આર્કટિક ખંડમાં આવેલા આ પ્રદેશનો કબજો લઈ લેવાની અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કોશિશોને લઈને ગ્રીનલેન્ડના નેતાઓ ડેનમાર્કના રાજાને મળવા દોડી રહ્યા છે
(એજન્સી) કોપનહેગન, તા.૯
અમેરિકાના નવા ચૂંટાયેલા અને થોડા સમયમાં હોદ્દા પર બેસનારા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું છે હું આર્કટિક ખંડમાં આવેલા ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ ગ્રીનલેન્ડનો કબજો લેવા માંગું છું. ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત પછી ગ્રીનલેન્ડના નેતાઓ બુધવારે કોપરહેગન જઈને ડેનમાર્કના રાજાને મળ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીના રોજ પ્રમુખ પદનો હોદ્દો સંભાળી રહ્યા છે. એમણે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડને અમેરિકાનો ભાગ બનાવી દેવા માટે ડેનમાર્ક સામે આર્થિક નિયંત્રણો અથવા તો લશ્કરનો પણ ઉપયોગ થઈ શકે છે એવું નકારી કાઢતો નથી. જે દિવસે અમેરિકા પ્રમુખે આ ધમકી આપી એ જ દિવસે એમના જયેષ્ઠ પુત્ર ડોનાલ્ડ જુનિયરે ખાણ ખનીજ સમૃદ્ધિથી ભરાયેલા આ ટાપુની ખાનગી મુલાકાત લીધી હતી. ડેનમાર્કની રાજધાની દોડી ગયેલા ગ્રીનલેન્ડના વડાપ્રધાન મોટે એકીડેએ જણાવ્યું હતું કે ડેનમાર્કના રાજવી સાથેની મુલાકાત તો થઈ છે પણ ગમે ત્યારે બીજી વાર મુલાકાત થઈ શકે છે.
૫૭૦૦૦ની વસ્તી ધરાવતું ગ્રીનલેન્ડ લગભગ ૬૦૦ વર્ષથી ડેનમાર્કનો ભાગ રહ્યું છે અને તેનો મોટાભાગનો વહીવટ હવે ડેનમાર્ક જ સંભાળે છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાને વળતી ચીમકી આપી હતી કે આ ટાપુ વેચાણ માટે નથી. ડેનમાર્ક દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું હતું કે આ વિસ્તાર વેચવા માટે મુકાયો નથી અને એ વિસ્તારનું ભાવી ગ્રીનલેન્ડની પ્રજા જ નક્કી કરશે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ રીતે ગ્રીનલેન્ડ મેળવવા માંગે છે.