અમદાવાદ, તા.૨૮
વિધાનસભાની ચૂંટણી નજીક આવી ત્યારે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી રહ્યો છે. એક તરફ કોંગ્રેસ મજબૂત રીતે આગળ વધી રહી છે ત્યારે ભાજપ માટે નવી-નવી મુસીબતો પેદા થઈ રહી છે. હાર્દિક, અલ્પેશ, જીજ્ઞેશના ભાજપ સામેના પ્રહારો બાદ હવે કારડિયા રાજપૂત સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે જંગ છેડી છે. જેના ભાગરૂપે શનિવારે રાજકોટમાં કારડિયા રાજપૂત સમાજે વિશાળ રેલી યોજી જીતુ વાઘાણીના પૂતળાને ફાંસી આપવામાં આવી હતી. રાજકોટમાં આજે શનિવારના રોજ નીકળેલી વિશાળ રેલીમાં જીતુ વાઘાણીના પૂતળાને પણ રાખવામાં આવ્યું અને રેલી બાદ રાજપૂત સમાજે જીતુ વાઘાણીના પૂતળાને જાહેરમાં ફાંસી આપી તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ભાવનગરના રાજપૂત આગેવાન દાનસંગભાઇ મોરી ઉપર કરવામાં આવેલા ખોટા કેસ પરત ખેંચવાની માગણી સાથે શરૂ થયેલા આંદોલનને નજર અંદાજ કરવાની ભાજપને ભૂલ ભારે પડી રહી છે. રાજપૂત સમાજે જીતુ વાઘાણી માફી માંગે તેવી માગણી પણ કરી હતી છતાં સત્તાના નશામાં રહેલા જીતુ વાઘાણી માફી માંગવાનો ઈન્કાર કર્યો હતો. તેમાં શુક્રવારના રોજ વઢવાણમાં પણ મોટી રેલી નીકળી હતી. આમ હવે આ આંદોલનમાં વિવિધ રાજપૂત સમાજ જોડાઈ રહ્યા છે. તા.૫મી નવેમ્બરના રોજ બાવળાના ભાયલા ખાતે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલન અને સંમલેનમાં એક અંદાજ પ્રમાણે પચાસ હજાર કરતા વધુ રાજપૂત સમાજના લોકો આ સંમેલનમાં આવશે.