(એજન્સી) તા.૩૦
ૈંઁન્ ૨૦૨૫ના રોમાંચક મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થયો, જ્યાં મોહમ્મદ સિરાજે પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા. અગાઉ, તેને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, જેના પર કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે સિરાજ નવા બોલથી વિકેટ લેવામાં માહિર છે, પરંતુ જૂના બોલથી તેટલો અસરકારક નથી. તેમણે એમ પણ કહ્યું કે ટીમમાં મોહમ્મદ શમીની હાજરીને કારણે સિરાજને સ્થાન મળ્યું ન હતું. હવે સિરાજે પોતાને સાબિત કરી દીધો છે અને તે પણ રોહિત શર્મા સામે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારબાદ ગુજરાત ટાઇટન્સે ૧૯૬ રન બનાવ્યા અને મુંબઈને જીત માટે ૧૯૭ રનનો લક્ષ્યાંક આપ્યો. મુંબઈ તરફથી રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને ઇનિંગ્સની શરૂઆત કરી, પરંતુ સિરાજે આ ભાગીદારી લાંબો સમય ટકી ન દીધી. તેણે કેપ્ટન રોહિત શર્માને માત્ર ૮ રન પર ક્લીન બોલ્ડ કરીને પેવેલિયન મોકલી દીધો. સિરાજના આ પ્રદર્શનથી ખબર પડી ગઈ કે તે નવા બોલ સાથે કેટલો ઘાતક બની શકે છે. હવે જોવાનું એ રહે છે કે શું તે આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરી શકશે કે નહીં. ઉલ્લેખનીય છે કે સિરાજે રોહિતને બોલ્ડ મારતા સોશિયલ મીડિયા પર આ વિકેટ ચર્ચાનો વિષય બની ગઈ. નેટીજન્સ આ મામલે વિવિધ રીતે પ્રતિક્રિયાઓ આપીને રોહિત શર્માની ટીખળ કરવા લાગ્યા અને તેને સિરાજ દ્વારા લેવાયેલો બદલો ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સિરાજ વન ડેમાં નંબર બોલર રહી ચૂક્યો હોવા છતાં રોહિત શર્માએ તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમાડ્યો નહોતો. આ વાતથી ખુદ સિરાજ હેરાન થઈ ગયો હતો. જોકે બુમરાહ પહેલાથી જ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહોતો એવા સમયે સિરાજને પડતો મૂકવો એ ચર્ચાનો વિષય હતો. તેની જગ્યાએ અર્શદીપ સિંહને પ્રાધાન્ય અપાયું હતું. ટીમની જાહેરાત સમયે રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કરેલા નિર્ણયના બે મહિનાથી વધુ સમય પછી સિરાજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને મુંબઈ વચ્ચેની IPL ૨૦૨૫ મેચમાં ભારતીય કેપ્ટનનો સામનો કર્યો. આ ઝડપી બોલરે ૩૭ વર્ષીય રોહિતને નિપ-બેકરથી હરાવતા પહેલા સતત બે બાઉન્ડ્રી ફટકારી. રોહિત પાસે આનો કોઈ જવાબ નહોતો કારણ કે બોલ તેના ડિફેન્સને વીંધીને બેલ્સ પર વાગ્યો હતો.