વેલિંગ્ટન ટેસ્ટમાં સારા મિત્ર સિરાજને ટીમમાંથી બહાર રાખવા અંગે શુભમન ગિલે મૌન તોડ્યું

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ ભારત, પ્રથમ ટેસ્ટ : વેલિંગ્ટન ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના નિર્ણયનો શુભમન ગિલે બચાવ કર્યો છે. તેમણે સ્વીકાર્યું કે પોતાના સારા મિત્રને એ જણાવવું મુશ્કેલ હતું કે તે ટીમમાં રમી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે, ટીમ પસંદગીના આ નિર્ણયની પૂર્વ ક્રિકેટરો દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી

 

તા.૨૩
ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે સોમવારે વેલિંગ્ટનમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયનો બચાવ કર્યો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, જો આ ઝડપી બોલર (સિરાજ) ટીમમાં હોત તો પણ મેચના પરિણામમાં કોઇ ફરક પડ્યો ન હોત. ગિલે સ્વીકાર્યું કે પોતાના સારા મિત્ર સિરાજને આ નિર્ણય વિશે જણાવવું ખૂબ જ મુશ્કેલ હતું. ન્યુઝીલેન્ડમાં પોતાનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર (૭૨૦/૯ ડિકલેર્ડ) નોંધાવ્યા બાદ અને પ્રથમ દાવમાં ૩૫૨ રનની લીડ મેળવ્યા પછી ભારત પાસે ટેસ્ટ મેચ જીતવાની સુવર્ણ તક હતી પરંતુ તેઓ તે ચૂકી ગયા. ભારતીય બોલરોએ ન્યુઝીલેન્ડના પ્રથમ દાવમાં શરૂઆતમાં જ વિકેટો ઝડપી હતી; જસપ્રીત બુમરાહે ચાર વિકેટ લઇને બોલિંગ આક્રમણનું નેતૃત્ત્વ કર્યું હતું અને યજમાન ટીમને ૩૬૮ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારબાદ ભારતે મોટા પ્રમાણમાં રન બનાવ્યા, જેમાં કે.એલ. રાહુલ અને રિષભ પંતે સદી ફટકારી, જ્યારે યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ અને ગિલે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું. ગિલની ટીમે ચાર સેશન બાકી હતા ત્યારે દાવ ડિકલેર કર્યો, જેથી તેમની પાસે જીત માટે પ્રયાસ કરવા માટે પૂરતો સમય હતો. જો કે, ન્યુઝીલેન્ડે પોતાની બીજી ઇનિંગમાં મજબૂત મનોબળ દર્શાવ્યું. અંતિમ દિવસે ડેરીલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સે સંઘર્ષ કર્યો અને યજમાન ટીમને ભારતીય બોલિંગ આક્રમણ સામે ટકી રહેવામાં મદદ કરી. ન્યુઝીલેન્ડે ૧૨૦ ઓવર બેટિંગ કરીને ૫ વિકેટે ૨૩૯ રન બનાવ્યા અને આ સાથે જ બંને ટીમો વચ્ચેની મેચ ડ્રોમાં પરિણમી. જ્યારે ગિલને પૂછવામાં આવ્યું કે શું સિરાજ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવાથી પરિણામમાં કોઇ ફરક પડી શક્યો હોત, ત્યારે ગિલે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો. “મને નથી લાગતું,” તેમણે કહ્યું. શ્રેણીની પ્રથમ મેચ માટેની પ્લેઇંગ ઇલેવન (અંતિમ અગિયાર ખેલાડીઓ)માંથી સિરાજ અને જાડેજાને બહાર રાખવાને લઇને ઘણા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. ભારતે વોશિંગ્ટન સુંદરને પસંદ કર્યો હતો; ન્યુઝીલેન્ડની ટીમમાં ડાબોડી બેટ્‌સમેનોની સંખ્યા વધુ હોવાથી ઓફ-સ્પિનર સુંદરને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. જો કે, SENA(દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોની પરિસ્થિતિઓમાં સિરાજના પ્રદર્શનને જોતા, તેમને ટીમમાંથી બહાર રાખવા તે ખાસ કરીને આશ્ચર્યજનક હતું. હૈદરાબાદના આ ઝડપી બોલરે ગયા વર્ષે ઇંગ્લેન્ડમાં રમાયેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં (જે ૨-૨થી ડ્રો રહી હતી) ભારત માટે સૌથી વધુ ૨૩ વિકેટ ઝડપી હતી. લાંબા સ્પેલ ફેંકવાની અને વિદેશી પરિસ્થિતિઓમાં પણ સતત દબાણ જાળવી રાખવાની તેમની ક્ષમતાએ તેમને ભારતીય ટેસ્ટ બોલિંગ આક્રમણનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બનાવી દીધા છે. ગિલે સિરાજની ક્ષમતા સ્વીકારી પરંતુ ભારપૂર્વક કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે જે ફોર્મ અને ટીમ કોમ્બિનેશન (રચના) ઇચ્છ્યું હતું, તેના આધારે જ આ પસંદગી કરવામાં આવી હતી. ગિલે કહ્યું, “સિરાજ એક શ્રેષ્ઠ ખેલાડી અને શાનદાર બોલર છે, જેણે ભારત માટે ખૂબ સારૂં પ્રદર્શન કર્યું છે. આ બધા ઉપરાંત તે મારો સારો મિત્ર પણ છે. તેને ટીમમાંથી બહાર રાખવો એ મારા માટે પણ ખૂબ મુશ્કેલ નિર્ણય હતો. પરંતુ તમારે એ જોવું પડે છે કે કયા બોલરો હાલમાં સારા ફોર્મમાં છે.” ગિલે જણાવ્યું કે, મેચ પહેલા જ સિરાજને આ નિર્ણય વિશે જણાવી દેવામાં આવ્યું હતું.

 

 

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks