મધ્યપ્રદેશના ધારમાં એક મુસ્લિમ દુષ્કર્મ આરોપીનું મકાન બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું, મુસ્લિમ સમુદાયમાં એક તરફી કાર્યવાહી સામે ભારે આક્રોશ

(એજન્સી) ધાર, તા.૨૯
મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં એક મુસ્લિમ વ્યક્તિનું મકાન બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવ્યા બાદ સમગ્ર મુસ્લિમ સમુદાયમાં ભારે રોષ પેદા થયો છે અને માનવ અધિકાર સંગઠનો અને સામાજિક કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો છે કે હિન્દુ જૂથોના દબાણ હેઠળ આવી જઈને વહીવટી તંત્ર દ્વારા આ પગલું લેવાયું છે અને કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવી નથી. જેનું મકાન તોડી પડાયું છે એ મુસ્લિમ યુવાન અમજદની ગયા અઠવાડિયે બિલુડ ગામની એક સગીર આદિવાસી બાળા પર દુષ્કર્મ આચરવાના ગુના બદલ ધરપકડ કરવામાં આવી હતી. અમજદના અપરાધથી બે પરિવારોને ભારે નુકસાન થયું છે એક તો પીડિતાનો પરિવાર ભારે દુઃખી થયો છે અને ન્યાય માંગી રહ્યો છે તો આરોપીના પરિવારે ફરિયાદ કરી છે કે સામૂહિક સજા કરવામાં આવી રહી છે. તેના પરિવારનું મકાન પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. કેમ કે હિન્દુ જૂથોએ અને સ્થાનિક નાગરિકોએ વિરોધ કર્યો હતો અને તાત્કાલિક અપરાધી સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી એટલે બુલડોઝર ફેરવી દેવાયું હતું. મોટી પોલીસ ફોજ લઈને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ બિલુડ ગામમાં પહોંચી ગયા હતા અને અમજદના મકાન પર બુલડોઝર ફેરવી તેને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. આ અંગે નાયબ તહેસીલદાર અનિતા બરેઠાએ કહ્યું હતું કે ગ્રામ પંચાયતની નોટિસ આપવામાં આવી હતી કેમ કે આ મકાન ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યું હતું. કોઈપણ પ્રતિકાર કે વિરોધ વિના આ કામગીરી શાંતિથી પૂરી થઈ હતી. જોકે મુસ્લિમ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે કાનૂની કારણોસર નહીં પરંતુ કોમવાદી તત્ત્વોના દબાણને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી તો જેલમાં છે ત્યારે કોઈ કારણ વિના કેસ ચલાવ્યા વિના તેના આખા પરિવારને સજા કરવામાં આવી રહી છે, તો શું આ ન્યાય છે ? જો આવી રીતે ન્યાય કરવામાં આવતો હોય તો માત્ર મુસ્લિમોના મકાનો કેમ તોડી પાડવામાં આવી રહ્યા છે ? શું અન્ય સમુદાયો કાયદાની ઉપર છે ? આ કેસથી સમગ્ર વિસ્તારમાં ગરમાવો છે કેમકે દુષ્કર્મનો ભોગ બનેલી આદિવાસી બાળાએ એક ખાનગી હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો અને આ સમાચાર ફેલાઈ ગયા પછી હિન્દુ સંગઠનો એ આરોપીનું મકાન તોડી પાડવાની માગણી કરી દબાણ શરૂ કર્યું હતું. નિર્ભય સિંગ પટેલ કહે છે કે અમે કડક પગલાં લેવા અવારનવાર વહીવટી તંત્રને વિનંતી કરી હતી અને જો પગલાં ન લેવાય તો હાઇવે જામ કરી દેવાની ચેતવણી પણ આપી હતી. માનવ અધિકાર જૂથો અને સમાજના આગેવાનો પણ કહે છે કે દુષ્કર્મનો અપરાધ ખરેખર ગંભીર છે અને આરોપીને કાયદા મુજબ કડક સજા મળવી જ જોઈએ પરંતુ આવી રીતે પરિવારના મકાન પર બુલડોઝર ફેરવીને લઘુમતીઓને જ નિશાન બનાવીને બુલડોઝર ન્યાય કરવામાં આવે તે ખૂબ જ ભયજનક અને ખતરનાક પરંપરા છે. મોહમ્મદ અલી નામના નાગરિક કહે છે કે કાયદાએ વ્યક્તિગત અપરાધીને સજા કરવી જોઈએ તેના પરિવારને સજા ન કરી શકાય. પરંતુ છેલ્લા થોડા મહિનાથી ગંભીર અને ચિંતાજનક પરંપરા શરૂ થઈ છે અને અદાલતના હુકમ પહેલા જ કે ચુકાદો આવ્યા પહેલા જ મુસ્લિમોના મકાનોને તોડી પાડવામાં આવે છે. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવી અનેક ઘટનાઓ બની છે. અત્યારે તો અમજદનો પરિવાર ચિંતામાં છે અને તેની માતા રડતા રડતા કહે છે કે અમે બધું ગુમાવી દીધું. મારો પુત્ર જેલમાં છે અને મકાન પણ ગયું એટલે હવે ક્યાં જવું એ જ અમને સમજાતું નથી. પરિવારજનો કહે છે કે અમે અપરાધનો બચાવ કરતા જ નથી પણ અમને ન્યાય જોઈએ છે કેમકે યોગ્ય પ્રક્રિયા થવી જોઈએ અને આરોપી દોષિત છે કે કેમ એ નક્કી કરવાનું કામ અદાલતનું છે પરંતુ અચાનક અધિકારીઓ બુલડોઝર લઈને આવી ચડ્યા અને અમને થોડી મિનિટોનો જ સમય આપ્યો અને મકાન તોડી પાડ્યું. આવી ઘટનાઓથી ભારતીય મુસ્લિમો અને ખાસ કરીને નાના શહેરો અને ગામોમાં રહેતા મુસ્લિમ સમાજમાં તેઓ બિલકુલ અસુરક્ષિત બની ગયા હોવાની લાગણી વધુને વધુ તીવ્ર બની રહી છે અને ઘણા કહે છે કે બુલડોઝર રાજનીતિ એ લઘુમતી સમાજને સામુહિક રીતે સજા કરવાનું શસ્ત્ર બની ગયું છે. ધાર શહેરના નિવૃત્ત શિક્ષક અબ્દુલ વહીદ કહે છે કે બળાત્કાર જેવા ગુનાને કોઈ ટેકો આપે નહીં અને કોઈ તેનું સમર્થન ન કરે પણ કોઈ જાતની કાર્યવાહી કેસ ચાલ્યા વિના મકાન તોડી પાડવામાં આવે એ ખોટું છે અને એવો સંદેશો આપવામાં આવી રહેશે કે મુસ્લિમો સમાન નાગરિકો નથી. વહીવટી તંત્ર કાયદાને નહીં ટોળાશાહીને માન આપી રહ્યું છે. સામાજિક કાર્યકર રઝિયા બેગમ કહે છે કે બુલડોઝરનો એક સજા રૂપના હથિયાર તરીકે ઉપયોગ કરવાનું બંધ થવું જોઈએ કેમ કે ન્યાય અને બુલડોઝર એક્શનને કોઈ લેવાદેવા નથી. આવું તો માત્ર એક સમાજને ચૂપ કરી દેવા માટેની કાર્યવાહી છે. દિલ્હીના એડવોકેટ ફૈઝાન અલી કહે છે કે જ્યારે ન્યાય પસંદગીના ધોરણે ચોક્કસ સમુદાય સામે જ થવા લાગે ત્યારે લોકશાહી નબળી પડી જાય છે. અમજદ ગુનેગાર હોય તો કાયદા મુજબ તેને સજા થવી જોઈએ પણ પરિવારને મકાન તોડીને સજા કરવામાં આવે તે ગેરબંધારણીય છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts