્વેમાં અસરકારક રીતે ભાગ લઈ શક્યા નહોતા અને યોગ્ય માહિતી પણ આપી શક્યા નહોતા.
(૬) હવે, મીડિયામાં એવા અહેવાલ આવ્યા છે કે ઉપરોક્ત સર્વે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે અને જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી છે. વધુમાં, એવું જાહેર કરવામાં આવ્યું છે કે સર્વેમાં લગભગ ૧૩,૦૦૦ મદ્રેસાઓ મળી આવ્યા હતા અને તેનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ૮૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને તેમાથી ૭,૦૦૦ શાળાઓમાં અભ્યાસ કરતા નથી અને કોઈ પણ બિન-મુસ્લિમ બાળકો મદ્રેસાઓમાં અભ્યાસ કરતા નથી.
(૭) આથી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ સર્વે કાયદાકીય, વાજબી અને/અથવા જરૂરી હતો.
(૮) સર્વપ્રથમ નોંધવું જરૂરી છે કે, કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ એક્ટ, ૨૦૦૫ હેઠળ રચાયેલી એન.સી.પી.સી.આર.ના સમન્સના અનુસંધાને મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બાળકો/વિદ્યાર્થીઓના સંદર્ભમાં અને તેમાંથી કેટલા બિન-મુસ્લિમ છે અને આવા મદરેસાઓ અનુદાનિત છે અને/અથવા માન્યતા પ્રાપ્ત છે કે કેમ અને મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ/બાળકો સામાન્ય શિક્ષણ મેળવી રહ્યા છે કે કેમ તે સંદર્ભમાં માહિતી કથિત રીતે એકત્રિત કરવામાં આવી રહી છે.
(૯) ઉપરોક્ત બાબતો પરથી એ સ્પષ્ટ થાય છે કે, એન.સી.પી.સી.આર. બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ, ૨૦૦૯ (ટૂંકમાં આર.ટી.ઇ. કાયદો)ના અમલીકરણના સંદર્ભમાં કથિત રીતે માહિતી માંગી રહી છે અને આ રીતે શિક્ષણ વિભાગ અને ડી.ઇ.ઓ. અને ડી.પી.ઈ.ઓ.ને સર્વે હાથ ધરવા અને માહિતી એકત્રિત કરવા આદેશ આપ્યો છે.
(૧૦) તેથી એ નોંધવું યોગ્ય છે કે આર.ટી.ઇ. કાયદાની કલમ ૧(૫) મુજબ મદ્રેસાઓ અને આવી જ પ્રકારની સંસ્થાઓ જેવી કે વૈદિક પાઠશાળાઓ અને આવી અન્ય સંસ્થાઓને આર.ટી.ઇ. કાયદો લાગુ પડતો નથી. તેથી, એન.સી.પી.સી.આર. અને તે રીતે શિક્ષણ વિભાગ અને ડી.ઇ.ઓ અને ડી.પી.ઇ.ઓ. આર.ટી.ઇ. કાયદાના સંબંધમાં મદ્રેસાઓ પાસેથી કોઈ માહિતી મેળવી શકે નહીં. આ તબક્કે એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે પ્રમતિ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ એન્ડ અધર્સ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સના કેસમાં માનનીય સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠ એ. ઠરાવ્યું છે કે આર.ટી.ઇ. કાયદો અનુદાનિત અને બિનઅનુદાનિત લઘુમતી શિક્ષણ સંસ્થાઓને પણ લાગુ પડતો નથી. તેથી, મદ્રેસાઓમાં આર.ટી.ઇ. કાયદાના સંદર્ભમાં કોઈ સર્વે અને તપાસ થઈ શકે નહીં.
(૧૧) તદુપરાંત, ગુજરાતના મદ્રેસાઓને આસામ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોની જેમ કોઈ સરકારી અનુદાન નથી મેળવતા અને કોઈપણ સરકારી “બોર્ડ” દ્વારા માન્યતા પણ મેળવતા નથી. અને ગુજરાતના લગભગ તમામ મદ્રેસાઓ અને મકતબો વકફઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે, જે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ (વકફ બોર્ડ)માં નોંધાયેલા છે અને જેનો વકફ કાયદા, ૧૯૯૫ હેઠળ વહીવટ અને દેખરેખ થઇ રહ્યા છે. તેથી, એન.સી.પી.સી.આર. અને શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓ પર કોઈપણ સત્તાનો ઉપયોગ કરવાનો અને કોઈપણ માહિતી મેળવવાનો અધિકાર નથી.
(૧૨) તદુપરાંત, એન.સી.પી.સી.આર અને/અથવા શિક્ષણ વિભાગ દ્વારા મદ્રેસાઓનું મેપિંગ પણ ગેરકાયદેસર છે, કારણ કે મદ્રેસાઓ તેની દેખરેખ અને વહીવટ હેઠળ આવતા નથી. આમ પણ મદ્રેસાઓને લગતી આવી તમામ વિગતો જેમ કે તેનું સરનામું, ઓળખ અને વ્યવસ્થાપન, વકફ બોર્ડ પાસે ઉપલબ્ધ છે અને ત્યાંથી મેળવી શકાય છે. તેથી, મેપિંગ માટેનું કારણ પણ ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે. વધુમાં, મદ્રેસાઓના મકાન/પરિસરના બાંધકામ, પરવાનગી અને અન્ય માહિતી અને મદ્રેસાઓની આવકના સ્ત્રોત સંદર્ભનો સર્વે અને માહિતી મેળવવાનું કાર્ય પણ એન.સી.પી.સી.આર. અને/અથવા શિક્ષણ વિભાગના કાર્યક્ષેત્રમાં આવતી નથી. તેથી, તેના સંદર્ભમાં પણ સર્વે ગેરવ્યાજબી અને ગેરકાયદેસર છે.
