‘યુપી ભેજ દો, હમ ઉપચાર કરવા લેંગે’ : યુપીના CM યોગી આદિત્યનાથે ઔરંગઝેબના નિવેદન પર સમાજવાદી પાર્ટીના અબુ આઝમીની ટીકા કરી

(એજન્સી)                                                        નવી દિલ્હી, તા.૫
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી પર મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરતી તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર આકરા પ્રહારો કર્યા. તેમને પાર્ટીમાંથી હટાવવાની હાકલ કરતા આદિત્યનાથે કહ્યું કે, તે વ્યક્તિને સમાજવાદી પાર્ટીમાંથી કાઢી નાંખો અને તેને યુપી મોકલો, અમે તેનો ઉકેલ કરીશું. યુપીના મુખ્યમંત્રીએ આઝમીના દેશમાં રહેવાના અધિકાર પર વધુ પ્રશ્ન ઊઠાવતા કહ્યું કે, જે વ્યક્તિ છત્રપતિ શિવાજી મહારાજના વારસા વિશે શરમ અનુભવે છે અને ઔરંગઝેબને પોતાનો આદર્શ માને છે, શું તેને આપણા દેશમાં રહેવાનો અધિકાર છે ? સમાજવાદી પાર્ટીએ આનો જવાબ આપવો જોઈએ. સપાના મહારાષ્ટ્ર પ્રમુખ આઝમીએ દાવો કર્યો કે ઔરંગઝેબના શાસન હેઠળ ભારતનો વિકાસ થયો, જેનું શાસન અફઘાનિસ્તાન અને મ્યાનમાર સુધી વિસ્તર્યું હતું, તે પછી વિવાદ ઊભો થયો છે. તેમણે એમ પણ કહ્યું કે, ઔરંગઝેબે મંદિરો બનાવ્યા હતા અને ક્રૂર નેતા ન હતા. તેમની ટિપ્પણીથી વ્યાપક વિરોધ થયો છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ તેમના પર ‘રાજદ્રોહ’નો આરોપ લગાવ્યો છે. આઝમી સામે મુંબઈ અને થાણેના પોલીસ સ્ટેશનોમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની અનેક કલમો હેઠળ કેસ નોંધાયા છે. મુંબઈ ટ્રાન્સફર થયા પહેલા થાણેમાં ઝીરો એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. શિવસેનાએ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી છે, જેમાં આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવાની અને તેમની સામે રાજદ્રોહના આરોપો મૂકવાની માંગ કરવામાં આવી છે. પાર્ટીએ તેમના પર છત્રપતિ સંભાજી મહારાજના વારસાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેમને ઔરંગઝેબ દ્વારા ક્રૂર રીતે ત્રાસ આપવામાં આવ્યો હતો અને ફાંસી આપવામાં આવી હતી. વધતા દબાણ વચ્ચે આઝમીએ માફી માંગી પરંતુ કહ્યું કે, તેમની ટિપ્પણીઓ ઐતિહાસિક અહેવાલો પર આધારિત છે. મારા શબ્દોને તોડી-મોડી રજૂ કરવામાં આવ્યા છે. જો કોઈને મારા નિવેદનથી દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. જો કે, તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમની ટિપ્પણીઓનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજ અથવા સંભાજી મહારાજનો અનાદર કરવાનો ન હતો. માફી માંગવા છતાં આઝમીને બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભામાંથી બજેટ સત્રના અંત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts