‘લોકો અનેક રીતે મૃત્યુ પામી રહ્યા છે’ : ગાઝામાં તંબુમાં લાગેલી આગમાં બે બાળકીઓનાં મોત

 

(એજન્સી) તા.૧
એનાદોલુના અહેવાલ મુજબ શનિવારે હબીબાને બે મહિનાની ઉંમરે અપાતી રસીઓ મળવાની હતી પરંતુ તે પહેલાં જ દક્ષિણ ગાઝા પટ્ટીમાં જ્યાં તેમના સંબંધીઓ એકઠા થયા હતા તે તંબુમાં આગ લાગી ગઈ, જેમાં હબીબા અને સાત મહિનાની અસીલનું મૃત્યુ થયું. ખાન યુનિસની પશ્ચિમે આવેલા અલ-મવાસી વિસ્તારમાં, શુક્રવારે બપોરે જ્યારે આગ ફાટી નીકળી, ત્યારે આ પરિવારોએ બંને બાળકીઓને બચાવવા માટે ભારે મથામણ કરી હતી. બંને બાળકીઓ ગંભીર રીતે દાઝી ગઈ હતી અને તેમને સઘન સારવાર વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. શનિવારે સવારે તેમનું અવસાન થયું. નાસર મેડિકલ કોમ્પ્લેક્સના જણાવ્યા અનુસાર મૃતક બાળકીઓમાં બે મહિનાની હબીબા મોહમ્મદ ઝાનુન અને સાત મહિનાની અસીલ અબુ સુહૈબાનનો સમાવેશ થાય છે. સૂત્રોએ એનાદોલુને જણાવ્યું કે, તંબુની અંદર રસોઈ બનાવતી વખતે આગ લાગી હતી. ઈઝરાયેલ દ્વારા લાદવામાં આવેલા નાકાબંધીને કારણે રસોઈ ગેસ અને અન્ય પાયાની વસ્તુઓની ભારે અછત સર્જાઈ છે, જેના કારણે વિસ્થાપિત પરિવારોએ ખુલ્લી જ્વાળાઓ પર રસોઈ બનાવવી પડે છે.‘આ બધું અમારી સાથે જ કેમ થઈ રહ્યું છે ?’ : બાળકીઓની દાદીએ (જેમણે પોતાનું નામ આપ્યું નથી) એનાદોલુને જણાવ્યું કે, તેમની પુત્રી પરિવારને મળવા તંબુમાં આવી હતી ત્યારે જ અચાનક આગ લાગી ગઈ. તેમણે કહ્યું કે, હબીબા તેમની પુત્રીની દીકરી હતી. જે દિવસે તેને બે મહિનાની રસી મળવાની હતી, તે જ દિવસે તેનું મૃત્યુ થયું. અસીલની માતાએ પોતાની દીકરીને બચાવવાનો પ્રયાસ કર્યો, જેમાં તે પોતે પણ દાઝી ગઈ. તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દાદીએ જણાવ્યું કે, બંને બાળકીઓ તેમની ગંભીર ઈજાઓ સહન કરી શકી નહીં. તેમણે પ્રશ્ન કર્યો, ‘આ બધું અમારી સાથે જ કેમ થઈ રહ્યું છે ? દરરોજ અકસ્માતો, બોમ્બમારા અને આગની ઘટનાઓ બની રહી છે અને લોકો અનેક રીતે મૃત્યુ પામી રહ્યા છે.’ ‘ત્રણ વર્ષથી અમે આ રીતે જીવી રહ્યા છીએ – વિસ્થાપન, વેદના અને પીડાની વચ્ચે.’સુરક્ષિત વિકલ્પોના અભાવે રસોઈ બનાવવી : સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે ગાઝાના મધ્ય અને દક્ષિણ ભાગોમાં વિસ્થાપિતોના તંબુઓમાં લાગેલી આગની ત્રણ ઘટનાઓ સામે આવી છે. રસોઈ માટેના ગેસની અછતને કારણે, પરિવારોએ ભોજન તૈયાર કરવા માટે કામચલાઉ ચૂલા કે આગનો સહારો લેવો પડે છે. જલ્દી આગ પકડી લે તેવી સામગ્રીમાંથી બનાવેલા અને ગીચતા ધરાવતા આ આશ્રયસ્થાનોમાં, રોજિંદી જરૂરિયાત પૂરી કરવાની પ્રક્રિયા પણ જીવ માટે જોખમ બની શકે છે. સંયુક્ત રાષ્ટ્રના માનવીય બાબતોના સંકલન કાર્યાલયએ જૂન મહિનામાં ચેતવણી આપી હતી કે, વિસ્થાપિતોના તંબુઓની અંદર રસોઈ બનાવવી એ આગ લાગવાનું એક મુખ્ય કારણ છે. સંસ્થાએ જણાવ્યું કે, આશ્રયસ્થાનોને મજબૂત કરવા માટે વપરાતા ધાબળા, જૂના કાપડ, કાર્ડબોર્ડ અને પ્લાસ્ટિકના પડને કારણે આગ ઝડપથી ફેલાય છે અને તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની જાય છે. હવામાન સામે નહિવત રક્ષણ આપતા અને જર્જરિત થઈ રહેલા તંબુઓમાં રહેતા પરિવારો માટે આગ એ અનેક જોખમો પૈકીનું એક છે.ર્ ંઝ્રૐછએ એમ પણ જણાવ્યું કે, ઇઝરાયેલી સત્તાવાળાઓએ ૨૬ ઓગસ્ટ અને ૨ સપ્ટેમ્બરના રોજ ઇજિપ્તના માર્ગે આવતા એક મંજૂર થયેલા જથ્થાને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો હતો. આ જથ્થામાં લાકડાના ૩૬,૯૬૦ ટુકડા અને કટોકટીના સમયે આશ્રય માટેની ૬૬૦ કિટ્‌સ સામેલ હતી. ગાઝાની સરકારી મીડિયા કચેરીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે ૮,૦૦,૦૦૦થી વધુ વિસ્થાપિત પેલેસ્ટિનિયનો એવા તંબુઓમાં રહે છે જે માનવ વસવાટ માટે યોગ્ય નથી. તેમના અંદાજ મુજબ ગાઝામાં આવેલા ૨,૭૦,૦૦૦ તંબુઓમાંથી ૧,૬૨,૦૦૦ તંબુઓને તાત્કાલિક બદલવાની જરૂર છે. પોતાના બે પૌત્ર-પૌત્રીઓને ગુમાવનાર એક દાદીએ વિશ્વ સમક્ષ અપીલ કરી છે કે, તેઓ ગાઝાના વિસ્થાપિત પરિવારો પર ધ્યાન આપે અને તેમની પીડાનો અંત લાવવામાં મદદ કરે.

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks