(એજન્સી) ભોપાલ, તા.૧૭
મધ્યપ્રદેશના રિવા જિલ્લામાં ગુડ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ગોરજી ગામમાં આવેલી ગાઝી મિયાની દરગાહ શરીફમાં ભારે તોડફોડ કરવાની ઘટના શુક્રવારે રાત્રે બની હતી. મુસ્લિમ સમાજમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવી દરગાહમાં તોડફોડ થતાં સમગ્ર સમાજમાં ભારે રોષ આક્રોશ અને દહેશતની લાગણી પ્રસરી વળી હતી. સ્થાનિક સમુદાયમાં ભારે અજંપો જાગી ઉઠ્યો છે અને આવું કરનારા અપરાધીઓ સામે કડક પગલાં લેવાની અહીંના નાગરિકો માગણી કરી રહ્યા છે. બનાવને નજરે જોનારા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સોનું એક ટોળું અંધારાનો ગેરલાભ ઉઠાવીને દરગાહના સંકુલમાં ઘૂસી ગયા હતા અને મઝારને અપવિત્ર કર્યો હતો અને તોડફોડ કરી હતી. એ નુકસાન તસ્વીરોમાં પણ દેખાઈ આવે છે. શનિવારે સવારે દરગાહમાં નુકસાનની ખબર પ્રસરતા જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ પોલીસ સ્ટેશન પાસે એકઠો થયો હતો અને તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને ટકોર કરી હતી કે કોમવાદી તણાવ ફેલાવી દેવા માટે ઈરાદાપૂર્વક આવી તોડફોડ કરવામાં આવી છે. ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે અન્ય કોઈ કોમની ધાર્મિક લાગણીને જફા પહોંચાડવી એ સમાજને વિભાજન કરવાનો અને શાંતિને નષ્ટ કરવાનો પ્રયાસ છે. મુસ્લિમ સમાજના બીજા એક વડીલે જણાવ્યું હતું કે આ દરગાહનું ધાર્મિક રીતે ખૂબ જ મહત્ત્વ છે અને લોકોને આસ્થા અને લાગણીઓ માટે આ મહત્ત્વનું કેન્દ્ર છે એટલે આ દરગાહ શરીફ પરનો હુમલો એ અમારી ઓળખ અને અમારી આસ્થા પરનું આક્રમણ છે. સમાજના નેતાઓએ એવું કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્તર પર એક ખાસ પરંપરા શરૂ થઈ છે જેના હસ્તક આ હુમલો થયો છે કેમ કે તાજેતરમાં દેશભરમાં ઈદગાહ, મસ્જિદો અને દરગાહોને વિવાદમાં લાવવાના અને નિશાન બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે આ એક ખાસ પ્રકારની પરંપરા શરૂ થઈ છે જેના ભાગરૂપે જ આ હુમલો થયો હોવાનું મુસ્લિમ સમુદાયના આગેવાનો માને છે. ઘટના બન્યા પછી સત્તાવાળાઓએ પરિસ્થિતિ કાબુમાં લેવા માટે તાત્કાલિક પગલા લીધા હતા અને એડીએમ અનુરાગ તિવારીએ ખાતરી આપી હતી કે વહીવટી તંત્ર હાઈ એલર્ટ ઉપર જ છે. સમુદાયના સમર્થનથી દરગાહના જે ભાગને નુકસાન થયું હતું તેનું તાત્કાલિક સમારકામ પણ કરી દેવામાં આવ્યું છે અને અમે ગ્રામજનોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. ડીએસપી હિમાની પાઠકે કહ્યું હતું કે હુમલાનો વીડિયો પણ વાયરલ થયો છે અને જે નુકસાન થયું છે તે વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. હિમાનીએ કહ્યું હતું કે અજાણ્યા હુમલાખોરો સામે કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. દરગાહ શરીફની આસપાસ પણ મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ વધુ અશાંતિ ઊભી ન કરે. ગ્રામજનોએ તો સહકાર આપવાની ખાતરી આપી જ છે પણ ગામના મુસ્લિમ વડીલો કહી રહ્યા છે કે ધાર્મિક સ્થળો અને ધાર્મિક વારસાના જે કોઈ સ્થળો હોય ત્યાં વધુ મજબૂત સુરક્ષા પૂરી પાડવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવા હુમલા થતા અટકાવી શકાય. આ ઘટના આ વિસ્તારમાં પ્રવર્તી રહેલી કોમી સંપની ખૂબ જ નબળી સ્થિતિ દર્શાવે છે અને શાંતિ તથા વિશ્વાસ બનાવી રાખવા માટે નિર્ણાયક પગલાની જરૂરિયાત પર ભાર મૂકે છે.