વીરપુરમાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ મુસ્લિમ દીકરીનું કન્યાદાન હિન્દુ ભાઈએ કર્યું

લીમરવાડાથી ૧૦૦થી વધુ લોકો મામેરૂં લઈને વીરપુર મુસ્લિમ પરિવારના ત્યાં પહોંચ્યા

(સંવાદદાતા દ્વારા)
વીરપુર, તા.૧૨
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં હિન્દુ-મુસ્લિમ કોમી એકતાનું હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ઉદાહરણ જોવા મળ્યું છે. વીરપુરના શેખ ઈકબાલભાઈની દીકરી આસીફાના આજે યોજાયેલા નીકાહ પ્રસંગે લીમરવાડા ગામના દિગ્વિજયસિંહ રાઠોડે ભાઈ તરીકે કન્યાદાન કરી સમાજને એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. માહિતી અનુસાર, આસીફા અને દિગ્વિજયસિંહ વચ્ચે વર્ષોથી ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ છે. આસીફા દર વર્ષે રક્ષાબંધનના તહેવારે દિગ્વિજયસિંહને રાખડી બાંધતી હતી. આ અનોખા સંબંધને આજે વધુ મજબૂતી મળી જ્યારે દિગ્વિજયસિંહે પોતાની બહેનના લગ્ન પ્રસંગે તમામ જવાબદારીઓ નિભાવી કન્યાદાન કર્યું.લગ્ન પ્રસંગે લીમરવાડા ગામથી અંદાજે ૧૦૦ જેટલા લોકો મામેરૂં લઈને વીરપુર પહોંચ્યા હતા. મુસ્લિમ પરિવારે મામેરાનું સ્વાગત કર્યું હતું. નીકાહ પ્રસંગમાં બંને સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ભાઈચારા અને સૌહાર્દનું વાતાવરણ જોવા મળ્યું હતું. દિગ્વિજયસિંહ રાઠોડે પોતાની બહેન આસીફાને સોનાની વીંટી, ચાંદીના છળા, તિજોરી, ડ્રેસિંગ ટેબલ, રસોડાનો સામાન તેમજ પરિવારના સભ્યો માટે કપડાં સહિતની વિવિધ ભેટવસ્તુઓ અર્પણ કરી હતી. આ પ્રસંગે બંને પરિવારો વચ્ચે લાગણી, પ્રેમ અને પરસ્પર સન્માનના દૃશ્યો જોવા મળ્યા હતા. વીરપુરમાં યોજાયેલો આ પ્રસંગ માત્ર એક લગ્ન સમારોહ નહીં, પરંતુ હિન્દુ-મુસ્લિમ એકતા, ભાઈચારા અને સામાજિક સૌહાર્દનું જીવંત ઉદાહરણ બની સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.દિગ્વિજયસિંહ રાઠોડે જણાવ્યું કે, માનવતા, પ્રેમ અને ભાઈચારો કોઈ એક ધર્મ કે સમાજની સીમામાં બંધાયેલા નથી. આસીફા વર્ષોથી મને રાખડી બાંધતી હોવાથી મે સગી બહેન સમાન માની છે. પરિવાર અને વડીલોએ આપેલા સંસ્કારો તેમજ સર્વધર્મ સમભાવની ભાવનાએ તેમને આ કાર્ય માટે પ્રેરિત કર્યા હતા. સમાજમાં પ્રેમ, ભાઈચારો અને કોમી એકતાનો સંદેશ ફેલાય તે જ તેમની સૌથી મોટી લાગણી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts