યુદ્ધ વચ્ચે કોઈ પણ દેશ પેલેસ્ટીનીઓને ગાઝા પાછા મોકલશે નહીં : ઓસ્ટ્રેલિયા

(એજન્સી) અંકારા, તા.૫
ઓસ્ટ્રેલિયાના નવા નિયુક્ત ગૃહમંત્રી ટોની બર્કે રવિવારે પુષ્ટિ કરી હતી કે, કેનબેરા અસ્થાયી મુલાકાતી વિઝા પર પેલેસ્ટીનીઓને લાંબા સમય સુધી દેશમાં રહેવાની મંજૂરી કેવી રીતે આપવી તે અંગે વિચારણા કરી રહ્યું છે.
બર્કે જણાવ્યું કે, ૭ ઓકટોબરે ગાઝામાં યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે વિઝિટર વિઝા આપવાનું યોગ્ય હતું ‘પરંતુ હવે તે સમાપ્ત થવા જઈ રહ્યું છે.’ તેમણે પુષ્ટિ કરી હતી કે, સરકાર અસરગ્રસ્તો માટે ‘આગલા પગલાઓ’ પર વિચાર કરી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય હજુ લેવામાં આવ્યો નથી. તેથી તે વધુ માહિતી આપી શક્યા નહીં.
તેણે જણાવ્યું કે, ‘ચોક્કસપણે વિશ્વનો કોઈ પણ દેશ તેના લોકોને આ સમયે ગાઝા પાછા મોકલશે નહીં, વિશ્વનો કોઈ દેશ આવું કરશે નહીં; તેથી આપણે શું થશે તે અંગે કામ કરવું પડશે કારણ કે, જે લોકો પાસે હાલમાં વિઝા છે તેમની મુદ્દત લગભગ પૂર્ણ થઈ રહી છે.’ સરકાર ‘સેફ હેવન’ વિઝા અથવા અન્ય પ્રકારની કાયમી સુરક્ષા ઓફર કરવાનું વિચારી રહી છે કે કેમ તે અંગેના પ્રશ્નનો બર્કે જવાબ આપ્યો ન હતો. અસ્થાયી વિઝા ત્રણથી ૧૨ મહિના માટે માન્ય છે અને તેમના પ્રાપ્તકર્તાઓને કામ કરવા, શાળાએ જવા અથવા તબીબી સંભાળ મેળવવાની મંજૂરી આપતા નથી. સેફ હેવન વિઝા ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષ સુધી રહેવાની પરવાનગી આપે છે, જ્યારે પરમેનન્ટ પ્રોટેક્શન વિઝા અનિશ્ચિત સમય માટે રહેવાની મંજૂરી આપે છે. આ બંને વિઝા ધારકોને કેટલીક સરકારી સેવાઓ, જેમ કે મેડિકેર સુધી પહોંચવાની પણ મંજૂરી આપે છે. બર્કે જણાવ્યું કે, ‘ત્યાં થયેલી હત્યાઓને કારણે તેઓએ તેમના ઘણા પરિવાર અને મિત્રો ગુમાવ્યા છે અને તેઓ એવી પરિસ્થિતિમાં છે કે, જ્યાં તેઓ રહેતા હતા તે ઘણા ઘરો હવે ખંડેર હાલતમાં છે.’

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts