
દૃષ્ટિકોણ – રફીક ઝકરિયા (વિશ્વ વિખ્યાત લેખક)
પ્રખ્યાત બ્રિટિશ ઈતિહાસકાર ડેનિસ કીનકૈદૈ નોંધ્યું છે, ‘‘શિવાજીના વિરોધીઓ પણ મુસલમાન સંતો, મસ્જિદો અને કુર્આન પ્રત્યેની શિવાજીના આદરની પ્રશંસા કરતા હતા. મુસ્લિમ ઈતિહાસકાર ખફીખાને તેમના પુસ્તકમાં લખ્યું છે કે શિવાજી જીતેલા શહેરમાં મસ્જિદના સંરક્ષણની સૂચના આપ્યા વિના દાખલ થતા નહીં. પોતાના ધર્મના પવિત્ર ગ્રંથો જેટલું જ માન તેઓ કુર્આનને આપતા હતા. જ્યારે પણ શિવાજીના સૈનિકો મુસ્લિમ સ્ત્રીને પકડી લાવતા ત્યારે શિવાજી તેની પૂરતી સંભાળ લેતા તથા તેનાં સગાં-સંબંધીઓ પાસે સુખરૂપ પહોંચાડવાની વ્યવસ્થા કરતા.’’ કીનકૈદ જણાવે છે કે આ જાતનો વ્યવહાર યાદ રાખવા જેવો છે. કારણ કે એ સમયમાં યુરોપના શાસકો તથા ઈટાલી અને જર્મની તથા આયર્લેન્ડના ક્રોમવેલના શાસનમાં અન્યધર્મીઓ પ્રતિ વિરોધી વલણ અખત્યાર થયેલું. ખ્યાતનામ ઈતિહાસકાર હબીબુર રહેમાન શેરબાનીએ પણ વિવિધ મુસ્લિમ સંતો સાથેના શિવાજીના મિલનની અને આદરની નોંધ કરી છે. પ્રખ્યાત ઈતિહાસકાર જી.એસ.સરદેસાઈએ તેમના પુસ્તક ‘ન્યુ હિસ્ટરી ઓફ મરાઠા’માં વર્ણવ્યું છે કે શિવાજીએ જ્યારે પોતાની દૈનિક પૂજા માટે જગદીશશ્વરનું મંદિર બંધાવ્યું, ત્યારે જ તેમણે પોતાના પાટનગર રાયગઢમાં પોતાના મહેલની સામે મુસ્લિમો માટે મસ્જિદ બંધાવેલી. તે જમાનામાં શાસકો અન્યધર્મીઓ માટે આટલી કાળજી લે તેવું વિચારી પણ શકતું નહીં.
હિંદુ કોમવાદીઓ મુસ્લિમો પ્રતિ નફરત ફેલાવવા માટે ભારતને ગૌરવ અપાવનાર બે મહાન વ્યક્તિત્વો શિવાજી મહારાજ તથા સ્વામી વિવેકાનંદના નામનો દુરૂપયોગ કરે છે. હિંદુઓને જાગ્રત કરવા માટેની તેઓની સેવા અજોડ છે. તેઓેએ હિંદુઈઝમને નવું જોશ આપ્યું તથા તેના ઉપદેશનું આંતરિક સત્ત્વ માનવતા છે તેને કેન્દ્રમાં મૂકી આપ્યું. બંને ઉદાર દષ્ટિકોણ ધરાવતા હતા તથા આંતરરાષ્ટ્રીય ભ્રાતૃભાવના પુરસ્કર્તા હતા. તેઓ મુસ્લિમોનો આદર કરતા હતા તથા ઈસ્લામ ધર્મે હિંદુઓ અને મુસ્લિમોમાં પ્રેમ અને કરૂણાનો પ્રસાર કર્યો છે, તેની કદર કરી હતી. તેઓ વિશેષ કરીને સૂફીઓના માનવતાવાદી અભિગમને વખાણતા હતા. હિંદુ કોમવાદીઓ આ બંને નરરત્નોને ઈસ્લામના વિરોધી અને મુસ્લિમો સામે બહાદુરીથી લડનાર ગણાવે છે તે ખોટું છે. સમગ્ર જીવનકાળ દરમ્યાન તેઓની ભૂમિકા અલગ જ રહેલી.
પ્રથમ આપણે શિવાજીના જીવનકાર્યને તપાસીએ. હિંદુઓ તેમને ઈસ્લામ સામે ધર્મયુદ્ધ કરનાર મહાન યોદ્ધા ગણાવે છે. તે માન્યતાને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં તપાસીએ.
મધ્યયુગમાં ધાર્મિક દુરાગ્રહનો જુવાળ વિશ્વભરમાં ફેલાયેલો હતો ત્યારે શિવાજીએ તેનાથી વિરોધી અભિગમ દાખવેલો જે વિશ્વભરમાં અનન્ય હતો. એ હકીકત છે કે તેઓ તે સમયના મહાન મુસ્લિમ સામ્રાજ્ય સામે લડેલા અને તે માટેની પ્રેરણા તેઓને પોતાના ધર્મમાંથી મળી હતી. પરંતુ આશ્ચર્યજનક બાબત એ રહેલી કે તેઓએ અન્ય ધર્મના અનુયાયીઓ પ્રતિ નફરતની લાગણીને પ્રોત્સાહન નહોતું આપ્યું કે તેનો પ્રચાર નહોતો કર્યો. તેઓએ ઈસ્લામ પ્રતિ પણ નફરત નહોતી દાખવી. તાજેતરમાં થયેલ સંશોધન અનુસાર તેઓએ પોતાના શાસનકાળ દરમ્યાન બિનસાંપ્રદાયિક મૂલ્યોમાંથી પ્રેરણા લીધી હતી. કમનસીબે તેઓ વિશે લખાયેલ વાર્તાઓ અને નાટકોમાં તેઓેને સંકીર્ણ અને વિકૃત માનસવાળા પ્રદર્શિત કર્યા છે. રાજકારણીઓએ પોતાની સંકુચિત દૃષ્ટિના લાભ માટે તેનો ઉપયોગ કર્યો છે. ધર્મના નામે લોકોમાં ભેદભાવ પેદા કર્યા છે.
અત્યંત ભરોસાપાત્ર ‘કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયા’ની તાજેતરની આવૃત્તિમાં શિવાજી વિશે તાટસ્થ્યપૂર્ણ અભ્યાસના અંતે જણાવ્યું છે કે, ‘‘પુણેના વિસ્તારમાં શિવાજીએ જે રાજકારણ ચલાવ્યું તે વિશે શાંતિથી વિચારવાની જરૂર છે. ઘણાખરા મુખ્ય લેખકોએ લખ્યું છે કે શિવાજી ‘હિંદુરાષ્ટ્ર’ બનાવી રહ્યા હતા જે તેની આજુબાજુ વીંટળાઈને મુસ્લિમ રાષ્ટ્રો હતાં તેના વિરૂદ્ધમાં હતું. ખરેખર તો આખી વાત જ જુદી હતી. રજવાડે સહિત વીસમી સદીના બ્રાહ્મણ ઈતિહાસકારોએ સાબિત કરવા પ્રયાસ કર્યો છે કે શિવાજી તેમના જીવનની શરૂઆતના વર્ષોમાં બ્રાહ્મણ સલાહકારોથી દોરવાતા હતા, અને તેઓ ‘મહારાષ્ટ્ર ધર્મ’ના પાયા પર રાજ્યની રચના ઈચ્છતા હતા. જો કે પાછળથી સંશોધકોને એ બરાબર લાગ્યું નહોતું. પ્રખ્યાત ઈતિહાસકાર સર જદુનાથ સરકારે તે અંગે કહેલું, શિવાજીની ધર્મનીતિ ખૂબ ઉદાર હતી. તેઓએ બધા ધર્મોના પવિત્ર સ્થાનોને સન્માન આપેલું. તેઓએ હિંદુ મંદિરો તથા મુસ્લિમ સંતોની કબરના તથા મસ્જિદોના નિભાવ માટે નાણાં ફાળવેલા. તેઓએ વેદપારંગત વિદ્વાન બ્રાહ્મણોને, ખગોળશાસ્ત્રીઓને પેન્શન આપેલું; તેટલું જ નહીં, તેઓએ પવિત્ર પુરૂષોના આશ્રમો બંધાવેલા તથા બાબા યાકુત ઓફ કેલોસી ઉપરાંત ઈસ્લામના પવિત્ર પુરૂષોને પોતાની અંગત મૂડીમાંથી આર્થિક સહાય કરેલી.’’ સર જદુનાથ સરકારે શિવાજી સાંપ્રદાયિક રાજ્ય બનાવવા પ્રયાસ કરતા હતા તે વાતને રદિયો આપેલ : ‘‘વર્તમાન પેઢીના ચિત્તમાં એ દાખલ કરવાની કોશિશ થઈ છે કે રામદાસમાંથી પ્રેરણા લઈને મરાઠાઓના રાષ્ટ્રીય હીરો શિવાજીનો આદર્શ સ્વતંત્ર હિંદુ રાજ્ય બનાવવાનો હતો. પરંતુ તે અંગે જે પુરાવા મળે છે તે પૂરતા નથી અને શંકાસ્પદ પણ છે. તે પવિત્ર મહાપુરૂષની શિવાજી પરની અસર આધ્યાત્મિક હતી, રાજકીય નહીં.’’
હકીકતો એ સાબિત કરે છે કે શરૂઆતથી જ શિવાજીએ માનવતાની નીતિ અપનાવી હતી અને તે પોતાના શાસનના માણસો પ્રતિ જ નહીં પરંતુ તેમના રાજ્યમાં રહેતા બધા માનવીઓ પ્રતિ તે જ વલણ હતું. તેમાં જાતિ કે ધર્મના નામે કોઈ ભેદભાવ નહોતો. તેઓએ પોતાના લશ્કરમાં જે રીતે ભરતી કરી અને ઓફિસરોની પસંદગી કરી તેનાથી તે સાબિત થાય છે. તેના લશ્કરના ત્રીજા ભાગના સૈનિક મુસ્લિમ હતા. તેમનું નૌકાદળ સંભાળનાર મુસ્લિમ સીદીઓ હતા. તેઓેએ નેવીનો મુખ્ય વડો સીદી સંબેલને બનાવેલો. તેમના પર તેમને ભરોસો હતો. તેઓની સહાયમાં નુરખાન, દૌલતખાન તથા સીદી મીશ્રી હતા. તેઓેએ જે ન્યાયમૂર્તિ નીમેલા તે કાઝી અબ્દુલ્લાબિન, કાઝી મોહમ્મદ હકીમ અને કાઝી હબીબ હતા.
શિવાજીનો સૌથી વફાદાર જનરલ હૈદરઅલી કોહારી હતો. તેનો સલામતી રક્ષક પણ મુસ્લિમ હતો. તેનુું નામ હસન કોહારી હતું. તે શિવાજીના માતા જીજાબાઈની સલામતીનું પણ ધ્યાન રાખતો હતો. બધી લશ્કરી કવાયતનું નિરીક્ષણ ઈમામુદ્દીન કોહરી કરતા હતા. જ્યારે શહેનશાહના હુકમથી શિવાજીને આગ્રાના કિલ્લામાં કેદ કર્યા હતા ત્યારે ત્યાંથી છૂટવા માટે જે બે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હતો તેમાંનો એક મુસ્લિમ મદારી માહતર હતોે. એ જ રીતે જ્યારે અફઝલખાન સાથે ઐતિહાસિક મુકાબલો થયો ત્યારે સીદી ઈબ્રાહીમ તેમનો બોડીગાર્ડ હતો. ઔરંગઝેબ સામેની લડાઈમાં મુસ્લિમ દળોના સરદાર હિંદુ રાજા જયસિંઘ હતા.
