વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં એક નવી ડોક્યુમેન્ટરીમાં ઇઝરાયેલી લશ્કરી સૂત્રોએ ગાઝામાં આયોજિત હત્યાઓ વિશે વિગતો શેર કરી

 

ગાઝામાં નાગરિકોની હત્યા કોઈ ભૂલ નહીં પરંતુ એક આયોજિત પ્રક્રિયા છે : ઇઝરાયેલી સૈન્યના ૨૪ આંતરિક સૂત્રોના ચોંકાવનારા ખુલાસા

 

 

(એજન્સી) તા.૧૨
ઇઝરાયેલી સૈન્ય સાથે સંકળાયેલા ૨૪ આંતરિક સૂત્રોએ ગંભીર દાવો કર્યો છે કે, ગાઝા યુદ્ધમાં પેલેસ્ટીની નાગરિકોની હત્યા કોઈ આકસ્મિક ભૂલ કે યુદ્ધની અનિવાર્ય આડઅસર નહીં, પરંતુ એક વ્યવસ્થિત અને સુનિયોજિત પ્રક્રિયાનો ભાગ છે. ગુપ્તચર અધિકારીઓ અને સૈનિકોના આ નિવેદનો પર આધારિત દસ્તાવેજી ફિલ્મ ‘નાઝા’નું વિશ્વપ્રથમ પ્રદર્શન ગુરૂવારે વેનિસ ફિલ્મ મહોત્સવમાં થયું હતું. આ ફિલ્મનું નિર્માણ ઇઝરાયેલી ફિલ્મકાર યુવલ અબ્રાહમ અને રેચલ સ્ઝોરે કર્યું છે, જેઓ અગાઉ ઓસ્કાર વિજેતા દસ્તાવેજી ફિલ્મ ‘નો અધર લેન્ડ’ માટે જાણીતા બન્યા હતા. ત્રણ વર્ષ દરમિયાન તેલ અવીવની ઇમારતોની છત પરથી અત્યંત ગુપ્ત રીતે ફિલ્માવવામાં આવેલી આ દસ્તાવેજી ફિલ્મમાં સામેલ સૈન્ય અધિકારીઓ અને સૈનિકોની ઓળખ છુપાવવામાં આવી છે. તેમની ચહેરાકૃતિ અને અવાજમાં ડિજિટલ ફેરફાર કરીને તેમને અનામી રાખવામાં આવ્યા છે. ફિલ્મનું નામ ‘નાઝા’ ઇઝરાયેલી સૈન્યમાં વપરાતા એક ટૂંકા સંકેત પરથી લેવામાં આવ્યું છે, જે નાગરિક જાનહાનિ માટે વપરાય છે. તેમાં પુરૂષો, મહિલાઓ અને બાળકોના મૃત્યુનો સમાવેશ થાય છે. ફિલ્મમાં સામેલ ઇઝરાયેલી સૈન્યના આંતરિક સૂત્રોએ ગાઝામાં ઉપયોગમાં લેવાતી નજર રાખવાની વ્યવસ્થાઓ, દૂરથી કરવામાં આવતા બોમ્બ હુમલાઓ અને કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગ અંગે વિગતવાર માહિતી આપી છે. તેમના જણાવ્યા મુજબ, કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને સંભવિત હમાસ લક્ષ્યો ઓળખવામાં આવે છે અને ત્યારબાદ તેમના ઘરો અથવા રહેણાંક ઇમારતો પર હુમલા કરવામાં આવે છે, ઘણી વખત અંદર પરિવારો હાજર હોવાની જાણ હોવા છતાં આ હુમલાઓ કરવામાં આવે છે.
ફિલ્મકાર યુવલ અબ્રાહમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “અમે અધિકારીઓ અને સૈનિકોને માત્ર એટલું જ કહ્યું કે તમે શું કર્યું તે અમને સમજાવો. અમારો મુખ્ય પ્રશ્ન વિગતો જાણવા માટેનો હતો. અમને જણાવો કે આ વ્યવસ્થા કેવી રીતે કામ કરતી હતી.” તેમણે કહ્યું કે ઘણી વખત માત્ર યોગ્ય પ્રશ્ન પૂછવાથી જ ચોંકાવનારા જવાબો મળી જાય છે. ‘નાઝા’ ફિલ્મ વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન ઇઝરાયેલી-પેલેસ્ટિનિયન સામયિક +૯૭૨, હિબ્રુ ભાષાના માધ્યમ લોકલ કોલ અને બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયન દ્વારા પ્રકાશિત અહેવાલો પર પણ આધારિત છે. ફિલ્મકાર રેચલ સ્ઝોરે જણાવ્યું હતું કે આ માહિતી અગાઉ પ્રકાશિત થઈ ચૂકી હોવા છતાં, તેને ફિલ્મના સ્વરૂપમાં રજૂ કરવાનું મહત્વપૂર્ણ હતું. તેમણે કહ્યું કે, જ્યારે આ વ્યવસ્થાઓ બનાવનારા અને ચલાવનારા લોકો પોતે કેમેરા સામે આવીને તેની કામગીરી સમજાવે છે અને બતાવે છે, ત્યારે તેની અસર અલગ હોય છે. આ દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ ધ ગાર્ડિયન અને ‘ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ’ ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતાઓએ કર્યું છે. વેનિસ ફિલ્મ મહોત્સવમાં ગોલ્ડન લાયન પુરસ્કાર માટે સ્પર્ધામાં રહેલી આ એકમાત્ર દસ્તાવેજી ફિલ્મ છે. મહિલા દિગ્દર્શક ધરાવતી માત્ર બે ફિલ્મોમાં પણ તેનો સમાવેશ થાય છે. ફિલ્મને મહોત્સવના કાર્યક્રમમાં અંતિમ તબક્કે સામેલ કરવામાં આવી હતી, જેથી ફિલ્મમાં દેખાતા લોકોની ઓળખ સંપૂર્ણપણે છુપાવવાની પ્રક્રિયા પૂર્ણ કરી શકાય. ફિલ્મકારોએ ખાસ કરીને સૈનિકો કે અધિકારીઓને કેન્દ્રમાં રાખવાને બદલે ગાઝાના પીડિતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. કેટલાક સૈનિકોએ પોતાના કૃત્યો અંગે પસ્તાવો વ્યક્ત કર્યો હતો, જ્યારે કેટલાકમાં કોઈ પસ્તાવો ન હતો. કેટલાકે હિબ્રુ ભાષામાં વાત કરવાનું પસંદ કર્યું હતું તો કેટલાકે ઉદાસીનતા અથવા ગર્વ સાથે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. યુવલ અબ્રાહમે જણાવ્યું કે ફિલ્મનો મુખ્ય મુદ્દો સૈનિકોની વ્યક્તિગત લાગણીઓ, અપરાધબોધ કે પસ્તાવો નથી. જો અમે આ લાગણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ તો ફિલ્મના મૂળ મુદ્દાથી દૂર થઈ જઈશું. ફિલ્મનું હૃદય ગાઝામાં ૭૦ હજારથી વધુ પેલેસ્ટિનિયનોના જીવ લેનારી હત્યાની વ્યવસ્થા, તેની કાર્યપદ્ધતિ અને વિશ્વે તેને કેવી રીતે બનવા દીધું તે અંગે છે. ફિલ્મના નિર્માતા જેમ્સ વિલ્સને ઇઝરાયેલી સરકારની નીતિઓની ટીકા કરનારાઓ સામે કરવામાં આવતા યહૂદી વિરોધી હોવાના આરોપો અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઇઝરાયેલી સરકારની નીતિઓ અને યહૂદી ધર્મ અથવા યહૂદી ઓળખ વચ્ચે સીધો સંબંધ ગણવો યોગ્ય નથી. અબ્રાહમ અને સ્ઝોર અગાઉ વર્ષ ૨૦૨૫ની શ્રેષ્ઠ દસ્તાવેજી ફિલ્મનો ઓસ્કાર મેળવનારી ‘નો અધર લેન્ડ’ના ચાર દિગ્દર્શકોમાં સામેલ હતા. ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના નેતૃત્વ હેઠળના સશસ્ત્ર જૂથોએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં આશરે ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૧ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયેલે ગાઝા પર વ્યાપક લશ્કરી કાર્યવાહી શરૂ કરી. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યારથી અત્યાર સુધી ૭૩,૪૨૨થી વધુ પેલેસ્ટીનઓના મોત થયા છે. મૃતકોમાં આશરે અડધા મહિલાઓ અને બાળકો છે. અબ્રાહમે કહ્યું કે ગાઝામાં નાગરિકોની હત્યા હજુ પણ ચાલુ છે. આ સપ્તાહે જ્યારે અમે ફિલ્મ મહોત્સવમાં હતા ત્યારે પણ એક સાત વર્ષની બાળકી તેના પિતા સાથે કારમાં હતી ત્યારે હુમલામાં મૃત્યુ પામી છે.

