અલગ અલગ બંડખોર જૂથો વચ્ચે આંતરિક રાજકીય સંવાદ અને એકતા સિદ્ધ કરવાના ઈરાદા સાથે ચર્ચા વિચારણા થવાની શક્યતા અને એ મુદ્દા પર જ વાટાઘાટો કેન્દ્રિત રહેશે
(એજન્સી) દમાસ્કસ, તા.૧૩
સીરિયાના પ્રમુખ બસર અલ અસદની સરકારને ઉથલાવી નાખીને દેશ પર કબજો મેળવી ચૂકેલા બંડખોર વિદ્રોહી જૂથના નેતાઓ સાથે વાટાઘાટો કરવા માટે તુર્કી અને કતારના સિનિયર અધિકારીઓ દમાસ્કસ પહોંચી ચૂક્યા છે. તેમ સીરિયાની વચગાળાની સરકારના માહિતી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તુર્કીના ડેલીગેશનની આગેવાની વિદેશમંત્રી હાકાન ફિદાને લીધી છે. જ્યારે કતારી ડેલીગેશનની આગેવાની દેશના સિક્યુરિટી સર્વિસના વડા ખલફાન બિન અલી બિનખલફાન અલબેત્તીએ લીધી છે. તેઓ વિદ્રોહી જૂથના અને વચગાળાની સરકારના વડા તથા વડાપ્રધાન મોહમ્મદ અલ બશર સાથે વાટાઘાટો કરી રહ્યા છે. જેમાં અલગ અલગ બંડખોર જૂથો વચ્ચે રાજકીય સંવાદ સ્થાપિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને એ મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. બંને દેશોએ સત્તાવાર રીતે આ ચર્ચા અંગે જાહેરાત કરી નથી પણ સૂત્રો કહે છે કે તુર્કી દમાસ્કસ ખાતે બંધ કરેલી પોતાની એલચી કચેરી ફરી ખોલવા માંગે છે અને એ મુજબ પરિસ્થિતિ થાય એટલે તરત જ આવશે. અત્યારે વિદ્રોહી સરકારે સીરિયાના બંધારણ અને સંસદને ત્રણ મહિના માટે સ્થગિત કરી દીધા છે તેમ વિદ્રોહી જૂથના સમાચાર વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.