કોઈ એક દેશ પર હુમલો ત્રણેય પર ગણાશે; સંયુક્ત સૈન્ય ક્ષમતા વધારવા અને પ્રાદેશિક સુરક્ષા મજબૂત કરવા કરાર
(એજન્સી) મક્કા, તા.૭
સઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાને શુક્રવારે સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા ખાતે એક ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સઉદી પ્રેસ એજન્સી (SPA)ના અહેવાલ મુજબ, આ ‘મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર’નો મુખ્ય ઉદ્દેશ્ય ત્રણેય દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય ક્ષમતા (Deterrence) મજબૂત કરવાનો અને સંરક્ષણ સહયોગનો વિસ્તાર કરવાનો છે. આ કરારની સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે ત્રણેયમાંથી કોઈપણ એક દેશ પર થનારા સશસ્ત્ર હુમલાને ત્રણેય દેશો પર થયેલો હુમલો ગણવામાં આવશે. મક્કા સ્થિત અલ-સફા પેલેસના રોયલ કોર્ટ ખાતે સઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન અને પાકિસ્તાનના વડાપ્રધાન મુહમ્મદ શહબાઝ શરીફનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ત્રણેય દેશોના નેતાઓએ પરસ્પર સંબંધોની સમીક્ષા કરી હતી અને સંયુક્ત હિત ધરાવતા મહત્ત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. એસપીએ (જીઁછ)ના જણાવ્યા અનુસાર, ‘મક્કા સંયુક્ત સંરક્ષણ શિખર સંમેલન’નું આયોજન ત્રણેય દેશોના ઐતિહાસિક સંબંધો, ઇસ્લામિક એકતા, સહિયારા વ્યૂહાત્મક હિતો અને ઘનિષ્ઠ સંરક્ષણ સંબંધોના આધારે કરવામાં આવ્યું હતું. આ કરાર ત્રણેય દેશોની સામૂહિક સુરક્ષાને મજબૂત કરવા તેમજ પ્રદેશ અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ઉપરાંત, આ કરાર હેઠળ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંરક્ષણ ક્ષેત્રના તમામ પાસાઓનો વિકાસ કરવામાં આવશે.