યુરોપની સરહદો પર માનવાધિકારના ઉલ્લંઘન અંગેનો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોના ગઠબંધન દ્વારા જારી કરાયેલા રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૫માં યુરોપની સરહદો પર હજારો શરણાર્થીઓને ગેરકાયદેસર રીતે બળજબરીપૂર્વક પરત ધકેલી દેવામાં આવ્યા છે
(એજન્સી) તા.૨૫
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનો (જેમાં બ્રસેલ્સ સ્થિત ૧૧.૧૧.૧૧ સામેલ છે)ના અહેવાલ મુજબ, વર્ષ ૨૦૨૫માં યુરોપની બહારની સરહદો પર ઓછામાં ઓછા ૮૦,૮૬૫ ગેરકાયદેસર ‘પુશબેક’ના કિસ્સાઓ નોંધાયા છે. પુશબેકનો અર્થ એ છે કે, સ્થળાંતર કરનારા (Migrants)ને આશ્રયની પ્રક્રિયા પૂરી કર્યા વિના જ સરહદ પરથી બળજબરીપૂર્વક પરત કાઢી મૂકવા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ કોઈ છૂટીછવાઈ ઘટનાઓ નથી પરંતુ એક ‘વ્યવસ્થિત નીતિ’નો ભાગ છે. હિંસા અને અત્યાચારની દર્દનાક કહાનીઓ : આ અહેવાલમાં બાલકન રૂટ પરથી પસાર થતા એક ઇજિપ્તના યુવકની વ્યથા ટાંકવામાં આવી છે, જેણે જણાવ્યું હતું કે, તેને અને તેની સાથેના ૪૦ લોકોને (જેમાં ૧૨ સગીરો હતા) વહેલી સવારે ૩ વાગ્યે માર મારીને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા. બોસ્નિયા અને હર્ઝેગોવિનાની સરહદ પર તેમની પાસે રહેલી માલ-મિલકત લૂંટી લેવામાં આવી અને કપડાં પણ ઉતારી લેવામાં આવ્યા હતા. આ પ્રકારની પ્રથાઓ યુરોપિયન કાયદા અને સંયુક્ત રાષ્ટ્ર (UN)ના શરણાર્થી સંમેલનનું સીધું ઉલ્લંઘન છે, જે કોઈપણ વ્યક્તિની સુરક્ષાની જરૂરિયાતનું મૂલ્યાંકન કર્યા વિના તેને પરત મોકલવાની મનાઈ કરે છે.રિપોર્ટમાં ગ્રીસ અને બલ્ગેરિયા જેવા દેશોની સરહદો પર પણ આંગળી ચીંધવામાં આવી છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગ્રીક કોસ્ટ ગાર્ડ સાથે બોટ અથડાવવાના કારણે ૧૫ લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી હતી, જેમાં બચી ગયેલા લોકોએ દાવો કર્યો હતો કે, તેમની બોટને કિનારા સુધી પહોંચતા જાણીજોઈને રોકવામાં આવી હતી. ૧૧.૧૧.૧૧ના સ્થળાંતર નીતિ નિષ્ણાત ફ્લોર ડીડેને સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે યુરોપિયન સત્તાધીશો અન્ય દેશોના માનવાધિકાર ઉલ્લંઘન પર નજર રાખે છે, ત્યારે પોતાની જ સરહદો પર થતા અત્યાચાર, લૂંટ અને મૃત્યુ પર મૌન કેમ છે ?