કાઠમંડુ,તા.૧૫
અસલી અયોધ્યા મુદ્દે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીના વિવાદાસ્પદ નિવેદન બાદ હવે નેપાળના વિદેશમંત્રી તેનાથી બે ડગલાં આગળ નિકળી ગયા છે. એક તરફ નેપાળના વિદેશ મંત્રાલયે ઓલીના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી જે બાદ હવે વિદેશમંત્રી પ્રદીપ જ્ઞવાલીએ દાવો કર્યો છે કે, રામાયણ પર રિસર્ચ બાદ ઈતિહાસ બદલાઈ જશે. તેમણે કહ્યું કે, હજુ સુધી આપણે માત્ર વિશ્વાસના આધાર પર જ દરેક વાતો માનતા હતા. એક ઈન્ટરવ્યૂમાં જ્ઞવાલીએ કહ્યું કે, આપણને તે જ જણાવવામાં આવ્યું છે કે સીતાનો જન્મ જનકપુરમાં થયો અને રામનો જન્મ અયોધ્યામાં થયો પરંતુ જે દિવસથી અધ્યયથી નવા તથ્યો મળી જશે, રામાયણનો ઈતિહાસ બદલાઈ જશે. જે રીતે બુદ્ધને લઈને લેખિત ઈતિહાસ છે. તેવું રામાયણ સાથે નથી. તેમણે કહ્યું, રામાયણ સભ્યતાની પુરાતત્વિક અધ્યયનની પુષ્ટિ માટે હજુ પૂરતુ પ્રમાણ નથી. રામાયણમાં વર્ણિત સ્થાનોને લઈને બંન્ને દેશો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તેના સાંસ્કૃતિક ભૂગોળને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે. ઉલ્લેખનિય છે કે, નેપાળના વડાપ્રધાન ઓલીએ સોમવારે દાવો કર્યો હતો કે, વાસ્તવિક અયોધ્યા નેપાળમાં છે, ભારતમાં નથી. ભગવાન રામનો જન્મ દક્ષિણ નેપાળના થોરીમાં થયો હતો. નેપાળ સાંસ્કૃતિક અતિક્રમણનો શિકાર થયું છે અને તેના ઈતિહાસ સાથે ચેંડાં કરવામાં આવ્યાં છે.