(એજન્સી) સિડોન, લેબેનોન, તા.૨૩
દક્ષિણ લેબેનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર)ના કરારનું ફરી એકવાર ઉલ્લંઘન થયું છે. સોમવારે ઈઝરાયેલી સૈન્ય દ્વારા કરવામાં આવેલા એક ડ્રોન હુમલામાં ત્રણ લોકોના મોત થયા હોવાનું લેબેનીઝ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. આ હુમલાને કારણે વિસ્તારમાં ફરી તણાવનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સમાચાર એજન્સી ‘NNA’ના અહેવાલ મુજબ, આ ઘાતક હુમલો સિડોન જિલ્લાના અકતનીત-કુનેત્રા રોડ પર એક વાહનને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા અને ન્યૂઝ એજન્સીઓ દ્વારા જાહેર કરાયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ડ્રોન સ્ટ્રાઈકને કારણે કાર સંપૂર્ણપણે નાશ પામી છે. લેબેનીઝ સુરક્ષા દળો હાલમાં ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહ્યા છે. જો કે, આ હુમલા અંગે ઈઝરાયેલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી દક્ષિણ લેબેનોનમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ઈઝરાયેલી સૈન્ય લેબેનીઝ સરહદની અંદર લગભગ દરરોજ હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલનો દાવો છે કે તેઓ હિઝબુલ્લાહના સભ્યો અને તેમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગાઝા યુદ્ધ દરમિયાન એક વર્ષથી વધુ ચાલેલા સીમાપાર હુમલાઓ બાદ નવેમ્બર ૨૦૨૪માં ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી થઈ હતી. આ લાંબા સંઘર્ષમાં ૪,૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૧૭,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા.યુદ્ધવિરામની શરતો મુજબ, ઈઝરાયેલી દળોએ જાન્યુઆરી સુધીમાં દક્ષિણ લેબેનોનમાંથી સંપૂર્ણપણે ખસી જવાનું હતું. જો કે, વર્તમાન અહેવાલો સૂચવે છે કે ઈઝરાયેલ માત્ર આંશિક રીતે જ પાછું હટ્યું છે અને હજુ પણ સરહદ પરની પાંચ મહત્વની ચોકીઓ પર પોતાનું સૈન્ય વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જે શાંતિ પ્રક્રિયા માટે ચિંતાનો વિષય બન્યો છે.