ઓસ્ટ્રેલિયાની ટિકિટ મેળવવા મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં પોતાની મેચ ફિટનેસ સાબિત કરવી પડશે
મુંબઈ, તા.ર૭
ઓસ્ટ્રેલિયામાં રમાનારી પાંચ મેચોની બોર્ડર -ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવાઈ છે. ટીમમાં ૧૮ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે જ્યારે ત્રણ ખેલાડીઓ રિઝર્વ ખેલાડી તરીકે ઓસ્ટ્રેલિયા જશે. જો કે આ ટીમમાં ઝડપી બોલર મોહમ્મદ શમીનું નામ સામેલ નથી. જો કે તેને હજી પણ ઓસ્ટ્રેલિયાની ટિકિટ મળી શકે છે. પણ તેના માટે તેણે અમુક શરતો પૂરી કરવી પડશે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ શમીને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય ત્યારે લેવાશે જ્યારે ઝડપી બોલર રણજી ટ્રોફીમાં પોતાની ફિટનેશ સાબિત કરી દેશે જેવું કે પહેલા જણાવાયું હતું કે શમીની દિવાળી બાદ નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં બેંગ્લોરમાં કર્ણાટક વિરૂદ્ધ બંગાળની ચોથા રાઉન્ડની મેચમાં રમવાની આશા છે. મો.શમીએ સાબિત કરવું પડશે કે તેની પાસે મેચ ફિટનેશ છે અને તે દિવસમાં ર૦થી રપ ઓવર ફેંકી શકે છે. શમી છેલ્લીવાર ભારત માટે વન-ડે વર્લ્ડ કપ ર૦ર૩માં રમ્યો હતો. ત્યારબાદથી તે ઈજાના કારણે ટીમની બહાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને ઝડપી બોલર હર્ષિત રાણાની પહેલીવાર ટેસ્ટ ટીમમાં પસંદગી થઈ છે જ્યારે કપ્તાન રોહિત શર્મા પર્સનલ કારણોસર પ્રથમ બે ટેસ્ટ મેચોમાંથી બહાર થઈ શકે છે. આ જ કારણથી બંગાળ ટીમના કપ્તાન અભિમન્યુ ઈશ્વરનને તક આપવામાં આવી છે.