આ વ્યૂહરચનાનો હેતુ સપાને એક એવા પક્ષ તરીકે રજૂ કરવાનો છે જે અનામત મતવિસ્તારોની સંખ્યા કરતાં દલિતોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવા તૈયાર છે
(એજન્સી) તા.૧૦
સમાજવાદી પાર્ટી (SP) તેના PDA (પિછડા, દલિત, અલ્પસંખ્યક) ગઠબંધનને મજબૂત બનાવવાની વ્યૂહરચનાના ભાગરૂપે, ૨૦૨૭ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં લગભગ ૧૦૦ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહી છે, જેમાં સામાન્ય મતવિસ્તારોમાં ૧૪ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યોજનામાં અનુસૂચિત જાતિ માટે અનામત બધી ૮૪ બેઠકો, અનુસૂચિત જનજાતિ બંને બેઠકો અને દલિત ઉમેદવારો સાથે લગભગ ૧૪ સામાન્ય બેઠકો પર લડવાનો સમાવેશ થાય છે, જે યોગ્ય ઉમેદવારોની ઉપલબ્ધતાને આધીન છે. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, આ પગલું તેના પરંપરાગત યાદવ-મુસ્લિમ આધારથી આગળ વધીને જીઁના સમર્થનને વિસ્તૃત કરવા અને બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી પ્રભાવમાં ઘટાડો થતાં દલિત મતદારોને આકર્ષવાનો છે. ‘અમે દલિત સમુદાયોના ઉમેદવારો પર ધ્યાન કેન્દ્રિત કરવા પર કામ કરી રહ્યા છીએ જે સામાન્ય બેઠકો પર ચૂંટણી લડી શકે. જ્યારે અમારૂં લક્ષ્ય સમુદાયને ૧૦૦ બેઠકો આપવાનું છે, તે યોગ્ય અને મજબૂત ઉમેદવારો પર નિર્ભર રહેશે,’ પક્ષના એક સૂત્રએ જણાવ્યું હતું. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી દરમિયાન સપાએ બે સામાન્ય મતવિસ્તારોમાં દલિત ઉમેદવારો ઊભા રાખ્યા હતા. અવધેશ પ્રસાદ ફૈઝાબાદથી જીત્યા હતા, જ્યારે સુનિતા વર્મા મેરઠમાં થોડી બહુમતીથી હારી ગયા હતા. પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે, આ વ્યૂહરચનાનો હેતુ સપાને એક એવી પાર્ટી તરીકે રજૂ કરવાનો છે જે અનામત મતવિસ્તારો કરતાં દલિતોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ આપવા તૈયાર છે. એક સમયે દલિત મતોનો નોંધપાત્ર હિસ્સો ધરાવતી બસપાએ ૨૦૨૨ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં માત્ર એક જ બેઠક જીતી હતી અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી ન હતી. ભાજપ અને કોંગ્રેસે પણ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા દલિત મતદારો સુધી પહોંચ વધુ તીવ્ર બનાવી છે. સપા રાજ્યસભાના સાંસદ રામજી લાલ સુમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દલિત મતદારોનો એક મહત્ત્વપૂર્ણ વર્ગ ઇન્ડિયા બ્લોકને ટેકો આપશે, જ્યારે પક્ષના વડા અખિલેશ યાદવે મતદારોને બસપાને ટેકો ન આપવા વિનંતી કરી છે, દલીલ કરી છે કે, પક્ષને આપેલો મત વ્યર્થ જશે.