શિવાજીને ઈસ્લામ પ્રતિ ઊંડું માન હતું. તેની સાબિતી મુસ્લિમ સંત સાથેની મુલાકાતમાંથી મળે છે. રત્નાગીરી જિલ્લાની મુલાકાત સમયે તેઓ હઝરત યાકુબ બાબા સર્વરીના ખાસ દર્શને ગયેલા અને ૬૦૦ એકર જમીનનો દસ્તાવેજ કરી આપેલો. તેઓએ મોલોનીમાં રહેતા મોઈનબાબા પ્રતિ પણ સન્માન દાખવેલ. તેઓની બાલાપુરની લશ્કરી ગતિવિધિ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના સૈનિકોએ હઝરત ઈનાયત શાહની જગ્યામાં લૂંટ કરી છે ત્યારે સૈનિકોએ ઠપકો આપેલો. સંતની વ્યક્તિગત માફી માગેલી તથા જીવનભરનું પેન્શન મંજૂર કરેલું. આવો જ એક બનાવ હઝરત જૈનુલ શાહ સાથે બનેલો ત્યારે શિવાજીએ તેઓને ખાતરી આપેલી કે તેઓ તેમનું રક્ષણ કરશે. ગ્રાન્ટ ડફે તેની ડાયરીમાં શિવાજી તથા હઝરત જૈનુલ શાહ સાથેની મુલાકાતનું ચિત્રાત્મક વર્ણન કરતાં જણાવ્યું છે કે તે બે મનનું મિલન નહોતું પરંતુ બે હૃદયોનું મિલન હતું. પ્રખ્યાત બ્રિટિશ ઈતિહાસકાર ડેનિસ કીનકૈદૈ નોંધ્યું છે, ‘‘શિવાજીના વિરોધીઓ પણ મુસલમાન સંતો, મસ્જિદો અનુ કુર્આન પ્રત્યેની શિવાજીના આદરની પ્રશંસા કરતા હતા. મુસ્લિમ ઈતિહાસકાર ખફીખાને તેમના પુસ્તકમાં લખ્યું છે કે શિવાજી જીતેલા શહેરમાં મસ્જિદના સંરક્ષણની સૂચના આપ્યા વિના દાખલ થતાં નહીં. પોતાના ધર્મના પવિત્ર ગ્રંથો જેટલું જ માન તેઓ કુર્આનને આપતા હતા. જ્યારે પણ શિવાજીના સૈનિકો મુસ્લિમ સ્ત્રીને પકડી લાવતા ત્યારે શિવાજી તેની પૂરતી સંભાળ લેતા તથા તેનાં સગાં-સંબંધીઓ પાસે સુખરૂપ પહોંચાડવાની વ્યવસ્થા કરતા.’’ કીનકૈદ જણાવે છે કે આ જાતનો વ્યવહાર યાદ રાખવા જેવો છે. કારણ કે એ સમયમાં યુરોપના શાસકો તથા ઈટાલી અને જર્મની તથા આયર્લેન્ડના ક્રોમવેલના શાસનમાં અન્યધર્મીઓ પ્રતિ વિરોધી વલણ અખત્યાર થયેલું. ખ્યાતનામ ઈતિહાસકાર હબીબુર રહેમાન શેરબાનીએ પણ વિવિધ મુસ્લિમ સંતો સાથેના શિવાજીના મિલનની અને આદરની નોંધ કરી છે. પ્રખ્યાત ઈતિહાસકાર જી.એસ. સરદેસાઈએ તેમના પુસ્તક ‘ન્યુ હિસ્ટરી ઓફ મરાઠા’માં વર્ણવ્યું છે કે શિવાજીએ જ્યારે પોતાની દૈનિક પૂજા માટે જગદીશશ્વરનું મંદિર બંધાવ્યું, ત્યારે જ તેમણે પોતાના પાટનગર રાયગઢમાં પોતાના મહેલની સામે મુસ્લિમો માટે મસ્જિદ બંધાવેલી. તે જમાનામાં શાસકો અન્યધર્મીઓ માટે આટલી કાળજી લે તેવું વિચારી પણ શકતું નહીં.
પોતાની લશ્કરી ગતિવિધિ સમયે શિવાજીએ પોતાના સૈનિકોને કડક સૂચના આપેલી કે મુસ્લિમ સ્ત્રીઓ અને બાળકો પ્રતિ દુર્વ્યવહાર કરવો નહીં તથા મસ્જિદ-દરગાહોનું યોગ્ય રક્ષણ કરવું. ખફીખાન આ બાબતને પુષ્ટિ આપે છે. આ જ રીતે શિવાજી ખ્રિસ્તીધર્મના અનુયાયીઓ તથા તેમનાં પવિત્ર સ્થળોનું રક્ષણ કરતા હતા. બર્નેયરે તેના જાણીતા પુસ્તક ‘ટ્રાવેલ્સ ઈન મોગલ એમ્પાયર’માં શિવાજીએ ફાધર એમ્બોસ-જેમનું ચર્ચ ગુજરાતમાં હુમલામાં આવી ગયું હતું. તેમની પુરતી કાળજી લીધી હતી-તે અંગે પ્રશંસા કરી હતી. શિવાજીએ વિશેષ કાળજી લીધેલી કે પાદરી અને તેમના ચર્ચને કોઈ હાનિ ન થાય. શિવાજીએ તેમના સૈનિકોને કહેલું, ‘પાદરીઓ સારા માણસો છે. તેઓેને હેરાન કરવા નહીં.’
શિવાજીના વિશાળ મનના દર્શન, તેઓએ ઔરંગઝેબને લખેલા લાંબા પત્રમાં થાય છે. તે પત્રમાં તેઓએ હિંદુઓ પર જે જજીયાવેરો નખાયેલો, તેનો વિરોધ કર્યો છે. તે પત્ર મુત્સદ્દીગીરીનો ઉત્તમ નમૂનો છેે. તેઓએ શહેનશાહને યાદ અપાવેલું કે તેમના કોઈ પુરોગામીએ જજીયાવેરો નહોતો નાખ્યો. પત્રમાં સમ્રાટ અકબરનાં વખાણ કરેલાં અને જગતગુરૂ ગણાવેલ. શાહજહાં અને જહાંગીરે હિંદુઓ પ્રતિ સમાન વ્યવહાર દાખવેલો તેની પણ પ્રશંસા કરેલી. તેઓની સરખામણી કરતા શિવાજીએ ઔરંગઝેબને લખેલું, ‘આપના શાસન દરમ્યાન ઘણાં કિલ્લાઓ અને રાજ્યો તમારા હાથમાંથી જતાં રહ્યાં છે, અને જે બચ્યાં છે તે પણ જતાં રહેશે; કારણ કે હું તેને ખતમ અને પાયમાલ કરવામાં જરા પણ ઢીલ મૂકવાનો નથી. તમારા ખેડૂતો-ગ્રામજનો ગરીબ છે. દરેક ગામની ઉપજ ઘટી ગઈ છે. એક લાખ રૂપિયાની જગ્યાએ એક હજાર અને એક હજારની જગ્યાએ દશ પણ મહામહેનતે મેળવી શકે છે. જ્યારે ગરીબાઈ અને કંગાલિયતે રાજા- મહારાજાના ઘરોમાં પોતાનો નિવાસ કર્યો હોય ત્યારે અધિકારીઓ, કારકુનોની સ્થિતિ શું હશે તેની કલ્પના થઈ શકે છે. શાસનની આ સ્થિતિને લઈને લશ્કરમાં ખળભળાટ છે, વેપારીઓ ફરિયાદ કરે છે, મુસ્લિમો રડે છે, હિંદુઓ ભુંજાઈ રહ્યા છે. રાત્રે રોટી પણ નથી મળતી. બધાં તણાવમાં છે. આવી પરિસ્થિતિમાં આપનો રોયલ આત્મા જજીયાવેરો નાખવાની મંજૂરી શી રીતે આપે છે ? આનાથી આપની અપકીર્તિ ચારેબાજુ ફેલાઈ જશે અને ઈતિહાસના પાના પર લખાશે કે હિંદુસ્તાનના સમ્રાટે પોતાની લાલચને પોષવા ભિખારીનો વાટકો લીધો અને બ્રાહ્મણો, જૈનમુનિઓ, યોગીઓ, સંન્યાસીઓ, વૈરાગીઓ, ભિખારીઓ પર જજીયાવેરો નાખ્યો. આપે તૈમુર વંશનું ગૌરવ ધૂણધાણી કરી નાખ્યું.’
