રોહિત શર્મા સહિત ચાર ખેલાડીઓ ખેલરત્ન માટે નોમિનેટ કરાયા

નવી દિલ્હી, તા.૧૮
ક્રિકેટર રોહિત શર્મા અને પહેલવાન વિનેશ ફોગાટ સહિત ચાર ખેલાડીઓની એવોર્ડ પસંદગી સમિતિએ રાજીવ ગાંધી ખેલરત્ન માટે પસંદગી કરી છે. જો રોહિત આ એવોર્ડ મેળવશે તો તે આ સન્માન મેળવનાર ચોથો ક્રિકેટર હશે. તેના પહેલા સચિન તેન્ડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી આ સન્માન મેળવી ચૂક્યા છે. દેશમાં રમતોના ક્ષેત્રમાં અપાતા આ સર્વોચ્ચ સન્માન માટે રોહિત અને વિનેશ ફોગાટ ઉપરાંત ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રા, પૈરાલિમ્પિયન મહિયપ્પન થાંગાવેલુના નામની પણ ભલામણ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પુરસ્કાર સમિતિની મંગળવારે રાજધાનીમાં બેઠક થઈ હતી. જેમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ચાર ખેલાડીઓના નામની ભલામણ કરવામાં આવી. રોહિતે ર૦૧૯ વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કરતા ૬૪૮ રન બનાવ્યા હતા. જ્યારે વિનેશ એકમાત્ર ભારતીય મહિલા પહેલવાન છે. જેણે ટોક્યો ઓલિમ્પિક ર૦ર૧ માટે ક્વોલિફાઈ કર્યું છે. વિનેશ ર૦૧૯ વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં રજતચંદ્રક જીતી ચૂકી છે. મહિલા ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રાએ ર૦૧૮ ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં બે સુવર્ણચંદ્રક જીત્યા હતા. આ ઉપરાંત તે ર૦૧૮ એશિયન ગેમ્સમાં પણ કાંસ્યચંદ્રક જીતી ચૂકી છે. જો કે તેને હજી ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરવાનું બાકી છે. પેરાલિમ્પિક ખેલાડી મરિયપ્પને વિશ્વ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશીપમાં કાંસ્યચંદ્રક જીતીને આગામી વર્ષે યોજાનાર ટોક્યો પેરાલિમ્પિક રમતો માટે ક્વોલિફાઈ કર્યું છે. ખેલરત્ન ઉપરાંત સમિતિ દ્રોણાચાર્ય એવોર્ડ, એર્જુન એવોર્ડ, ધ્યાનચંદ્ર એવોર્ડ, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન એવોર્ડ તથા મૌલાના અબુલકલામ આઝાદ ટ્રોફીના નામોની પણ જાહેરાત કરશે. આ એવોર્ડ દર વર્ષે ર૯ ઓગસ્ટે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ આપે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts