ઇઝરાયેલનો વિરોધ, ‘આ તો ત્રાસવાદને સમર્થન’
(એજન્સી) તા.૨૫
ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોને જણાવ્યું છે કે, ફ્રાન્સ સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA 80)ના આગામી ૮૦મા સત્ર દરમિયાન પેલેસ્ટાઈન રાજ્યને સત્તાવાર રીતે માન્યતા આપશે. ‘આજે તાકીદની જરૂરિયાત ગાઝામાં યુદ્ધને સમાપ્ત કરવાની અને નાગરિક વસ્તીને બચાવવાની છે,’ મેક્રોને ગુરૂવારે તેમના સત્તાવાર X એકાઉન્ટ પર જણાવ્યું હતું. સમાચાર અનુસાર, તેમણે તાત્કાલિક યુદ્ધવિરામ, તમામ બંધકોને મુક્ત કરવા અને ગાઝાના લોકોને મોટા પાયે માનવતાવાદી સહાય પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મેક્રોને પેલેસ્ટાઈનને ફ્રાન્સની માન્યતા પાછળના વ્યાપક દ્રષ્ટિકોણની રૂપરેખા આપતા જણાવ્યું કે, ‘આપણે પેલેસ્ટાઈન રાજ્યનું નિર્માણ કરવું જોઈએ, તેની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવી જોઈએ અને તે સુનિશ્ચિત કરવું જોઈએ કે તે મધ્ય પૂર્વમાં તમામની સુરક્ષામાં ફાળો આપે, તેના ડિમિલિટરાઇઝેશનને સ્વીકારીને અને ઈઝરાયેલને સંપૂર્ણ માન્યતા આપીને.’ પેલેસ્ટીનીયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સંબોધિત ઔપચારિક પત્રમાં મેક્રોને કહ્યું કે, પેલેસ્ટીનીયન લોકોની કાયદેસરની આકાંક્ષાઓને પૂર્ણ કરવા, આતંકવાદ અને તમામ પ્રકારની હિંસાનો અંત લાવવા અને ઇઝરાયેલ અને સમગ્ર પ્રદેશ માટે સ્થાયી શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એકમાત્ર વ્યવહારૂ ઉકેલ (બે-રાજ્ય ઉકેલ) મેળવવાની તાત્કાલિક જરૂરિયાત છે. જૂનમાં ન્યૂયોર્કમાં સઉદી અરેબિયાની સહ-અધ્યક્ષતામાં પેલેસ્ટાઈન પરની આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન ફ્રાન્સ પેલેસ્ટીનીયન રાજ્યને માન્યતા આપશે તેવી એપ્રિલમાં મેક્રોનની જાહેરાતને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ અમેરિકી દબાણ હેઠળ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ જુલાઈના અંત સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ‘આજે સૌથી તાકીદની બાબત એ છે કે ગાઝામાં યુદ્ધ બંધ કરવું અને નાગરિક વસ્તીને મદદ કરવી. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ગાઝામાં ચાલી રહેલા ઈઝરાયેલ સૈન્ય ઓપરેશન અને ત્યાં વધી રહેલી ભૂખમરા પર વિશ્વભરમાં ગુસ્સો વધી રહ્યો છે. ફ્રાન્સ પેલેસ્ટીનીયન રાજ્યને માન્યતા આપનાર સાત મોટા ઔદ્યોગિક રાષ્ટ્રો (જેમાં યુએસ, બ્રિટન, કેનેડા, જર્મની, જાપાન અને ઇટાલીનો પણ સમાવેશ થાય છે)ના સમૂહમાં પ્રથમ દેશ બનશે.