(એજન્સી) તા.૨૬
પૂર્વી લેબેનોનના બાલબેક જિલ્લામાં મંગળવારે ઇઝરાયેલના ડ્રોન હુમલામાં બે લોકોનાં મોત થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. લેબેનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું કે, હવાઈ હુમલો પૂર્વી લેબેનોન પર્વતમાળા નજીક બાલબેક જિલ્લામાં જનતા શારા વિસ્તારમાં થયો હતો. ઇઝરાયેલી દળોએ લેબેનોન સાથે ૨૭ નવેમ્બરના યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું છે, જેમાં લેબેનીઝ સત્તાવાળાઓ દ્વારા ૧૦૩૩થી વધુ ઉલ્લંઘનો નોંધાયા છે, જેના પરિણામે ઓછામાં ઓછા ૮૧ મૃત્યુ અને ૨૭૯ ઘાયલ થયા છે. યુદ્ધવિરામ કરારથી ઇઝરાયેલ અને લેબેનીઝ પ્રતિકાર સમૂહ હિઝબુલ્લાહ વચ્ચેના મહિનાઓ સુધીના ક્રોસ બોર્ડર યુદ્ધનો અંત આવ્યો, જે સપ્ટેમ્બરમાં સંપૂર્ણ પાયે સંઘર્ષમાં ફાટી નીકળ્યો. યુદ્ધવિરામ કરાર હેઠળ ઇઝરાયેલને ૨૬ જાન્યુઆરી સુધીમાં દક્ષિણ લેબેનોનમાંથી સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાની હતી, પરંતુ ઇઝરાયેલે પાલન કરવાનો ઇન્કાર કર્યા પછી સમયમર્યાદા ૧૮ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી હતી. ઇઝરાયેલી દળોએ ગયા અઠવાડિયે દક્ષિણ લેબેનીઝ શહેરોમાંથી પીછેહઠ કરી હતી, પરંતુ પાંચ સરહદી ચોકીઓ પર લશ્કરી હાજરી જાળવી રાખી હતી.