મનુ ભાકર હેટ્રિક મેડલ સાથે ઈતિહાસ રચવાનું પણ ચૂકી

પેરિસ, તા.૩
ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર શનિવારે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં મેડલની હેટ્રિક ચૂકી ગઈ. તે મહિલાઓની ૨૫ મીટર પિસ્ટલ ઈવેન્ટની ફાઈનલમાં ચોથા સ્થાને રહી. મનુએ આઠ મહિલાઓની ફાઈનલમાં ૨૫નો સ્કોર કર્યો. તે શૂટ ઓફમાં હંગેરીની બ્રોન્ઝ મેડલ વિજેતા વેરોનિકા મેજર સામે હારી ગઈ. તેણે ગુરૂવારે પ્રિસિઝનમાં ૨૯૪ અને રેપિડમાં ૨૯૬ પોઈન્ટ સાથે કુલ ૫૯૦ પોઈન્ટ મેળવી ક્વોલીફીકેશનમાં બીજું સ્થાન પ્રાપ્ત કરી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. ૨૨ વર્ષીય મનુના ફક્ત મેડલ પણ એક ઈતિહાસ રચવાનું પણ ચૂકી ગઈ. મનુ પાસે ત્રણ ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બનવાની સુવર્ણ તક હાથમાંથી સરકી ગઈ છે. તેણે બે બ્રોન્ઝ મેડલ જીતી પેરિસમાં પોતાની સફર સમાપ્ત કરી. જો કે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો. તે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લીટ બની ચૂકી છે. તે આઝાદી બાદ આવું કરનારી એકમાત્ર ભારતીય છે. મનુએ પેરિસમાં મેડલનું ખાતું ખોલ્યું હતું. તેણે ૨૮ જુલાઈએ ૧૦ મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ જીત્યો હતો. સ્ટાર શૂટરે બીજો મેડલ સરબજોતસિંહ સાથે રમીને જીત્યો હતો. બંનેએ ૩૦ જુલાઈએ ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં શૂટરોએ ભારતને ત્રણ મેડલ અપાવ્યા છે. શૂટર સ્વપ્નિલ કસાલેએ પહેલી ઓગસ્ટે ૫૦ મીટર રાઈફલ થ્રી પોઝીશન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.

મનુ ભાકરે તે કરી બતાવ્યું જે આજ સુધી કોઈ કરી શક્યું નથી

મનુ એક ઓલિમ્પિકમાં ત્રણ ઈવેન્ટની ફાઈનલ રમનારી ભારતની પ્રથમ એથ્લીટ બની ગઈ છે૧૬ વર્ષની મનુ ભાકર યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલાની સાથે જ પહેલી શૂટર પણ હતી

પેરિસ, તા.૩
મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ ઈવેન્ટમાં ભાગ લીધો તે બધી ઈવેન્ટની ફાઈનલમાં પહોંચી મનુ એક ઓલિમ્પિકમાં ત્રણ ઈવેન્ટની ફાઈનલ રમનારી ભારતની પ્રથમ એથ્લીટ બની ગઈ છે. આ જ કારણ છે કે મેડલની હેટ્રિક ચૂકવા છતાં પણ તેના નામે ઈતિહાસ નોંધાઈ ગયો.
મનુ ભાકર યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. ૨૦૧૮માં ૧૬ વર્ષની ઉંમરમાં આર્જેન્ટીનામાં યોજાયેલ યુથ ઓલિમ્પિકની ૧૦ મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે યુથ ઓલિમ્પિક ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલાની સાથે જ પ્રથમ શૂટર પણ હતી. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં સૌથી પહેલા ૧૦ મીટર એર પિસ્ટલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. તે ઓલિમ્પિકની શૂટીંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા છે. બાળપણમાં મનુએ બોક્સીંગ, સ્કેટિંગ, વોલીબોલ, ઘોડેસવારી, માર્શલ આર્ટ અને ટેનિસમાં ૬૦થી વધારે રાષ્ટ્રીય મેડલ જીત્યા છે. સ્કૂલમાં વોલીબોલ રમતી વખતે ભાકરની આંખમાં ઈજા થઈ હતી. આંખની ઈજા છતાં તે એક સ્ટાર શૂટર બની ગઈ. મનુ ભાકરની માતા ઈચ્છતા હતા કે તે ડોક્ટર બને પણ મનુએ સ્પોર્ટસની પસંદગી કરી. જો કે તેની માતાને કોઈ અફસોસ નથી કે મનુ ડોક્ટર ના બની શકી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks