નવી દિલ્હી, તા.૧૬
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ૫૦ કિ.ગ્રા. સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચી દીધો પણ ૨૯ વર્ષીય પહેલવાનને ફાઇનલની સવારે અયોગ્ય જાહેર કરી દેવાઈ. ઓલિમ્પિક સિલ્વર મેડલ પ્રાપ્ત કરવાની તેની આશા બુધવારે ત્યારે ધરાશાયી થઈ ગઈ જ્યારે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સે ફાઇનલમાં અયોગ્ય જાહેર કરવા વિરુદ્ધ ફોગાટની અપીલને ફગાવી દીધી. પેરિસ ગેમ્સમાં વિનેશ ફોગાટના કોચ વોલર અકોસે સોશિયલ મીડિયા પર આ ભારતીય પહેલવાનની સાથે પરદા પાછળ થયેલા ગેરવર્તનનો ખુલાસો કર્યો છે. હંગેરીના કોચે જો કે, ફેસબૂક પોસ્ટને બાદમાં હટાવી દીધી છે. અકોસે લખ્યું કે, સેમિફાઇનલ બાદ ૨.૭ કિલોગ્રામ વધારે વજન હતું, કોઈ વિકલ્પ હતો નહીં. અડધી રાતથી સવારે ૫ઃ૩૦ વાગ્યા સુધી તેણે અલગ-અલગ કાર્ડિયો મશીનો પર સતત મહેનત કરી ફક્ત બે-ત્રણ મિનિટનો આરામ કર્યો હતો. એકવાર તો તે પડી ગઈ હતી પણ અમે તેને ઊઠાવી અને તેણે સોનામાં એક કલાક વિતાવ્યો. હું જાણી જોઈને મામલાને નાટકીય અંદાજમાં લખી રહ્યો નથી પણ મને ફક્ત એ વિચારવાનું યાદ છે કે, તે મરી શકતી હતી. તેમણે આગળ લખ્યું, તે રાત્રે હોસ્પિટલથી પરત ફરતા અમારી એક રસપ્રદ વાતચીત થઈ. વિનેશે કહ્યું કે, કોચ દુઃખી ના થાવ, કારણ કે, તમે મને જણાવ્યું હતું કે, જો હું મુશ્કેલ સ્થિતિમાં છું તો મારે એ વિચારવું જોઈએ કે મેં વિશ્વની સર્વશ્રેષ્ઠ મહિલા પહેલવાન (જાપાનની યુઇ સુસાકી)ને હરાવી દીધી છે. મેં પોતાનું લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું છે. મેં સાબિત કરી દીધું કે, હું વિશ્વની સર્વશ્રેષ્ઠ પહેલવાનોમાંથી એક ૬ મેડલ નહીં મળવો, પ્રદર્શનને છીનવી ના શકે. તેમણે લખ્યું કે, વિનેશે સાક્ષી અને બજરંગને અનુરોધ કર્યો હતો કે, તે પોતાની મહેનતથી મેળવેલ ઓલિમ્પિક મેડલ નદીમાં ના ફેંકે. તેણે તેમને વિનંતી કરી કે, તેને પોતાની પાસે રાખે કારણ કે, તે વિશેષ હતા.