(એજન્સી) તા.ર૭
મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં જમીન વિવાદને લઈને પુરૂષોના એક જૂથ દ્વારા ત્રણ મહિલાઓ (જેમાં શાળામાં ભણતી એક સગીરાનો પણ સમાવેશ થાય છે) પર હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ ઘટના ૧૯ ઓક્ટોબરના રોજ કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. ફરિયાદ મુજબ, આરોપીઓએ મહિલાઓને ખેંચીને એક ઘરમાં લઈ જઈને મારપીટ કરી હતી, સગીરાના કપડાં ફાડી નાખ્યાં હતાં, જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને જો તેઓ વિવાદિત ખેતરમાં પાછા ફરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની શોધખોળ ચાલુ છે. ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પરિવારનો ગજરામ યાદવ નામના ગ્રામસ્થ સાથે લાંબા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો છે. ૧૯ ઓક્ટોબરના રોજ સવારે લગભગ ૬ઃ૩૦ વાગ્યે, પરિવારને જાણ થઈ કે તેમના ખેતરમાં સંગ્રહ કરેલી મકાઈના ચારથી પાંચ ઢગલા ગાયબ છે. આ બાબતની જાણ પોલીસને કરવા માટે વિદ્યાર્થીનીના પિતા કોક સિંહ, ભાઈ હરિ સિંહ અને મામા બલિસ્ટિર અહિરવાર મોટરસાઈકલ પર નીકળ્યા હતા. ત્યારબાદ, વિદ્યાર્થિની તેની માતા તુલસાબાઈ અને ભાભી સીમા અહિરવાર સાથે જમીનને લગતા દસ્તાવેજો લઈને પોલીસ સ્ટેશન જવા નીકળી હતી. ફરિયાદ મુજબ, ગજરામ યાદવના ઘર પાસે ગજરામ, લલ્લુ યાદવ, રામકુમાર યાદવ અને ધર્મેન્દ્ર યાદવે આ ત્રણેય મહિલાઓને રોકી હતી. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ પુરૂષોએ મહિલાઓને બળજબરીથી ખેંચીને એક ઘરમાં પૂરી દીધી હતી અને તેમને લાત, મુક્કા અને થપ્પડો મારીને મારપીટ કરી હતી. આ હુમલામાં સગીરાના માથા, પીઠ અને હાથ પર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેની માતા અને ભાભીને પણ ઈજાઓ થઈ છે. આરોપ છે કે હુમલા દરમિયાન રામકુમાર યાદવે વિદ્યાર્થિનીના કપડાં ફાડી નાખ્યાં હતાં. આરોપીએ કથિત રીતે જાતિસૂચક અપશબ્દોનો પણ પ્રયોગ કર્યો હતો અને જો પરિવાર વિવાદિત ખેતરમાં પાછો ફરશે તો તેમને મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાઓના આક્રંદનો અવાજ સાંભળીને, ’ડાયલ ૧૧૨’ પોલીસ વાહન ઘટનાસ્થળે પહોંચ્યું અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયું. પોલીસને બાદમાં જાણવા મળ્યું કે, જ્યારે વિદ્યાર્થીના પિતા, ભાઈ અને મામા ગુમ થયેલા મકાઈના પાક અંગે ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ તેમના પર પણ હુમલો કર્યો હતો. સીએસપી (CSP) સૈફા હાશમીએ જણાવ્યું કે, લેખિત ફરિયાદ અને નિવેદનોના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.