(૧૩) આ તબક્કે આ ઉલ્લેખ કરવો ઉચિત છે કે મદ્રેસાઓની સ્થાપના, વહીવટ અને વ્યવસ્થાપન ભારતના બંધારણની અનુચ્છેદ ૨૫, ૨૬, ૨૮, ૨૯ અને ૩૦ હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો હેઠળ કરવામાં આવે છે. આમ, આવા મદ્રેસાઓમા માત્ર ધાર્મિક શિક્ષા આપવામાં આવે છે કે જેથી ઇસ્લામ ધર્મનું પાલન, અમલ અને પ્રચાર કરવાનો અને ઇસ્લામિક સંસ્કૃતિનું સંરક્ષણ કરવાનો બંધારણના મૂળભૂત અધિકારોનું રક્ષણ અને પાલન થઈ શકે. તેથી તેમાં બિનજરૂરી અને અનિયંત્રિત હસ્તક્ષેપ ન થઈ શકે. આમ અચાનક દરોડાની જેમ સર્વે કરવું દેખીતી રીતે ઉપરોક્ત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે.
(૧૪) તેથી, સર્વે અને માહિતીનો સંગ્રહ કરવાનો હેતુ દેખીતી રીતે વિશ્વસનીય હોવાનું જણાતું નથી. વધુમાં, હવે, મદ્રેસાઓ પર વિદ્યાર્થીઓની વિગતો અને તેમના શાળાકીય શિક્ષણ અને અન્ય વિગતો પૂરી પાડવા માટે દબાણ કરવામાં આવી રહ્યો છે. જે વિગતો મદ્રેસાઓને જાળવવાની જરૂર નથી અને તેમની પાસે હોય ન શકે અને તેથી, સર્વે પછીની વધુ કાર્યવાહી પણ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે.
(૧૫) પૂર્વગ્રહ વિના, ઉલ્લેખનિય છે કે આર.ટી.ઇ. કાયદાની કલમ ૩ મુજબ ૬થી ૧૪ વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવેલ છે. તદુપરાંત આર.ટી.ઇ. કાયદાની કલમ ૬ અને ૮ મુજબ રાજ્ય/યોગ્ય સરકાર અને સ્થાનિક સત્તાધિકારીઓની ફરજ બને છે કે તેઓ શાળાની સ્થાપના કરે અને આર.ટી.ઇ. કાયદા હેઠળ આવરી લેવાયેલા બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડે. વધુમાં આર.ટી.ઇ. કાયદાની કલમ ૧૦ મુજબ માતા-પિતા અને વાલીઓની પણ ફરજ બને છે કે તેઓ તેમના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ કરાવે અથવા પ્રવેશ મેળવે. અને આવી કોઇ ફરજ મદ્રેસાઓ પર મૂકવામાં નથી આવી. પરિણામે, સદર કારણોસર પણ મદ્રેસાઓના સર્વે ગેરકાયદેસર, અયોગ્ય અને ગેરબંધારણીય છે.
(૧૬) આમ છતાં પણ, એ નિર્વિદિત હકીકત છે કે આપણા સમાજમાં અનેક કારણોને લીધે, ૬થી ૧૪ વર્ષની વયના ઘણા બાળકોને આર.ટી.ઇ. કાયદા હેઠળ ફરજિયાત મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણથી વંચિત રહે છે. તેથી, આદર્શ અને વિશ્વસનીય કાર્યવાહી આવા બાળકોને શોધી અને તેમને મફત, પ્રાથમિક અને ફરજિયાત શિક્ષણ મળે તે જોવુ જોઈએ. તેનાથી વિરુદ્ધ, બિનજરૂરી રીતે મદ્રેસાઓને બદનામ કરવા અને ત્રાસ આપવા માટે આવી દૂષિત કવાયત હાથ ધરવામાં આવેલ છે.
(૧૭) તેથી એ સ્પષ્ટ થાય છે કે મદ્રેસાઓનો સર્વે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે અને તે બદઇરાદાથી પીડાય છે અને તેથી એન.સી.પી.સી.આર. અને શિક્ષણ વિભાગ પાસે આ પ્રકારનો સર્વે હાથ ધરવા અને મદ્રેસાઓને બદનામ કરવા, ત્રાસ આપવા અને હેરાન કરવાની કોઈ કાનૂની સત્તા નથી. પરિણામે, જ્યાં સુધી આવા સર્વે હાથ ધરવાની કાનૂની સત્તા દર્શાવવામાં ન આવે અને આવા સર્વે માટેના દાનત અને કારણો કાયદકીય અને સ્પષ્ટપણે જાહેર કરવામાં ન આવે અને સમજાવવામાં ન આવે ત્યાં સુધી, મદ્રેસાઓએ આવા કોઈ પણ સર્વેમાં ભાગ લેવા અને માહિતી આપવા માટે કાયદેસર રીતે બંધાયેલ નથી અને તેમને આવા સર્વેમાં ભાગ ન લેવાનો બંધારણીય અધિકાર છે.