(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
બિહારના એક સિનિયર આઈપીએસ અધિકારીએ ૧૮ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ રાજીનામું આપી દીધું હતું પરંતુ થોડા દિવસોમાં એમને રાજ્યમાં નીતિશકુમારની સરકારે ફરીથી નવી જગ્યા પર પોસ્ટિંગ આપ્યું હતું અને નવી ફરજ સોંપી હતી. એ બીજા કોઈ નહીં પણ બિહારના પુરણિયા રેંજના આઈ જી શિવદીપ લાન્ડે છે. એકાદ મહિના પહેલાં તેમણે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, બિહારની ૨૦૦૬ની બેચના અધિકારીએ અંગત કારણો બતાવીને પોલીસ દળમાંથી રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે અધિકારીનું રાજીનામું સરકારે સ્વીકાર્યું નથી. એમને પટણાના આઈજી (ટ્રેનિંગ) રાકેશ રાઠી સાથે હોદ્દાની અદલા બદલી કરવાની સરકારે સૂચના આપી હતી. રાજીનામું શું કામ સ્વીકારાયું નથી એ અંગે સરકારી સૂત્રોએ કોઈ વધુ વિગતો આપી નથી. મૂળ મહારાષ્ટ્રના શિવદીપ એમના બિન્દાસ અભિગમ અને વ્યક્તિત્વ માટે જાણીતા છે. એમણે ૧૯ સપ્ટેમ્બરે અચાનક રાજીનામાની જાહેરાત કરીને પોલીસબેડામાં ભારે ચર્ચા જગાવી દીધી હતી અને તેમણે એવું પણ કહ્યું હતું કે રાજીનામું ભલે આપ્યું પણ હું બિહારમાં જ રહેવાનો છું. અનેક અટકળો અને અનુમાનો શરૂ થઈ ગયા હતા. ૪૭ વર્ષના આ અધિકારીના પત્ની મહારાષ્ટ્રના એક પૂર્વ મંત્રીના દીકરી છે એટલે એવી અટકળો ચાલી હતી કે શિવદીપ કદાચ રાજકારણમાં જવા માંગે છે. એમણે ૧૮ વર્ષની સેવા બાદ પોલીસના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આઇપીએસ શિવદીપ મૂળ મહારાષ્ટ્રના અકોલાના વતની છે. બિહારથી એમને ડેપ્યુટેશન પર મુંબઈ મોકલાયા ત્યારે તેમણે મહારાષ્ટ્ર એટીએસના આઈજી તરીકે સેવા આપી હતી. પટણામાં એસપી તરીકે તેમણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને અનેક ગુનેગારોને પકડીને બીજા કેટલાયને સીધા દોર કર્યા હતા. આઈપીએસ શિવદીપ લાન્ડે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા પછી સિવિલ સર્વિસ તરફ એમને આકર્ષણ થયું હતું અને તેમણે યુપીએસસી તથા સીએસઈ પરીક્ષા પાસ કરી હતી અને ૨૦૦૬માં આઇપીએસ ઓફિસર બન્યા હતા.