અમે ફિલ્મમાં જે બતાવી રહ્યા છીએ તે ભૂતકાળની ઘટના નથી, તે આજે પણ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે ફિલ્મ બતાવે છે કે નાગરિકોની હત્યા કોઈ ભૂલ કે અકસ્માત નથી. આ એક આયોજિત પ્રક્રિયા છે અને શરૂઆતથી જ વિશ્વને આ બાબત સમજાઈ જવી જોઈએ હતી. અમે હવે આ વાત સૈન્યની અંદર રહેલા લોકોની સાક્ષી દ્વારા રજૂ કરી રહ્યા છીએ.
બીજી તરફ ઇઝરાયેલ ગાઝામાં ભારે નાગરિક જાનહાનિ માટે હમાસને જવાબદાર ઠેરવે છે. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસ રહેણાંક વિસ્તારોમાં કામગીરી કરે છે અને નાગરિકોને ઢાલ તરીકે વાપરે છે. ઇઝરાયેલી સૈન્યએ લક્ષ્યો ઓળખવા માટે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ થતો હોવાની કબૂલાત કરી છે, પરંતુ તેનો દાવો છે કે કોઈ હુમલો માનવીય ભાગીદારી વિના કરવામાં આવતો નથી. વેનિસ ફિલ્મ મહોત્સવમાં ગાઝાનું યુદ્ધ ફરી એકવાર મુખ્ય ચર્ચાનો વિષય બન્યું છે. ગયા વર્ષે પણ હજારો લોકોએ પેલેસ્ટીન સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વખતે ‘નાઝા’ ફિલ્મે ઇઝરાયેલી સૈન્યની અંદરથી સામે આવેલી સાક્ષીઓ દ્વારા ગાઝાના યુદ્ધ અને નાગરિક હત્યાઓ અંગે વિશ્વ સમક્ષ નવા અને અત્યંત ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks