(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
પોલીસે આપેલી માહિતી અનુસાર, ઉત્તરપ્રદેશના મહોબા જિલ્લાના કબરાઈ વિસ્તારમાં એક દલિત કિશોરી પર બળાત્કાર કરવાના આરોપમાં એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. કબરાઈ પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર ઈન્ચાર્જ (એસએચઓ) નાગેન્દ્ર કુમાર નાગરે રવિવારે જણાવ્યું કે, પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક વિધવા મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, શનિવારે રાત્રે તે તેના નાના પુત્ર સાથે સૂઈ રહી હતી, ત્યારે તે લગભગ બે વાગ્યે જાગી, ત્યારે તેની ૧૬ વર્ષની પુત્રી ઘરે ન હતી. તેણે આખી રાત પુત્રીની શોધખોળ કરી, પરંતુ તે મળી ન હતી. એફઆઈઆરના આધારે એસએચઓએ કહ્યું કે, રવિવારની સવારે તેની પુત્રી ડરી ગયેલી ઘરે પહોંચી અને સમગ્ર ઘટના તેની માતાને જણાવી. આ પછી પોલીસ સ્ટેશનમાં પરસાહા ગામના યુવક અર્જુન કુશવાહ વિરૂદ્ધ બળાત્કાર, પોક્સો એક્ટ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નાગરે જણાવ્યું કે, પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી અર્જુન કુશવાહા વીજળી વિભાગમાં લાઇનમેન તરીકે નોકરી કરે છે અને તે અવારનવાર પીડિતાના ગામમાં વીજળી રિપેર કરવા આવે છે, જેના કારણે તેની તેની સાથે ઓળખાણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તેણે (આરોપી) શનિવારની રાત્રે પીડિતાને ઘરની બહાર બોલાવી અને પછી તેને સરકારી ટ્યુબવેલ સંકુલમાં લઈ ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. એસએચઓએ કહ્યું કે, પીડિતાની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને આરોપી યુવકની રવિવારના રોજ સાંજે તેના ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેને સોમવારે સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે.