મધ્યપ્રદેશ : ગુંડાઓએ આદિવાસી ખેડૂતને કચડી મારી નાખ્યો

(એજન્સી) ભોપાલ, તા.૪
મધ્યપ્રદેશમાં આદિવાસીઓ અને દલિતો પર અત્યાચારની ઘટનાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. કટની પોલીસ સ્ટેશનમાં છ પોલીસકર્મીઓ દ્વારા દાદી અને પૌત્રને બેરહેમીથી માર મારવાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી ત્યારે આદિવાસી પ્રભુત્વ ધરાવતા સિંગરોલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. ગેરકાયદે રેતીના ધંધામાં સંડોવાયેલા બદમાશો દ્વારા આદિવાસી ખેડૂતને ટ્રેક્ટર વડે કચડી નાખવામાં આવ્યો છે. આરોપીઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. સિંગરોલી જિલ્લામાં તેના ખેતરમાંથી રેતીના ગેરકાયદે વહનને રોકવા માટે ગયેલા આદિવાસી ખેડૂતને ટ્રેક્ટર દ્વારા કચડી મારી નાખવામાં આવ્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ચાલક ટ્રેક્ટર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના રવિવારની રાત્રે બરકા ચોકી વિસ્તારના ગન્નાઈ ગામમાં બની હતી. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘાયલ ખેડૂત વેદનાથી રડતો રહ્યો. જ્યારે તેની પત્ની અને બાળકો મદદ માટે આજીજી કરતા રહ્યા, એવો આરોપ છે કે મદદ મળવામાં વિલંબને કારણે ખેડૂતનું મોત થયું. સિંગરોલી પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ખેડૂતની ઓળખ ૪૬ વર્ષીય ઈન્દરપાલ અગરિયા તરીકે થઈ છે. રેતી માફિયાઓ સાથે સંકળાયેલા લોકો ગન્નાઈ ગામમાંથી નીકળતી પાટીર નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ કરી ટ્રેક્ટર વડે ઈન્દરપાલના ખેતરમાંથી બળજબરીપૂર્વક હટાવી રહ્યા હતા. ખેતરમાં ડાંગરનો પાક બગડતો જોઈને ઈન્દ્રપાલે વાંધો ઉઠાવ્યો અને આરોપીએ તેને ટ્રેક્ટર વડે કચડી નાખ્યો. તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આરોપ છે કે ઘટનાના ગુનેગારો ભાજપ સાથે જોડાયેલા હોવાને કારણે પોલીસ સમગ્ર બાબતને ઢાંકપિછોડો કરવામાં વ્યસ્ત છે. પોલીસનું નિવેદન સામે આવી રહ્યું છે કે, પરિવારજનો કહી રહ્યા છે કે મોત ટ્રેક્ટરથી કચડાઈ જવાથી નહીં પરંતુ ધક્કો મારવાથી થયું છે. પોલીસ ધાકધમકી આપી હત્યાને અકસ્માતમાં બદલવાનો પ્રયાસ કરી રહી હોવાનું મનાય છે. વાસ્તવમાં, મૃતક ખેડૂત ઈન્દ્રપાલના મોટા ભાઈ સુરેશ અગરિયાનો આરોપ છે કે,ગામમાં રહેતા લાલે વૈશ્ય અને તેના સહયોગીઓ અમારા ખેતરો અને જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીની હેરફેર કરે છે. જેના કારણે પાક બગડે છે. ઘણી વખત અમે તેને ટ્રેક્ટર બહાર કાઢવા કહ્યું પરંતુ તેઓ માન્યા નહીં. રવિવારની રાત્રે પણ આરોપીઓ ખેતરમાંથી ટ્રેક્ટર કાઢી રહ્યા હતા. લગભગ ૮ વાગે ભાઈ ઈન્દરપાલ ત્યાં પહોંચ્યો. તેણે ટ્રેક્ટર બહાર કાઢવાની ના પાડતાં તેને કચડીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. લાલે વૈશ્ય ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ છે. આ ઘટનાને ૧૬ કલાક વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપીઓને પકડી શકી નથી. એવું ચોક્કસપણે બન્યું છે કે પોલીસે કેસ નોંધ્યો છે. આરોપીઓ જે ટ્રેક્ટર લઈને ભાગી ગયા હતા તે જપ્ત કરવામાં આવ્યું છે. સમગ્ર ઘટના બાદ રાજકારણ ગરમાયું છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ ટિ્‌વટર પર રાત્રિના વીડિયો ફૂટેજ પોસ્ટ કરીને સરકારને ભીંસમાં લીધી છે. બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે પણ સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. મધ્યપ્રદેશમાં દલિતો અને આદિવાસીઓ પર અત્યાચારની ઘટનાઓ સતત બની રહી છે. છેલ્લાં મહિનામાં આવી એક ડઝન ઘટનાઓ બની છે જેણે સરકારને શરમમાં મૂકી દીધી છે. વિપક્ષે સરકાર પર આકરા આક્ષેપો કર્યા છે. સરકાર ને ઘેરી લીધી છે. વિપક્ષો આરોપ લગાવી રહ્યા છે કે ભાજપ માત્ર દલિતો અને આદિવાસીઓના નામે રાજનીતિ કરે છે. મતદાન કરવા માટે તેમનો ઉપયોગ કરી રહી છે.આ અત્યાચારો ભાજપની આ સમુદાયો પ્રત્યે સહાનુભૂતિના અભાવનો પૂરાવો છે. હાલમાં સિંગરોલી ઘટના અંગે સરકાર તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks