સહારનપુર મસ્જિદ તોડી પાડવાનો મામલો : હાઇકોર્ટે સરકારને નોટિસ પાઠવી, દંડની વસૂલાત પર સ્ટે આપ્યો

અરજદારે દલીલ કરી કે મસ્જિદ યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલી હતી પરંતુ સત્તાવાળાઓ અને નીચલી અદાલતે તેના પર પૂરતો વિચાર કર્યો ન હતો

 

(એજન્સી) તા.૧૪
અલ્હાબાદ હાઇકોર્ટે સહારનપુર કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી ૧૦૦ વર્ષથી પણ વધુ જૂની મસ્જિદને તોડી પાડવાના મામલે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે અને ત્રણ અઠવાડિયામાં પોતાનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ અદાલતે મસ્જિદ પ્રબંધન પર લાદવામાં આવેલા રૂા. ૬.૪૧ કરોડના દંડની વસૂલાત પર વચગાળાનો સ્ટે આપ્યો છે અને આ કેસની આગામી સુનાવણી ૧૨ ઓક્ટોબરના રોજ નક્કી કરી છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે એડવોકેટ મોહમ્મદ તનવીર અહેમદ દ્વારા સહારનપુર સિટી મેજિસ્ટ્રેટના ૧૬ જુલાઈ અને સહારનપુર ડિસ્ટ્રિક્ટ જજના ૨ સપ્ટેમ્બરના આદેશોને પડકારતી અરજી પર આ ચુકાદો આપ્યો હતો. આ કેસની વિગત મુજબ, સહારનપુરના સિટી મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ જાહેર પરિસર (અનધિકૃત કબ્જેદારોને ખાલી કરાવવું) અધિનિયમ, ૧૯૭૨ હેઠળ કલેક્ટર કચેરી સંકુલમાં આવેલી ૩૧૫ ચોરસ મીટરની મસ્જિદને તોડી પાડવાનો અને પ્રબંધન પર રૂા. ૬.૪૧ કરોડનો દંડ કરવાનો આદેશ આપ્યો હતો. જિલ્લા અદાલતે આ આદેશ સામેની અપીલ ફગાવી દીધા બાદ ૫ સપ્ટેમ્બરે મોડી રાત્રે મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. અરજદારના વરિષ્ઠ વકીલ આશિષ કુમાર સિંહે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે મિલકતની માલિકી નક્કી કર્યા વિના જ ખાલી કરાવવાનો અને ડિમોલિશનનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે મિલકત સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડમાં નોંધાયેલી હતી અને તેના રેકોર્ડમાં વાહિદ ખાન અને યાકૂબ ખાનના નામ હતા, પરંતુ સત્તાવાળાઓએ આ બાબતોને ધ્યાને લીધી નહોતી. બીજી તરફ, રાજ્ય સરકારના એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલે અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે અરજદાર એક તરફ આ મિલકતને મકાનમાલિકની બતાવે છે અને બીજી તરફ વક્ફ મિલકત ગણાવે છે, જે પરસ્પર વિરોધાભાસી છે. તેમણે દાવો કર્યો હતો કે સરકારી રેકોર્ડમાં આ જમીન “કલેક્ટરેટ કચેરી”ની તરીકે નોંધાયેલી છે, જે બ્રિટિશ કાળથી સરકારી જમીન રહી છે. દરમિયાન, મસ્જિદનો મલબો અંબાલા રોડ પર ગ્રેવયાર્ડ નજીક ફેંકવામાં આવતાં વિવાદ સર્જાયો હતો, જ્યાં કાટમાળની ઈંટો પર ૧૯૦૯ અને ૧૯૧૧ના વર્ષના માર્કિંગ મળી આવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્રે JCB વડે મલબો દિલ્હી રોડ પર ખસેડ્યો હતો. ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મૌલાના ખાલેદ રશીદે હાઇકોર્ટના આદેશનું સ્વાગત કરતાં આશા વ્યક્ત કરી હતી કે અદાલતમાંથી ન્યાય મળશે અને મસ્જિદનું પુનઃનિર્માણ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks