રાહુલ મહેતાના માતા-પિતાએ અમેરિકામાં તેમના પહેલા સેમેસ્ટરનો ખર્ચ ઉઠાવવા માટે ૧૯૭૯માં સોનું અને ચાંદી વેચી નાખ્યું; આજે દાયકાઓ પછી, તેઓ 6 IITમાં ૮ શાળાઓને ભંડોળ પૂરૂં પાડે છે

 

માતા-પિતાએ ઘરેણાં વેચીને અમેરિકામાં અભ્યાસ માટે મોકલ્યો અને આજે તેઓ છ આઈઆઈટીમાં શિક્ષણની એક પહેલ ચલાવી રહ્યા છે, ૧૯૭૯માં પ્રથમ સત્રની ફી માટે પરિવારનું સોનું-ચાંદી વેચીને ભણનાર વ્યક્તિએ ચાર કંપનીઓ ઊભી કરી અને અબજોની સંપત્તિ બનાવ્યા બાદ રાહુલ મહેતાએ શિક્ષણને જીવનનું મિશન બનાવ્યું છે

 

(એજન્સી) તા.૫
સફળતાની દોડમાં એક તબક્કે પહોંચ્યા બાદ માણસ શું કરે છે ? તે વધુ સંપત્તિ ભેગી કરે છે, મોટી કંપની ઊભી કરે છે કે વૈભવી જીવન જીવે છે ? ઉદ્યોગસાહસિક રાહુલ મહેતાએ આ સવાલનો જવાબ સાવ અલગ રીતે આપ્યો અને તેમણે શિક્ષણમાં રોકાણ કરીને પોતાના જીવનનું ધ્યેય અલગ જ બનાવ્યું છે. આજે તેઓ છ આઈઆઈટીમાં અનેક શૈક્ષણિક પહેલોને સહયોગ આપી રહ્યા છે. પરંતુ તેમની આ સફરની શરૂઆત વૈભવથી નહીં, એક સંઘર્ષથી થઈ હતી. ૧૯૭૯માં ૧૭ વર્ષના રાહુલને અમેરિકામાં ભણવા મોકલવા માટે તેમના માતા-પિતાએ પોતાનું સોનું અને ચાંદી વેચી નાખ્યું હતું. મુંબઈના નિમ્ન-મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા રાહુલ પાસે અમેરિકા પહોંચ્યા ત્યારે માત્ર એક સત્ર જેટલા અભ્યાસ માટે પૂરતા પૈસા હતા. ત્યારબાદ તેમણે તરત જ કેમ્પસમાં કામ શરૂ કર્યું હતું. પૈસાની તંગી એવી હતી કે ભોજન પણ પડકાર બની જતું હતું. સસ્તી પિઝા ખાઈને દિવસો પસાર કર્યા હોવાની યાદ મહેતા આજે પણ કરે છે. પરંતુ એ જ સંઘર્ષે તેમના જીવનની દિશા નક્કી કરી હતી. આજે તેઓએ ચાર કંપનીઓ ઊભી કરી છે. અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મહેતાએ મોટી કંપનીમાં નોકરી કરવાને બદલે પોતાનો ટેક્‌નોલોજી વ્યવસાય શરૂ કર્યો. તેમની પ્રથમ કંપનીએ ઓરેકલ અને એસએએસ જેવી પ્રણાલીઓ વચ્ચે જોડાણ સ્થાપિત કરતું સોફ્ટવેર બનાવ્યું. આ કંપનીમાં સંખ્યા લગભગ ૮૦ કર્મચારીઓ સુધી પહોંચી. મહેતાએ બહારની સાહસ મૂડી કે મોટા દેવા પર આધાર રાખવાને બદલે પોતાનાં સાધનો વડે કંપની વિકસાવી. ૧૯૯૬ માં તેમણે કંપની વેચી દીધી હતી. પરંતુ તેઓ ત્યાં અટક્યા નહીં. તેમણે એક પછી એક નવી કંપનીઓ ઊભી કરી અને અંતે ચાર કંપનીઓ સફળતાપૂર્વક વેચી નાખી. તેમની કંપનીઓ એચપી, વેરિટાસ અને બ્રોકેડ જેવી મોટી ટેકનોલોજી કંપનીઓ સુધી પહોંચી હતી. ૨૦૦૬ સુધીમાં મહેતાને લાગ્યું કે હવે તેમની પાસે જીવન માટે જરૂરી કરતાં વધુ સંપત્તિ છે. ત્યાંથી તેમની સફળતાની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી. તેમના મતે સંપત્તિ એક ચોક્કસ મર્યાદા બાદ વધારવામાં ખાસ અર્થ રહેતો નથી. વ્યક્તિ એક સમયે સમજવા લાગે છે કે તે પોતાની બધી સંપત્તિ ખર્ચી પણ શકશે નહીં. ત્યારે સૌથી કિંમતી વસ્તુ પૈસા નહીં, સમય હોય છે. મહેતાની પરોપકારની વિચારસરણી ત્રણ શબ્દોમાં છે – સમય, પ્રતિભા અને સંપત્તિ. તેમના મતે સમાજસેવા માત્ર મોટી રકમ દાનમાં આપવાનું નામ નથી. જે લોકો પાસે પૈસા ઓછા હોય તેઓ પણ પોતાનો સમય, જ્ઞાન અને કુશળતા આપી મોટું યોગદાન આપી શકે છે. ભારત પરત ફર્યા બાદ મહેતાએ પોતાનું ધ્યાન દેશની બૌદ્ધિક મૂડી મજબૂત કરવા પર કેન્દ્રિત કર્યું હતું. આઈઆઈટી મદ્રાસની મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાઓ બાદ તેમના માતા-પિતા ભૂપત અને જ્યોતિ મહેતાના નામે બાયોસાયન્સ અને બાયોએન્જિનિયરિંગની શૈક્ષણિક સંસ્થા ઊભી કરવામાં સહયોગ મળ્યો હતો.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts