(એજન્સી) તા.૨૧
મધ્ય અને ઉત્તર કબજાવાળા વેસ્ટ બેંકમાં ઇઝરાયેલના હુમલામાં ગુરૂવારે બે યુવાન ભાઈઓ સહિત ઘણા પેલેસ્ટીનીઓ ઘાયલ થયા છે. પેલેસ્ટીની સમાચાર એજન્સી વફાએ જણાવ્યું કે, ઇઝરાયેલી સૈનિકે ઉત્તર-પૂર્વ રામલ્લાહમાં તુર્મુસ અય્યાના પ્રવેશદ્વાર પર જાહેર પરિવહન વાહન પર ટિયર ગેસ છોડ્યો હતો, જેના કારણે ઘણા મુસાફરોમાં ગૂંગળામણ થઈ હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક વીડિયોમાં હુમલા બાદ કારની અંદરથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ભાઈઓ ફારેસ અને ઉમર મોહમ્મદ દરાગમેહ પર ઈઝરાયેેલી દળો દ્વારા ઉત્તર વેસ્ટ બેંક, પૂર્વીય તુબાસના ખિરબેટ યેરઝામાં શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સરકારી પેલેસ્ટીન ટીવી અનુસાર ઈઝરાયેલી દળોએ આ વિસ્તારમાં પેલેસ્ટીની રહેવાસીઓના તંબુઓ પર દરોડા પાડ્યા, બે બાળકો પર હુમલો કર્યો, પરિવારના તમામ સભ્યોની અટકાયત કરી અને તેમના તંબુઓની શોધખોળ કરી. ખિરબેટ યેરઝાએ સંખ્યાબંધ પેલેસ્ટીની સમુદાયોમાંનો એક છે જે તેના રહેવાસીઓને તેમની જમીનોમાંથી વિસ્થાપિત કરવાના પ્રયાસોના ભાગરૂપે સતત ઇઝરાયેલી પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે. આ પ્રદેશના રહેવાસીઓ વારંવાર તોડી પાડવા, જમીન જપ્તી અને ખેડૂતો અને પશુપાલકો પરના પ્રતિબંધોનો સામનો કરે છે, જેનાથી જીવન વધુ મુશ્કેલ બને છે. આ પહેલા ગુરૂવારે ઉત્તરી વેસ્ટ બેંકના તુલકરેમમાં એક પેલેસ્ટીની પુરૂષ અને તેની પત્ની જ્યારે તેમની કારને ઇઝરાયેલી લશ્કરી વાહન દ્વારા ટક્કર મારતાં ઘાયલ થયા હતા. વફાએ જણાવ્યું કે, સૈન્ય વાહન વિરુદ્ધ દિશામાં ઝડપભેર હતું અને તુલકરેમ શરણાર્થી શિબિર નજીક નબ્લસ સ્ટ્રીટ પર કાર સાથે અથડાઈ હતી. પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ ગાઝા પટ્ટી પર આક્રમણની શરૂઆતથી ઇઝરાયેલી દળો અને ગેરકાયદેસર વસાહતીઓના હુમલામાં ઓછામાં ઓછા ૯૨૦ પેલેસ્ટીની મૃત્યુ પામ્યા છે અને લગભગ ૭૦૦૦ ઘાયલ થયા છે. જુલાઈમાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પેલેસ્ટીની પ્રદેશો પર ઈઝરાયેલના લાંબા સમયથી ચાલતા કબજાને ગેરકાયદેસર જાહેર કર્યો અને વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલેમમાં આવેલી તમામ વસાહતોને ખાલી કરાવવાની માગણી કરી હતી.