આ જ સૂરમાં શિવાજીએ ઔરંગઝેબને યાદ અપાવતા લખેલું કે ‘‘જો તમે પવિત્ર ગ્રંથ ‘કુર્આન’માં આસ્થા રાખતા હો તો તેમાં ભગવાનને ‘રબ-ઉલ-આલમીન’ બધા લોકોના ભગવાન કહેલ છે, તેને ‘રબ-ઉલ-મુસલમાન’ નથી કહેલ. ભગવાન કે ખુદા ફક્ત મુસલમાનોના નથી. ઈસ્લામ અને હિંદુઈઝમ એ તફાવત વ્યક્ત કરતા શબ્દો છે. તે જુદા જુદા રંગ છે. સાચા દિવ્ય ચિત્રકારે આ રંગોને એકબીજામાં મેળવ્યા છે. મસ્જિદમાં ખુદાની પ્રાર્થના કરવા અઝાન પોકારાય છે. મંદિરમાં ઘંટ વગાડવામાં આવે છે. કોઈ વ્યક્તિના ધર્મ પ્રતિ ધર્માંધતા દેખાડવી તે પવિત્ર ગ્રંથના શબ્દોને ન માનવા બરાબર છે. કોઈ ચિત્ર પર લીટી દોરવી એ ચિત્રકારનો દોષ શોધવા બરાબર છે. ન્યાયની દૃષ્ટિએ જજીયાવેરો ગેરકાનૂની છે. રાજ્કીય દષ્ટિએ જોઈએ તો આ પગલું ત્યારે જ સ્વીકાર્ય બને જ્યારે કોઈ સુંદર સ્ત્રી કોઈ ભય યા છેડછાડ વિના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં પસાર થઈ શકતી હોય. પરંતુ આજે તો શહેરો લૂંટાય છે ત્યારે ગામડાઓમાં તો શું થતું હશે ? આ અન્યાય તો છે જ, સાથે ભારતમાં આ પ્રકારનો જજીયાવેરો તે નવી બાબત છે. લોકોને દબાવવા તથા હિંદુઓને ત્રાસ આપવો તેને તમે ધર્મ ગણતા હો તો તમારે રાણા રાજસિંહ પર પહેલા જજીયાવેરો નાખવો જોઈએ, જે હિંદુઓના અગ્રણી છે. પછી મારી પાસેથી તે વસૂલ કરવામાં તમને મુશ્કેલી નહીં પડે, કારણ કે હું તો તમારી સેવામાં છું. પરંતુ કીડી-માખીઓ પર ત્રાસ ફેલાવવો તેમાં બહાદુરી નથી. મને આશ્ચર્ય થાય છે કે તમારા ખૂબ વફાદાર અધિકારીઓ આપને સાચી પરિસ્થિતિ જણાવતા નથી તથા હકીકત પર પડદો નાંખે છે.’’
લાલા લજપતરાયે શિવાજીની જીવનકથા લખતાં નોંધ્યું છે કે ખરી લડાઈ શિવાજી અને મોગલ લશ્કર વચ્ચે હતી. મોગલ લશ્કરની આગેવાની રાજપૂત જયસિંઘે લીધી હતી. એટલે આમાં ધાર્મિક રંગ ઉમેરવાની જરૂર નથી. અહીં ઈસ્લામ અને હિંદુઈઝમ વચ્ચેનો સંઘર્ષ નહોતો, શિવાજીએ પણ તેને પ્રોત્સાહન આપ્યું નહોતું. શિવાજી વિશે અધિકારપૂર્વક કહેનાર શ્રી એસ.એમ. પગડી લખે છે, ‘શિવાજી વિરૂદ્ધ મોગલોની લડાઈને હિંદુ વિરૂદ્ધ મુસ્લિમની લડાઈ કહેવું તે ખોટું છે. જો કે શિવાજી હિંદુઈઝમના પૂરા તરફદાર હતા.’ વિખ્યાત વિદ્વાન બી.એન. પાંડેએ કહ્યું છે, ‘એ વાત શંકારહિત છેે કે શિવાજી હિંદુ ધર્મમાં આસ્થા રાખતા હતા. તે ધર્મ સાથેના જોડાણનો વારસો તેમના માતા તથા બચપણના સાથીદારો દ્વારા મળ્યો હતો. તેઓેએ જે કાનૂન ઘડ્યા કે લશ્કરની જમાવટ કરેલી, તેની પાછળ બ્રાહ્મણવાદના સિદ્ધાંતોનું બળ હતું. તેઓની સફળતાને લીધે તેઓને છત્રપતિનું બિરૂદ મળેલું. અને પંડિતો તથા રૂઢિચુસ્ત બ્રાહ્મણોએ તેને પ્રમાણ્યું હતું. આ બ્રાહ્મણો જ તે સમયે નક્કી કરતા હતા.’ પરંતુ તેમની વ્યક્તિગત ધર્મભાવના, તેના વિશાળ માનવીય અભિગમ તથા આશાવાદી-વહેવારિક રાજકારણની દૃષ્ટિમાં તે પરિબળો આડે નહોતાં આવ્યાં. તેઓ અહમદનગર, બીજાપુર, મોગલો સામે, મરાઠા સરદારો સામે, ક્યારેક પોતાના ભાઈ સામે પણ લડ્યા હતા. પરંતુ કોઈને પણ અંગત ધાર્મિક સદ્ભાવને કારણે સજા નહોતી કરી.
વી.બી.કુલકર્ણી તેમના પુસ્તક ‘પોટ્રેટ ઓફ એ પેટ્રીઅટ’માં લખે છે કે શિવાજીને તેમના પૂર્વજો પર તથા માતા પર ખૂબ શ્રદ્વા અને ભક્તિ હતાં. હિંદુઓ પોતાના જ દેશમાં સ્વતંત્ર-સલામત રહે તે માટે સંકલ્પબદ્ધ હતા. તેઓ એવા વાતાવરણમાં ઉછરેલા જ્યાં સંતોએ તેમને પ્રેમ અને કરૂણાના પાઠ શીખવ્યા હતા. ઈશ્વરની સ્તુતિ કરતા તુકારામના સાદા અભંગથી દરેક મહારાષ્ટ્રીયનના હૃદય પ્લાવિત થયેલા. શિવાજી પર પણ તેની અસર હતી. તુકારામે શિવાજીને શિખામણ આપેલી. ‘વિશ્વમાં એક જ સત્ય છે. બધામાં એક જ આત્મા વિલસી રહ્યો છે. તે આત્મામાં શ્રદ્ધા રાખો રામદાસમાં તમારૂં પ્રતિબિંબ જુઓ હે કુંવર – આ કરો તેથી તમારા પર અને સમગ્ર વિશ્વ પર તેમના આશીર્વાદ ઊતરશે અને તમારી ખ્યાતિ વિશ્વભરમાં પ્રસરશે.’
(સૌ. : ‘સંવાદિતા એ જ ધર્મ’ પુસ્તકમાંથી)