(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર
કોરોનાની મહામારીને પગલે લોકડાઉન દરમિયાન બંધ કરાયેલા અનેક ધંધા-રોજગાર, વ્યવસાય વગેરે અનલોક-૧ અને અનલોક-ર દરમિયાન ખૂલ્લા મૂકવામાં આવ્યા છે. રાજ્યના અનેક શાકમાર્કેટ, ફુટ માર્કેટ કે અનાજ બજાર લોકડાઉન દરમિયાન પણ થોડા ઘણા અંશે ખુલ્લા રહ્યા હતા. પરંતુ જમાલપુર ખાતે આવેલ એપીએમસી સંચાલિત શાકમાર્કેટ રાજકીય કારણસર હજી સુધી ચાલુ ન કરાતા વેપારીઓ, કમિશન એજન્ટો અને ખેડૂતોમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. પરિણામે ખેડૂતોએ આજે માર્કેટમાં પરાણે શાકભાજી ઠાલવવાનો પ્રત્યન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. કોરોનાની મહામારી બાદ લદાયેલા લોકડાઉનનું કારણ આગળ ધરી જમાલપુર શાકમાર્કેટ હજી સુધી શરૂ ન કરાતા ખેડૂતો, વેપારીઓ અને કમિશન એજન્ટો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જમાલપુર માર્કેટ છેલ્લા ચાર માસથી બંધ છે. કોરોના વાયરસને લીધે જમાલપુર વિસ્તાર કન્ટેનમેન્ટ વિસ્તારમાં મૂકાયો હોવાથી માર્કેટ બંધ કરાય તે સમજી શકાય પરંતુ જમાલપુર કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી મુક્ત થયાને પણ બે મહિના થવા આવ્યા છતાં હજી સુધી કયા કારણથી માર્કેટ શરૂ કરાતું નથી તે ગંભીર પ્રશ્ન છે. જમાલપુર શાકમાર્કેટ જેતલપુર ખાતે ટ્રાન્સફર કરાયા બાદ જેતલપુરના વેપારીઓએ પણ જમાલપુરના વેપારીઓને ૧ જુલાઈથી જેતલપુર માર્કેટમાં પ્રવેશ આપવાનો ઈન્કાર કરી દેતાં વેપારીઓ માર્કેટ બહાર ધંધો કરતા હતા પરંતુ હવે ત્યાંથી પણ ધંધો કરવાની ના પાડી દેવાતા વેપારીઓ અને ખેડૂતોમાં ઉશ્કેરાટ ફેલાયો હતો.
દરમિયાન આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો શાકભાજી લઈ જમાલપુર શાકમાર્કેટ પહોંચ્યા હતા ઉપરાંત વેપારીઓ અને કમિશન એજન્ટો પણ એકઠા થયા હતા અને કામકાજ શરૂ કરવાની તૈયારી કરી હતી. આથી માર્કેટના સિક્યુરિટી સ્ટાફે દરવાજાને તાળાબંધી કરી હતી. જેનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે તુરંત જ ઘટના સ્થળે પહોંચી માર્કેટની અંદર પ્રવેશી ગયેલી ગાડીઓને બહાર કાઢી વેપારીઓ, મજૂરો, કમિશન એજન્ટો અને ખેડૂતોને પણ બહાર મોકલી દીધા હતા. આમ હાલ તો મામલો શાંત પડ્યો છે પરંતુ આગામી દિવસમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.