રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મુદ્દે પ્રિયંક ખડગે પર ભાજપના સાંસદની ‘દલિત’ ટિપ્પણીની ડી. રાજા દ્વારા સખત નિંદા

(એજન્સી) તા.૨૦
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના મુખ્ય સચિવ ડી. રાજાએ કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેની દલિત ઓળખ અંગે ભાજપના સાંસદ રમેશ જીગાજીનાગીએ કરેલી ટિપ્પણીની સખત નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ ટિપ્પણીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપની “જ્ઞાતિવાદી માનસિકતા” અને બંધારણીય પ્રશ્નો પૂછવા સામેની તેમની દુશ્મનાવટને ખુલ્લી પાડી દીધી છે. સોશિયલ મીડિયા પર એક સંદેશામાં રાજાએ જણાવ્યું હતું કે, આ ટિપ્પણીઓ દર્શાવે છે કે સંઘ અને ભાજપના મનમાં દલિત સમુદાયો પ્રત્યે કેટલી ઊંડી નફરત છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ખડગેએ સોમવારે સંઘના વડા મોહન ભાગવતને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સંસ્થાને પોતાની નોંધણી કરાવવા, તેની કાનૂની સ્થિતિ સ્પષ્ટ કરવા અને તેની આવક, ખર્ચ, સંપત્તિ તેમજ નાણાકીય સ્ત્રોતો જાહેર કરવા જણાવ્યું હતું. ત્યારબાદ જીગાજીનાગીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખડગે, જેઓ “એક દલિત” છે, તેમણે સંઘ વિશે આવા પ્રશ્નો શા માટે પૂછવા જોઈએ? તેમણે એમ પણ કહ્યું કે જે કોઈ સંઘના રસ્તામાં આવ્યું છે, તે બચ્યું નથી. રાજાએ જણાવ્યું કે જીગાજીનાગીની આ ટિપ્પણી સમાનતાના બદલે જ્ઞાતિ આધારિત ઊંચ-નીચની વ્યવસ્થામાં માનતી માનસિકતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું, “આવા નિવેદનો દર્શાવે છે કે સંઘ એક એવી સામાજિક વ્યવસ્થા ઈચ્છે છે જેમાં દલિતો અને અન્ય વંચિતો સત્તા સામે પ્રશ્નો પૂછવાને બદલે શાંત રહે.” તેમણે પ્રશ્ન કર્યો કે દલિતો જ્યારે પોતાના બંધારણીય અધિકારોનો દાવો કરે છે ત્યારે સંઘ અને ભાજપ કેમ અસહજ થઈ જાય છે ? તેમણે આવી માનસિકતાને નકારી કાઢવા હાકલ કરી હતી. રાજાએ કહ્યું, “ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણના બળે અમે સંઘ-ભાજપને પ્રશ્નો પૂછવાનું અને જ્ઞાતિ પ્રથાના નિર્મૂલન માટે લડવાનું ચાલુ રાખીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks